મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પના 'ગાઝા પ્લાન' પર ઈઝરાયલી બંધકો સાથે સત્તા છોડવા પણ સહમત થયું હમાસ, નેતન્યાહૂએ આપી પ્રતિક્રિયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી

ટ્રમ્પના 'ગાઝા પ્લાન' પર ઈઝરાયલી બંધકો સાથે સત્તા છોડવા પણ સહમત થયું હમાસ, નેતન્યાહૂએ આપી પ્રતિક્રિયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી હતી ત્યારે કાયમી શાંતિ લાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 સૂત્રીય એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને માની લેવા માટે હમાસે તૈયારી બતાવી દીધી છે. ટ્રમ્પે આ મામલે જાતે જ ટ્રૂથ પર પોસ્ટ કરીને જાણકારી શેર કરી હતી. 

હમાસ ઈઝરાયલી બંધકોને છોડવા રાજી 

પેલેસ્ટિની સંગઠન હમાસે જાહેરાત કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ હેઠળ અમે તમામ ઈઝરાયલી બંધકો (ભલે જીવીત હોય કે મૃત) મુક્ત કરવા તૈયાર છીએ. હમાસનો આ નિર્ણય ગાઝામાં યુદ્ધનો અંત લાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. 

ગાઝાની સત્તા પણ સોંપવા હમાસ તૈયાર 

હમાસે એક નિવેદનમાં કહ્યું છે કે, અમે ટ્રમ્પના ગાઝા પીસ પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા માટે મધ્યસ્થીઓના માધ્યમથી તાત્કાલિક મંત્રણા કરવા તૈયાર છીએ. જો આ પગલું સફળ થશે તો ઓક્ટોબર 2023 માં ઈઝરાયલ પર હુમલા દરમિયાન અપહરણ કરાયેલા બંધકોની વાપસી માટે મહિનાઓના પ્રયાસો દરમિયાન આ સૌથી મોટી સફળતા હશે. હમાસે એમ પણ કહ્યું કે, અમે ગાઝાની સત્તા સ્વતંત્ર ટેક્નિકલ નિષ્ણાતોની પેલેસ્ટિનિયન ઈન્સ્ટિટ્યૂટને સોંપવા તૈયાર છીએ.

ટ્રમ્પનો આભાર માન્યો હમાસે 

ઉલ્લેખનીય છે કે, હમાસ જ અત્યાર સુધી ગાઝામાં સત્તામાં હતું. આ સમૂહે ગાઝામાં સંઘર્ષનો અંત લાવવાના પ્રયાસો બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો. સાથે જ અરબ, ઈસ્લામિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હમાસને રવિવાર સાંજના 6 વાગ્યા સુધી ઈઝરાયલ સાથે શાંતિ સમજૂતિ કાયમ કરી લેવા અલ્ટીમેટમ આપ્યું હતું. 

ગાઝામાં બોમ્બમારો બંધ કરે ઈઝરાયલ : ટ્રમ્પ 

હમાસ સંગઠનનના લીડર્સે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પીસ પ્લાન પર આંશિક સહમતિ આપી દેતાં ટ્રમ્પે ઈઝરાયલને આદેશ આપ્યો હતો કે તાત્કાલિક ધોરણે ગાઝામાં બોમ્બમારો કરવાનું બંધ કરે. 

આ સમાચાર શેર કરો