ખાડી દેશોમાં મોટો ભડકો: હૂતી વિદ્રોહીઓએ સાઉદીના સંરક્ષણ મંત્રાલય અને સૌથી મોટી ઓઈલ રિફાઈનરી પર મિસાઈલો ઝીંકી!

યમનમાં સક્રિય ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર બે મોટા બેલેસ્ટિક મિસાઈલ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. હૂતી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત સંરક્ષણ મંત્રાલય પર બેલેસ્ટિક મિસાઈલથી સીધો હુમલો કર્યો છે.
આ અગાઉ હૂતી જૂથે સાઉદી અરેબિયાની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઓઈલ રિફાઈનરી 'રાસ તનુરા' પર પણ બેલેસ્ટિક મિસાઈલ છોડી હોવાનો દાવો કર્યો હતો. હૂતી જૂથના જણાવ્યા અનુસાર, મિસાઈલ હુમલાને કારણે રિફાઈનરી પરિસરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. રાસ તનુરા સાઉદીનું એક મોટું શિપિંગ ટર્મિનલ અને રિફાઈનરી પરિસર છે, જે દરરોજ 5.50 લાખ બેરલ ઓઈલ શુદ્ધિકરણની ક્ષમતા ધરાવે છે અને પર્સિયન ગલ્ફ કિનારે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં આવેલું છે.
હૂતીઓના ટેલિગ્રામ ચેનલ પરથી કરવામાં આવેલા આ દાવાઓ બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી ગયો છે. જોકે, સંરક્ષણ મંત્રાલય કે રાસ તનુરા રિફાઈનરી પર થયેલા હુમલા અથવા તેનાથી થયેલા નુકસાન અંગે સાઉદી અરેબિયા પ્રશાસન તરફથી હાલ કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી.







