મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇમરાન ખાનની મોતની અફવાઓ વચ્ચે પુત્રની ધમકી, કાસીમ ખાન મીડિયા સામે રડી પડ્યો

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની સ્થિતિ અને તબીયત વિશે સમગ્ર પ

ઇમરાન ખાનની મોતની અફવાઓ વચ્ચે પુત્રની ધમકી, કાસીમ ખાન મીડિયા સામે રડી પડ્યો

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની સ્થિતિ અને તબીયત વિશે સમગ્ર પાકિસ્તાનમાં વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. ઈમરાનના સમર્થકો અહીંની કુખ્યાત અદિયાલા જેલની બહાર રાતભર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ ઈમરાનની મુક્તિ માટે નારા લગાવી રહ્યા છે.

ઇમરાન ખાનના પુત્ર કાસીમ ખાને તો વડાપ્રધાન શહબાઝ શરીફ અને તેઓના મિત્ર લશ્કરી વડા આસીમ મુનીરને અને જેલ અધિકારીને કોર્ટમાં ઢસડી જવાની ધમકી પણ ઉચ્ચારી છે. તે કહે છે, મારા પિતા જીવિત છે કે નહીં તેટલું તો કહો. આટલું પત્રકારો સમક્ષ કહેતાં કાસીમ ખાનની આંખો સજળ બની ગઈ હતી.

આમ છતાં, શહબાઝ શરીફ સરકાર પાસે એક જ જવાબ છે, ઇમરાન સ્વસ્થ છે તેઓને કંઈ બીજે ખસેડવામાં આવ્યા નથી.

આ સાથે સીધો સવાલ તે ઉભો થાય છે કે જો બધું જ બરાબર હોય તો તેઓનાં કુટુંબીજનો અને તેમના પક્ષ પાકિસ્તાન- તહેરિક- ઇન્સાફના કોઈ અગ્રીમ નેતાને અને તેમના સમર્થકો પૈકી કોઇને પણ તેઓને શા માટે મળવા દેવામાં આવી રહ્યા નથી? જો મળવા દેવામાં આવે તો સત્ય બહાર આવે. ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બરે (ગઈકાલે) તો તેમના વકીલને પણ તેમને મળવા દેવામાં આવ્યા નહીં.

ઇમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. ભ્રષ્ટાચારના આરોપસર તેઓને 14 વર્ષની સજા કરવામાં આવી છે. તેમના  બહેનોએ તેમની પાર્ટીના સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ગઇકાલે (ગુરૂવારે) ઇમરાનને મળવા જેલ ગયા હતા. પરંતુ જેલના અધિકારીઓએ ફરીથી મળવા દેવાની ના કહી.

આ પછી ઇમરાન ખાનના પુત્રે હૃદય દ્રાવક પોસ્ટ કરી હતી. તેઓએ X પર લખ્યું, મારા પિતા 845 દિવસથી જેલમાં છે. છેલ્લા છ સપ્તાહથી તેઓને મોતના-કમરામાં એકાંતમાં રાખવામાં આવ્યા છે. તેમના બહેનોને દર વખતે મળવા દેવાની ના પાડવામાં આવે છે. અદાલતે તેઓને મળવા દેવા માટે આદેશ આપ્યો હોવા છતાં તેઓને મળવા દેવામાં આવતા નથી. કોઈ ફોન કોલ નથી. કોઈ મીટીંગ નથી. તેઓ જીવંત છે કે નહીં તેના કોઈ પુરાવા નથી. મારો અને મારા ભાઈનો અમારા પિતા સાથે કોઈ સંપર્ક નથી. પૂર્ણ બ્લેક આઉટ છે.

કાસીમ ખાને પત્રકારો સમક્ષ મન ઠાલવતાં કહ્યું, મારા પિતા જીવિત છે કે નહીં તેટલું તો કહો. આટલું કહેતા કાસીમ ખાનની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. આમ છતાં તેઓએ શરીફ અને મુનીરને ધમકી પણ આપી કે, પાકિસ્તાનની સરકારના વડાઓ શહબાઝ શરીફ અને જનરલ મુનીરને કાનુની, નૈતિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર સંગઠનો તથા દરેક લોકતંત્રોને આ સામે અવાજ ઉઠાવવા તથા તત્કાળ હસ્તક્ષેપ કરવા આહવાન આપું છું.

આ સમાચાર શેર કરો