VIDEO: ઇરાકની સંસદમાં બે જૂથ વચ્ચે બબાલ, જૂતા ફેંકતા થઈ મારામારી
શિયા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી ઇરાકની સંસદમાંથી અંધાધૂંધીની ઘટના સામે આવી છે. સંસદમાં સાંસદોને માર માર્ય

શિયા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી ઇરાકની સંસદમાંથી અંધાધૂંધીની ઘટના સામે આવી છે. સંસદમાં સાંસદોને માર માર્યાનો અને એકબીજા પર જૂતા ફેકવાની ઘટના બની છે. મંગળવારે ઇરાકી સંસદના હોલમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે અથડામણ થઈ હતી. ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના ઉમેદવારોને મતદાન કરવા અંગે સાંસદો વચ્ચે શરૂ થયેલો વિવાદ ટૂંક સમયમાં જ મારામારીમાં ફેરવાઈ ગયો.
ઇરાકના સ્થાનિક અખબારોના જણાવ્યા અનુસાર, સુન્ની સાંસદ રાદ અલ-દહલાકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સાંસદને આંખમાં ઈજા થયાનો વીડિયો સામે આવ્યો છે. સાંસદો એકબીજા સાથે ઝઘડતા જોવા મળી રહ્યા છે.
ઇરાકી સમાચાર એજન્સી Al-Sa’a સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'જરૂરી સંખ્યામાં સાંસદો ન હોવાને કારણે સ્પીકર મહમૂદ અલ-મશહદાની ગૃહ છોડી ગયા પછી સંસદીય સત્ર અંધાધૂંધીમાં ડૂબી ગયું હતું. તેમ છતાં, ડેપ્યુટી સ્પીકર મોહસેન અલ-મંડલાવીના નેતૃત્વમાં પ્રથમ સત્ર યોજાયું હતું.'
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, 'સત્રનો બહિષ્કાર કરનારા તકદ્દુમ ગઠબંધનના સાંસદોએ શિયા જૂથો સાથે મળીને ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના ઉમેદવારો માટે મતદાન કરતા વિવાદ આક્રોશમાં ફેલાયો.
સંસદમાં ઇરાકી સાંસદો વચ્ચે શું ઝઘડો થયો?
ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના પદો સુન્ની અને શિયા જૂથો વચ્ચે વહેંચવાના હતા, પરંતુ તકદ્દમ અને શિયા જૂથોએ રાજકીય સર્વસંમતિને અવગણીને બંને પદો માટે શિયા ઉમેદવારો માટે મતદાન કર્યું. ત્યાર બાદ સંસદ ભવનની બહાર કાફેટેરિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો. સ્પીકર મહમૂદ અલ-મશહદાનીએ જોરશોરથી વિરોધ કરવાનું શરૂ કરતા કહ્યું કે, મતદાન સુન્ની સમુદાયના અધિકારો સાથે અન્યાય છે. આ સમયે શિયા સાંસદ અલા અલ-હૈદરીએ 'ઘૃણાસ્પદ સાંપ્રદાયિક' ગાળો આપતા સુન્ની સાંસદ રાદ અલ-દહલાકી સાથે લડાઈ શરૂ કરી.
પરિસ્થિતિ બેકાબુ ત્યારે બની જ્યારે લગભગ 50 સાંસદોએ અલ દહલાકી પર હુમલો કરી દીધો અને તેમને બેરહેમીથી માર્યા. આ સમયે માત્ર એક સુન્ની સાંસદ મહમૂદ અલ કૈસી સામે આવ્યા અને તેમણે બહાદુરીપૂર્વક અલ દહલાકીને ભીડથી બચાવવાનો પ્રયાસ કર્યો. જણાવી દઈએ કે ઈરાકની સંસદમાં પહેલા પણ આવી રીતે વિવાદ થઈ ચૂક્યા છે.








