ઈરાનની નાકાબંધી હટાવવા અમેરિકા તૈયાર, બદલામાં ખુલશે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'
અમેરિકા ઈરાનની નૌસેનિક નાકેબંધી હટાવવા તૈયાર થયું છે. એ સાથે જ વિશ

અમેરિકા ઈરાનની નૌસેનિક નાકેબંધી હટાવવા તૈયાર થયું છે. એ સાથે જ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ખુલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ કરાર હેઠળ અમેરિકા ઈરાન પરથી નૌસેનિક પ્રતિબંધો હટાવશે અને તેના બદલામાં ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેશે. ઈરાનની સરકારી ટીવી ચેનલે દાવો કર્યો છે કે તેમની પાસે અમેરિકા સાથેના સત્તાવાર MoU માટેનો એક પ્રારંભિક અને બિન-અધિકૃત ડ્રાફ્ટ ઉપલબ્ધ છે.
ઈરાની મીડિયાના અહેવાલ અનુસાર, આ અનૌપચારિક ડ્રાફ્ટ મુજબ ઈરાન એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોમર્શિયલ એટલે કે વ્યાપારી જહાજોની અવરજવરને યુદ્ધ પહેલાના સ્તર પર સામાન્ય કરી દેશે. જ્યારે બીજી તરફ અમેરિકા ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાની સૈન્ય ટુકડીઓ પરત ખેંચી લઈ નૌસેનિક નાકાબંધીનો અંત લાવશે.
જોકે, આ મુસદ્દામાં યુદ્ધજહાજોની તૈનાતીમાં કોઈ ફેરફાર સામેલ નથી. આ ઉપરાંત ઈરાન દ્વારા ઓમાન સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરના મેનેજમેન્ટનો મુદ્દો હજુ પણ વણઉકલ્યો છે, જેના પર સહમતિ સાધવાની બાકી છે. ઈરાનનું કહેવું છે કે કોઈ પણ નક્કર ચકાસણી વગર તે કોઈ પગલું ભરશે નહીં. જો આગામી 60 દિવસમાં કોઈ અંતિમ કરાર થશે, તો તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા એક બંધનકર્તા પ્રસ્તાવ તરીકે મંજૂરી આપવામાં આવી શકે છે.અર્થાત પછીથી બંનેએ આ સમજૂતિને માન્ય રાખવી પડશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલી આ ડીલ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલા યુદ્ધ બાદની પરોક્ષ વાટાઘાટોનું પરિણામ છે. આ મહત્વપૂર્ણ વાતચીતમાં તેહરાન (ઈરાન) અને વોશિંગ્ટન (અમેરિકા) વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાને મુખ્ય ભૂમિકા ભજવી છે.મળતા અહેવાલો મુજબ બંને પક્ષો દરિયાઈ પરિવહન માર્ગો ખોલવા માટે 14-મુદ્દાના વ્યાપક કરાર પર કામ કરી રહ્યા છે, જેમાં ઈરાન પરના પ્રતિબંધોમાં રાહત અને તેની જપ્ત કરાયેલી સંપત્તિ મુક્ત કરવાનો પણ સમાવેશ થાય છે.
ભારત માટે મોટી રાહત
ખાડી દેશોમાં મહિનાઓથી ચાલી રહેલી અસ્થિરતાને કારણે એનર્જી સપ્લાયમાં થયેલા અવરોધ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની કિંમતો સતત વધારા સમયે ભારત જેવા મોટા પ્રમાણમાં ઈંધણ આયાત કરનારા દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલવો અને ઈરાનનું શાંતિ તરફ આગળ વધવું એ ખૂબ જ મોટા રાહતના સમાચાર છે.
ટ્રમ્પે તેમના સમજૂતિકારોને ઉતાવળ ન કરવા અને પૂરતો સમય લઈને યોગ્ય ડીલ કરવા સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અંતિમ કરાર પર સહી ન થાય, ત્યાં સુધી ઈરાન પર અમેરિકાની નાકેબંધી યથાવત રહેશે.








