મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ રાખીશું, બદલો લઈને જ રહીશું': પદ સંભાળ્યા બાદ મોજતબાનું પહેલું સત્તાવાર નિવેદન

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પદ સંભાળ્યા બાદ પોતાના પ્રથમ સત્તાવાર નિવેદનમાં ઈઝરાય

'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ રાખીશું, બદલો લઈને જ રહીશું': પદ સંભાળ્યા બાદ મોજતબાનું પહેલું સત્તાવાર નિવેદન

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પદ સંભાળ્યા બાદ પોતાના પ્રથમ સત્તાવાર નિવેદનમાં ઈઝરાયલ અને અમેરિકાને આકરો સંદેશ આપ્યો છે. ઈઝરાયલ દ્વારા તેહરાન પર કરવામાં આવેલા હુમલાઓ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાક્રમ વચ્ચે દેશની અખંડિતતા અને સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'ઈરાન પોતાના શહીદો ખાસ કરીને યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોનો બદલો જરૂર લેશે અને વિસ્તારમાં પોતાના દુશ્મનોના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતું રહેશે.' જોકે, આ દરમિયાન ખામેનેઈ કેમેરા પર જોવા મળ્યા ન હતા. ઈઝરાયલી ઈન્ટેલિજેન્સે હાલમાં જ દાવો કર્યો હતો કે, યુદ્ધના શરૂઆતી ગોળીબારમાં તેઓ કદાચ ઘાયલ થઈ ગયા હતા.

મોજતબા ખામેનેઈની અમેરિકાને ધમકી

મોજતબા ખામેનેઈએ પોતાના સંદેશની શરૂઆત અલ્લાહના નામથી કરતા કહ્યું કે, 'ઈરાન ન્યાય અને શાંતિના રસ્તા ચાલતું રહેશે, પરંતુ પોતાના દુશ્મનો વિરૂદ્ધ જવાબી કાર્યવાહીથી પીછેહઠ નહીં કરે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બંધ રહેશે.' આ એજ દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાના અંદાજિત 20 ટકા ઓઇલની જરૂરિયાતો પસાર થાય છે, એટલા માટે આ નિવેદનને વૈશ્વિક ઉર્જા બજાર માટે ખુબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

મોજતબા ખામેનેઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઈરાન પર કરવામાં આવેલા આ હુમલાઓ દુશ્મનની કાયરતા દર્શાવે છે. અમે અમારા દેશની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી અને આક્રમણખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઈરાનની સૈન્ય શક્તિ અને લોકોનો મનોબળ આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે.'

અમે શહીદોનો બદલો લઈને જ રહીશું: ખામેનેઈ

અમે કોઈની શહીદી ભૂલીશું નહીં. અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવો ઈરાનની જવાબદારી છે. અમે પોતાના શહીદોના લોહીને વ્યર્થ નહીં જવા દઈએ, ખાસ કરીને મિનાબમાં શહીદ થયેલા લોકો અને બાળકોની શહીદીનો બદલો જરૂર લેવામાં આવશે. અમે દરેક મોતનો બદલો લઈશું. અમારા નિશાને માત્ર અમેરિકન બેઝ છે અને તેના પર અમારા હુમલા શરૂ રહેશે. અમેરિકા પોતાના તમામ બેઝ બંધ કરી દે. અરબ દેશોમાં અમેરિકાના તમામ બેઝ બંધ કરાવીશું. અમે દુશ્મનોનો રસ્તો રોકી દીધો. યુદ્ધમાં અમે બીજા ફ્રન્ટ પણ ખોલી શકીએ છીએ, જેનાથી દુશ્મનોને અંદાજ પણ નહીં હોય.

તેમણે એ પણ કહ્યું કે, 'ઈરાન પોતાના પાડોશી દેશોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધોમાં વિશ્વાસ રાખે છે, પરંતુ જે અમેરિકાના સૈન્ય ઠેકાણા ખાડી દેશોમાં છે અને તેનો ઉપયોગ ઈરાન વિરૂદ્ધ થઈ રહ્યો છે, તેને નિશાન બનાવતા રહીશું.'

અમેરિકન સૈન્ય ઠેકાણાઓને બંધ કરવાની માંગ

નવા સર્વોચ્ચ નેતાએ મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા. તેમણે કહ્યું કે, 'આ ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ બંધ કરવા જોઈએ. જો જરૂર પડશે તો, ઈરાન તેની અન્ય લશ્કરી અને પ્રાદેશિક ક્ષમતાઓને સક્રિય કરશે. તેમના સંદેશમાં તેમણે ઈરાની સેના અને સુરક્ષા દળોનો આભાર માન્યો અને કહ્યું કે દેશની રક્ષા માટેના તેમના પ્રયાસો પ્રશંસનીય છે.'

તેમણે ઈરાનના લોકોને દેશભરમાં યોજાતી રેલીઓમાં રેકોર્ડ સંખ્યામાં ભાગ લેવા અને બાહ્ય દબાણનો સામનો કરવા દેશની એકતા દર્શાવવા અપીલ પણ કરી. તેમના સંબોધનના અંતે, મોજતબા ખામેનેઈએ જણાવ્યું હતું કે, ઈરાને વર્તમાન સંઘર્ષમાં તેના દુશ્મનોને હરાવવા જ જોઈએ. આ લડાઈ ફક્ત સૈન્ય નથી પરંતુ રાષ્ટ્રીય સન્માન અને સુરક્ષા માટેની લડાઈ છે.

આ સમાચાર શેર કરો