'સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારતીય જહાજોને મંજૂરી!', ભારત- ઇરાનના વિદેશ મંત્રી વચ્ચે વાતચીતના અહેવાલ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતને મોટી રાહત મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ટેલિફોનિક વાતચીત બાદ ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી છે. આ ભારતની ઉર્જા સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જે વૈશ્વિક તેલ અને કુદરતી ગેસનો નોંધપાત્ર હિસ્સો વહન કરે છે.
આ ભારત માટે મોટી રાહત છે કારણ કે ભારતના લગભગ 40-50% ક્રુડ ઓઈલ આયાત આ જ રસ્તેથી આવે છે. જો કે, કેટલાક મીડિયા અહેવાલ પ્રમાણે ઈરાની સ્ત્રોતોમાંથી કેટલાકે આ વાતને નકારી કાઢી છે અથવા સંપૂર્ણ સમજૂતી ન હોવાનું કહ્યું છે, પરંતુ ભારતીય સ્ત્રોતો અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આને ડિપ્લોમેટિક સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે.
ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે ભારતના વિદેશ મંત્રીની વાતચીત બાદ ઈરાને ભારતીય ક્રૂડ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીતનો હેતુ આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખુલ્લો રાખવાનો હતો જેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનો પુરવઠો પ્રભાવિત ન થાય.
રશિયા અને ફ્રાન્સના વિદેશ મંત્રીઓ સાથે પણ વાત કરી
સૂત્રોએ જણાવ્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકરે માત્ર ઈરાન સાથે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે અન્ય મુખ્ય દેશો સાથે પણ સંકલન કર્યું. તેમણે રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ અને ફ્રેન્ચ વિદેશ મંત્રી જીન-નોએલ બારો સાથે આ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી. આ ચર્ચાઓનો હેતુ દરિયાઈ વેપાર માર્ગો ખુલ્લા રાખવા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં થઈ રહેલા વિક્ષેપો અટકાવવાનો હતો. ભારતની સક્રિય વિદેશ નીતિએ સાબિત કર્યું છે કે તણાવના સમયમાં પણ, ભારત તેના હિતોનું રક્ષણ કરવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરવા સક્ષમ છે.
ઈરાને આ ખાસ છૂટ ભારતને એવા સમયે આપી છે જ્યારે અમેરિકા, યુરોપ અને ઈઝરાયલ સાથે જોડાયેલા જહાજો આ માર્ગ પર કડક પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે.
ભારતને છૂટ આપવાની સાથે ઈરાને એ પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા, યુરોપ અને ઈઝરાયલ સાથે જોડાયેલા જહાજો પર હાલમાં પ્રતિબંધો યથાવત રહેશે, પરંતુ ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પરિવહન કરી શકશે. આ ભારત માટે રાજદ્વારી સફળતા છે, કારણ કે હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ટ્રાફિક 90% ઘટ્યો છે અને ઘણા દેશોના ક્રૂડ જહાજો અટવાઈ ગયા છે.

