પેરાગ્વેમાં ડિજિટલ બેંકિંગ સિસ્ટમ ભાંગી પડતાં રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડ્યું, હજારો કર્મીઓના પગાર અટવાયા

જો દેશની કોઈ મોટી બેંક અચાનક ડૂબી જાય અને અડધાથી વધુ વસ્તીના ખાતા ફ્રીઝ થઈ જાય તો શું થાય? દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં અત્યારે આવો જ ખૌફનાક માહોલ છે. લોકોની આખી જિંદગીની કમાણી અટવાઈ ગઈ છે, કર્મચારીઓ રસ્તા પર ઉતરીને પોતાના ક્રેડિટ કાર્ડ સળગાવી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે આ કટોકટીના કારણે દેશના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાએ પણ ખુરશી છોડવાનો વારો આવ્યો છે.
ચાલો જાણીએ કે આખરે પેરાગ્વેમાં આટલો મોટો ભૂકંપ કેવી રીતે આવ્યો અને તેમાં ueno બેંકની શું ભૂમિકા છે.
ueno બેંક શું છે, તે આટલી મોટી કેવી રીતે બની?
ueno એક ડિજિટલ બેંક છે. આ બેંક કોઈ પરંપરાગત શાખાઓ ધરાવતી બેંક નથી, પરંતુ સંપૂર્ણપણે સ્માર્ટફોન અને ટેકનોલોજી આધારિત ચાલતી એક 'નિયો બેંક' (Neobank) એટલે કે ફિનટેક પેઢી છે.
વર્ષ 2023માં બેંકિંગ લાયસન્સ મેળવ્યા પછી આ બેંકે કરિયાણા પર ભારે કેશબેક આપીને ગ્રાહકોને આકર્ષ્યા અને 70થી વધુ સ્થળે વિસ્તરણ કર્યું. તે પેરાગ્વેની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની સ્પોન્સર પણ બની. આક્રમક માર્કેટિંગ અને ડિજિટલ સર્વિસના કારણે ueno ટૂંકા ગાળામાં જ પેરાગ્વેના નાણાકીય ક્ષેત્રમાં એક ક્રાંતિ તરીકે ઉભરી આવી. ખાસ કરીને જે લોકો પરંપરાગત બેંકિંગ સેવાઓથી દૂર હતા, તેમને આ પ્લેટફોર્મે ખૂબ જ સરળતાથી બેંકિંગ સાથે જોડ્યા. માત્ર થોડા જ સમયમાં, 65 લાખની વસ્તી ધરાવતા પેરાગ્વેના લગભગ 30 લાખ લોકો આ બેંકના ગ્રાહક બની ગયા. બેંક પાસે સરકારી સંસ્થાઓ અને પેન્શન ફંડના આશરે $850 મિલિયન જેટલા જંગી ભંડોળનું સંચાલન પણ હતું. આટલી જંગી મૂડી અને લોકોના વિશ્વાસને કારણે ueno દેશની સૌથી પ્રભાવશાળી અને સફળ નાણાકીય સંસ્થાઓમાંની એક ગણાવા લાગી હતી.
તો પછી કટોકટી કેમ સર્જાઈ?
અહેવાલો મુજબ, આ બેંકે નિયમો નેવે મૂકી દીધા તેથી એની પડતી થઈ છે. જેમ કે…
કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને જોખમી લોન આપી
કોઈપણ બેંક સામાન્ય માણસ કે કંપનીને લોન આપે ત્યારે તેમની આવક અને લોન ચૂકવવાની ક્ષમતાની કડક ચકાસણી કરે છે. પરંતુ ueno બેંકના કિસ્સામાં મોટો ભ્રષ્ટાચાર થયો. બેંક પર જે જૂથનો કાબૂ હતો (જેમ કે, ગ્રુપો વાઝક્વેઝ) તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો. તેમણે બેંકના નિયમોને નેવે મૂકીને પોતાની જ અન્ય ખાનગી કંપનીઓને આડેધડ લોન આપી દીધી. આ લોન 'જોખમી' હતી કારણ કે તેની સામે કોઈ યોગ્ય ગેરંટી લેવાઈ નહોતી અને તે કંપનીઓ કદાચ પૈસા પાછા આપી શકે તેમ નહોતી.
સપ્ટેમ્બર 2025ના રોજ $39 મિલિયનનો ખેલ
આ કૌભાંડમાં સપ્ટેમ્બર 2025નો એક દિવસ સૌથી મોટો વળાંક સાબિત થયો. માત્ર 24 કલાકની અંદર બેંકમાંથી $39 મિલિયન જેટલી જંગી રકમ માલિકો સાથે જોડાયેલી અન્ય કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ. આ પૈસા બેંકના માલિકોના ન હતા, સામાન્ય ગ્રાહકોની બચત અને સરકારી પેન્શન ફંડના હતા. એક જ દિવસમાં આટલી મોટી રકમ સગેવગે થવાથી નાણાકીય નિયામકો (રેગ્યુલેટર્સ)ના રડારમાં આ બેંક આવી ગઈ.
સોલ્વન્સી નિયમોનો ભંગ, બેંકનો ખજાનો ખાલી
બેંકિંગ સિસ્ટમમાં 'સોલ્વન્સી' (Solvency)નો નિયમ બહુ મહત્ત્વનો છે. આ નિયમ મુજબ, દરેક બેંકે પોતાની પાસે અમુક ચોક્કસ ટકાવારીમાં રોકડ (અનામત) હંમેશાં રાખવી જ પડે છે. આ એટલા માટે જરૂરી છે જેથી ગ્રાહકો જ્યારે પોતાના પૈસા ઉપાડવા માંગે ત્યારે બેંક તેમને તરત ચૂકવી શકે.
પરંતુ ueno બેંકે પોતાના જ માલિકોની કંપનીઓને કરોડો ડોલરની લોન આપી દીધી હોવાથી બેંક પાસે રોકડની ભારે અછત ઊભી થઈ. જ્યારે સામાન્ય ગ્રાહકો પોતાના જમા પૈસા પાછા લેવા આવ્યા, ત્યારે બેંક પાસે તેમને ચૂકવવા માટે પૂરતા પૈસા બચ્યા જ નહોતા. એટલે કે બેંક નાદાર (કંગાળ) થવાની અણી પર આવી ગઈ હતી, જે સોલ્વન્સી નિયમનો ભંગ હતો.
સેન્ટ્રલ બેંકની લાલ આંખઃ કાર્યવાહી કરી
દેશની સેન્ટ્રલ બેંકને ખબર પડી કે ueno બેંક પાસે ગ્રાહકોને ચૂકવવાના પૈસા નથી અને મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે ત્યારે તેણે ગ્રાહકોના હિતના રક્ષણ માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો. ત્યાર પછી 3 નવેમ્બર, મંગળવારે સેન્ટ્રલ બેંકે કડક પગલાં લઈને ueno બેંકનું આખું સંચાલન પોતાના હાથમાં (ટેકઓવર) લઈ લીધું. તેણે તાત્કાલિક અસરથી બેંકની તમામ બ્રાન્ચ, મોબાઈલ એપ અને ઓનલાઈન ટ્રાન્સફર સર્વિસ બંધ કરી દીધી. આ પગલું લેવાનું કારણ એ હતું કે, બેંકના સંચાલકો બાકી બચેલા પૈસા પણ સગેવગે ન કરી શકે અને અન્ય બેંકોની મદદથી ગ્રાહકોને તેમના પૈસા ધીમે ધીમે પાછા આપી શકાય.
સામાન્ય જનતા અને કર્મચારીઓ પર અસર
આ કટોકટીથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. બેંકની એપ, કાર્ડ અને તમામ ટ્રાન્સફર સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અન્ય બેંકોમાં ખાતા ખોલાવવા જતાં તેમની મોબાઈલ એપ્લિકેશનો પણ ક્રેશ થઈ ગઈ છે. ueno બેંક બંધ થવાને કારણે લગભગ 7000 જેટલા યુવા કર્મચારીઓના પગાર અટકી ગયા. તેથી તેઓ શ્રમ મંત્રાલયની બહાર વિરોધ કરવા બેસી ગયા છે. ઉપરાંત, અંદાજે 32000 જેટલા પેન્શનરો પણ પ્રભાવિત થયા છે; તેમના ખાતા હવે અન્ય બેંકોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સત્તાવાળાઓ નાના ખાતાધારકોને (લગભગ $1600 સુધીના) પાંચ દિવસમાં પૈસા ચૂકવવાની ખાતરી આપીને માહોલ શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજકીય ભૂકંપ, રાષ્ટ્રપતિનું પતન
આ આખી ઘટનામાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાનું નામ ઉછળતાં મોટો રાજકીય વિવાદ સર્જાયો. પેના અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. બેંક ચલાવતા જૂથ સાથે તેમના જૂના વ્યાપારી સંબંધો હતા. વિપક્ષે તેમના પર પેન્શન ફંડનો દુરુપયોગ અને કૌભાંડ છુપાવવાનો ગંભીર આરોપ લગાવ્યો.
સત્તાધારી કોલોરાડો પાર્ટીમાં પણ મોટું ભંગાણ પડ્યું. પાર્ટીના વરિષ્ઠ નેતા હોરાસિયો કાર્ટેસે મહાભિયોગની માંગણી કરી. જનતાનો રોષ અને મહાભિયોગની કાર્યવાહીના દબાણ હેઠળ રાષ્ટ્રપતિ પેનાએ ગુરુવારે રાજીનામું આપવું પડ્યું.
પેરાગ્વેની બેંકિંગ શાખ ધોવાઈ ગઈ
હાલમાં બેંકના પ્રમુખે આત્મસમર્પણ કર્યું છે અને અન્ય આઠ ઉચ્ચ અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કરાયા છે. સેન્ટ્રલ બેંકના પ્રમુખ કાર્લોસ કાર્વાલોએ પણ રાજીનામું આપી દીધું છે. પેરાગ્વેએ વર્ષોથી વિદેશી રોકાણકારો માટે પોતાને એક સ્થિર દેશ તરીકે રજૂ કર્યો હતો, પરંતુ આ બેંકિંગ કટોકટીએ દેશના અર્થતંત્ર અને રાજકીય સ્થિરતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.









