મુખ્ય સામગ્રી પર જાઓ

આકાશમાં રાષ્ટ્રપતિએ અચાનક વિમાન પાછું વળ્યું, સુપ્રીમ કોર્ટનો ઘેરાવ; સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે અભૂતપૂર્વ તણાવ

આકાશમાં રાષ્ટ્રપતિએ અચાનક વિમાન પાછું વળ્યું, સુપ્રીમ કોર્ટનો ઘેરાવ; સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે અભૂતપૂર્વ તણાવ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પોલેન્ડમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ન્યાયતંત્રના નિયંત્રણ અને સ્વતંત્રતાને લઈને ચાલી રહેલો સંઘર્ષ વધુ ઘેરો બન્યો છે. બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખ બોગદાન સ્વીવેચકોવ્સ્કીના સસ્પેન્શન બાદ રાજકીય વિવાદ વકર્યો છે. સરકારના નિર્ણયના વિરોધમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી. દેશમાં વધતા રાજકીય તણાવ વચ્ચે પોલેન્ડના રાષ્ટ્રપતિ કારોલ નાવરોકીએ સેનેગલનો વિદેશ પ્રવાસ અધવચ્ચેથી અટકાવીને વોર્સો પરત ફરવાનો નિર્ણય લીધો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, “આવા સમયે રાષ્ટ્રપતિએ પોલેન્ડમાં હોવું જરૂરી છે. હું સેનેગલની મારી ફ્લાઇટ અધવચ્ચેથી અટકાવી રહ્યો છું અને પરત ફરી રહ્યો છું.” તેમના ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, વોર્સો પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ બંધારણીય ટ્રિબ્યુનલની મુલાકાતે પણ ગયા હતા.

ટ્રિબ્યુનલની બહાર પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખના સસ્પેન્શનના વિરોધમાં કોર્ટની બહાર પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કોર્ટની સુરક્ષા દીવાલ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકોએ પોલીસ કર્મચારીઓ પર વસ્તુઓ પણ ફેંકી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે હુલ્લડ વિરોધી પોલીસ દળોને તહેનાત કરવામાં આવ્યાં હતાં. ઘર્ષણ બાદ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ન્યાય મંત્રી વાલ્ડેમાર ઝુરેકે ટ્રિબ્યુનલના પ્રમુખ બોગદાન સ્વીવેચકોવ્સ્કી અને ઉપપ્રમુખ બાર્ટોમી સોચાન્સ્કીની કાનૂની પ્રતિરક્ષા દૂર કરવાની માગ કરી હતી. આ કાર્યવાહીનો હેતુ બંને વરિષ્ઠ ન્યાયાધીશો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો હોવાનું જણાવાયું હતું.

2015થી 2023ના ન્યાયિક સુધારા વિવાદનું મૂળ

પોલેન્ડમાં ચાલી રહેલા આ સંઘર્ષનાં મૂળ 2015થી 2023 દરમિયાન સત્તામાં રહેલી લૉ એન્ડ જસ્ટિસ (PiS) પાર્ટીની સરકારના ન્યાયિક સુધારાઓમાં છે. પોલેન્ડ અને યુરોપિયન યુનિયનના ટીકાકારોનો આરોપ હતો કે આ સુધારાઓના કારણે શાસક પક્ષને ન્યાયિક સંસ્થાઓ પર રાજકીય નિયંત્રણ મેળવવાની તક મળી હતી. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ અને યુરોપિયન યુનિયનની કોર્ટ ઓફ જસ્ટિસે અગાઉ PiS સરકારના કાર્યકાળ દરમિયાન નિયુક્ત ત્રણ ન્યાયાધીશોની નિમણૂકને અયોગ્ય ગણાવી હતી. અદાલતોના મતે, આ ત્રણ જગ્યાઓ અગાઉની સંસદ દ્વારા પહેલેથી જ ભરવામાં આવી હતી. આ ઉપરાંત, બંધારણીય ટ્રિબ્યુનલની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. 2023માં સત્તામાં આવેલા વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ન્યાયતંત્રની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. જોકે, વિપક્ષના સમર્થન ધરાવતા રાષ્ટ્રપતિ નાવરોકી અને તેમના પુરોગામી આન્દ્રેઝ ડુડાએ વીટો અધિકારનો ઉપયોગ કરીને સરકારના કેટલાક સુધારા અટકાવ્યા છે. નાવરોકીએ માર્ચથી સંસદ દ્વારા ચૂંટાયેલા પાંચ ન્યાયાધીશોને શપથ લેવડાવવાનો પણ ઇનકાર કર્યો છે.

સરકાર અને વિપક્ષે એકબીજા પર લગાવ્યા આરોપ

સ્વીવેચકોવ્સ્કીના સસ્પેન્શનની માહિતી શુક્રવારે સાંજે ટ્રિબ્યુનલની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ વેબસાઇટ બંધ થઈ ગઈ હતી. બીજી તરફ, ટ્રિબ્યુનલે સોશિયલ મીડિયા પર નિવેદન આપીને સ્વીવેચકોવ્સ્કી અને સોચાન્સ્કીને કાયદેસર રીતે નિયુક્ત વરિષ્ઠ ન્યાયાધીશો ગણાવ્યા હતા. ટ્રિબ્યુનલ દ્વારા સરકારની કાર્યવાહી સામે ‘બળવા’ જેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કાયદાના શાસનની પુનઃસ્થાપનાને સરકારની ફરજ ગણાવી હતી. જ્યારે PiSના નેતાઓએ સસ્પેન્શનની ટીકા કરી હતી. પૂર્વ ન્યાય મંત્રી ઝબિગ્ન્યુ ઝિયોબ્રોએ આ કાર્યવાહીને બંધારણીય વ્યવસ્થા પર ગુનાહિત હુમલો ગણાવીને વિરોધ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ, PiS સરકારના સમયના ન્યાયિક સુધારાઓના ટીકાકાર વકીલ માર્સિન માત્ઝાકે પણ સસ્પેન્શનના કાનૂની આધાર સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્રિબ્યુનલમાં સશસ્ત્ર પોલીસની હાજરી અને ન્યાય મંત્રીની સત્તાના અર્થઘટન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આગામી વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલાં પોલેન્ડમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાનો મુદ્દો ફરી રાજકીય સંઘર્ષના કેન્દ્રમાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ વિદેશ પ્રવાસ અધવચ્ચેથી અટકાવીને પરત ફરતાં દેશની રાજકીય સ્થિતિ વધુ ચર્ચામાં આવી છે.

આ સમાચાર શેર કરો