ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગાયક નીલ યંગનો ₹95 કરોડનો દાવો, પરવાનગી વિના ગીત વગાડવાનો આરોપ

અમેરિકન-કેનેડિયન ગાયક નીલ યંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પોલિટિકલ એક્શન કમિટી ‘ટ્રમ્પ 47 કમિટી ઇન્ક.’ સામે કાનૂની કાર્યવાહી કરી છે. યંગે આશરે 1 કરોડ ડૉલર એટલે કે લગભગ ₹95 કરોડના વળતરની માગ કરી છે. આરોપ છે કે ટ્રમ્પની કમિટીએ તેમની પરવાનગી વિના ‘રૉકિન ઇન ધ ફ્રી વર્લ્ડ’ ગીતનો ઉપયોગ કર્યો હતો. આ મામલે યંગે અગાઉ 2020માં પણ ટ્રમ્પ સામે કેસ કર્યો હતો, જેનો ઉકેલ સમાધાન દ્વારા આવ્યો હતો.
ઓહાયોની ચૂંટણી રેલીમાં ગીત વગાડવાનો આરોપ
વર્જિનિયામાં દાખલ કરવામાં આવેલા નવા મુકદ્દમા મુજબ, 12 ઓક્ટોબરે ઓહાયોના યંગ્સટાઉનમાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીની રેલી દરમિયાન ટ્રમ્પ મંચ પર પહોંચ્યા ત્યારે ‘રૉકિન ઇન ધ ફ્રી વર્લ્ડ’ ગીત વગાડવામાં આવ્યું હતું. યંગનો દાવો છે કે આ ગીતના ઉપયોગ માટે જરૂરી લાઇસન્સ ટ્રમ્પની કમિટીને આપવામાં આવ્યું નહોતું. તેમણે ન તો ગીતના ઉપયોગની પરવાનગી આપી હતી કે ન તો ભવિષ્યમાં આવી પરવાનગી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 12 ઓક્ટોબરે ટ્રમ્પ ઓહાયોમાં રિપબ્લિકન સેનેટર જૉન હસ્ટેડ અને ગવર્નર પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા.
2020ના સમાધાનની શરતોના ઉલ્લંઘનનો આરોપ
નીલ યંગે અગાઉ પણ ટ્રમ્પ સામે આ જ ગીતનો પરવાનગી વિના ઉપયોગ કરવાનો આરોપ લગાવીને 2020માં કાનૂની કાર્યવાહી કરી હતી. તે સમયે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં મામલો ઉકેલાયો હતો. હવે નવા મુકદ્દમામાં યંગે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પની કમિટીએ સમાધાનની શરતોનું ઉલ્લંઘન કરીને ફરીથી ગીતનો ઉપયોગ કર્યો છે. જોકે, આ આરોપો અંગે કોર્ટનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.
‘આ ગીત ટ્રમ્પના વિચારોની વિરુદ્ધ છે’
મુકદ્દમામાં યંગે 1989માં રજૂ થયેલા આ ગીતના અર્થ અને સંદેશનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના પક્ષના જણાવ્યા મુજબ, ગીત અમેરિકાના રાજકીય વચનો અને ગરીબો, બેઘરો તથા સમાજના ઉપેક્ષિત વર્ગોની વાસ્તવિક સ્થિતિ વચ્ચેના તફાવતને રજૂ કરે છે. ગીતમાં ગરીબી, નશાની લત, નિરાશા અને સામાજિક અસમાનતા જેવા મુદ્દાઓને દર્શાવવામાં આવ્યા છે. મુકદ્દમામાં દલીલ કરવામાં આવી છે કે ગીતનો વારંવાર આવતો કોરસ સ્વતંત્રતાની એવી ઉજવણી પર કટાક્ષ કરે છે, જેનો લાભ સમાજના તમામ લોકોને મળતો નથી. યંગના પક્ષે દાવો કર્યો છે કે આ ગીતનો સંદેશ ટ્રમ્પ જેનું પ્રતિનિધિત્વ કરે છે તેનાથી વિપરીત છે. મુકદ્દમામાં એવો પણ આરોપ છે કે ટ્રમ્પને જાણ હતી કે યંગે ગીતના ઉપયોગ માટે લાઇસન્સ આપ્યું નથી અને આપવાની તેમની કોઈ ઇચ્છા પણ નહોતી.
છ દાયકાથી વધુની સંગીત કારકિર્દી
નીલ યંગનો જન્મ 12 નવેમ્બર, 1945ના રોજ ટોરોન્ટોમાં થયો હતો. તેમણે 1960ના દાયકામાં કેનેડાના વિન્નિપેગથી સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ લોસ એન્જલસ પહોંચ્યા અને સ્ટીફન સ્ટિલ્સ સાથે રોક બેન્ડ ‘બફેલો સ્પ્રિંગફીલ્ડ’ની સ્થાપના કરી. 1968માં બેન્ડથી અલગ થયા બાદ યંગે સોલો કારકિર્દી શરૂ કરી હતી. 1969માં ‘ક્રેઝી હોર્સ’ બેન્ડ સાથે કામ કર્યું. ‘એવરીબડી નોઝ ધિસ ઇઝ નોવ્હેર’, ‘આફ્ટર ધ ગોલ્ડ રશ’ અને ‘હાર્વેસ્ટ’ જેવા આલ્બમથી તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી. તેમણે ‘ક્રોસ્બી, સ્ટિલ્સ, નેશ એન્ડ યંગ’ સુપરગ્રુપ સાથે પણ કામ કર્યું હતું. તેમનું ગીત ‘ઓહાયો’ 1970માં કેન્ટ સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલી ગોળીબારની ઘટના બાદ લખાયું હતું. યંગે પોતાના સંગીતમાં યુદ્ધ, રાજકારણ અને સામાજિક અસમાનતા જેવા મુદ્દાઓને પણ સ્થાન આપ્યું છે. તેમને બે ગ્રેમી એવોર્ડ સહિત અનેક સંગીત પુરસ્કારો મળ્યા છે. 1995માં એકલ કલાકાર તરીકે અને 1997માં ‘બફેલો સ્પ્રિંગફીલ્ડ’ના સભ્ય તરીકે તેમને રોક એન્ડ રોલ હોલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે ટ્રમ્પની કમિટી સામેના નવા મુકદ્દમામાં ગીતના ઉપયોગ અને અગાઉના સમાધાનની શરતો અંગે કોર્ટ શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે.











