Ranji Trophy 2025 / સૌરાષ્ટ્રે દિલ્હીને 10 વિકેટથી હરાવ્યું, જાડેજા બન્યો જીતનો હીરો, ખરાબ રીતે ફ્લોપ થયો પંત
રણજી ટ્રોફી 2024-25ની મેચમાં સૌરાષ્ટ્રએ દિલ્હીને ખરાબ રીતે હરાવ્યું છે. સૌરાષ્ટ્રએ રાજકોટમાં રમાય

રણજી ટ્રોફી 2024-25ની મેચમાં સૌરાષ્ટ્રએ દિલ્હીને ખરાબ રીતે હરાવ્યું છે. સૌરાષ્ટ્રએ રાજકોટમાં રમાયેલી મેચ 10 વિકેટથી જીતી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી રિષભ પંત દિલ્હી તરફથી રમી રહ્યો હતો. પણ તે કંઈ ખાસ ન કરી શક્યો. પરંતુ રવિન્દ્ર જાડેજા ચમક્યો. સૌરાષ્ટ્ર તરફથી રમી રહેલા જાડેજાએ પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં 7 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: રોહિત શર્માનું રણજીમાં પણ નિરાશાજનક પ્રદર્શન, ગિલ-જયસ્વાલે વધાર્યું કોચ ગંભીરનું ટેન્શન
દિલ્હીની ટીમ પ્રથમ ઈનિંગમાં 188 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન કેપ્ટન આયુષ બદોનીએ 60 રન બનાવ્યા હતા. યશ ધુલે 44 રનનું યોગદાન આપ્યું હતું. મયંક ગુસૈને 38 રનની અણનમ ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં ટીમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. ટીમ 94 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં કેપ્ટન આયુષ બદોનીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંત બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો. તેણે પહેલી ઈનિંગમાં 1 રન અને બીજી ઈનિંગમાં 17 રન બનાવ્યા હતા.
સૌરાષ્ટ્રએ દિલ્હીને 10 વિકેટથી હરાવ્યું
દિલ્હી સામે સૌરાષ્ટ્રએ જોરદાર પ્રદર્શન કર્યું. ટીમે પ્રથમ ઈનિંગમાં ઓલઆઉટ થતાં પહેલા 271 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્વિક દેસાઈએ 93 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા. અર્પિતે 62 રન બનાવ્યાહતા. આ પછી, સૌરાષ્ટ્રે બીજી ઈનિંગમાં ફક્ત 15 રન બનાવીને 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
રવિન્દ્ર જાડેજા બન્યો જીતનો હીરો
સૌરાષ્ટ્રનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હિટ રહ્યો હતો. દિલ્હીની પહેલી ઈનિંગ દરમિયાન તેણે 5 વિકેટ લીધી હતી. તેણે 17.4 ઓવરમાં 66 રન આપ્યા હતા. તેણે બીજી ઈનિંગમાં પણ ઘાતક બોલિંગ કરી અને 7 વિકેટ લીધી હતી. આ સાથે, તેણે સૌરાષ્ટ્રની પહેલી ઈનિંગ દરમિયાન 38 રન પણ બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં જાડેજાએ 50 ડોટ બોલ ફેંક્યા
બીજી ઈનિંગમાં જાડેજાએ પહેલા ઓપનર સનત સાંગવાનને આઉટ કર્યો હતો. ત્યારબાદ અર્પિત રાણા જાડેજાની બોલિંગનો શિકાર બન્યો હતો અને પછી જોન્ટી સિદ્ધુ અને રિષભ પંતને જાડેજાએ પવેલિયન ભેગા કરી દીધા હતા. મયંક ગૌસાઈને આઉટ કરી જાડેજાએ પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ પછી સુમિત માથુર પણ જાડેજાના બોલનો શિકાર બન્યો હતો. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીની વિકેટ ઝડપીને જાડેજાએ સાત વિકેટ લીધી હતી. જાડેજાએ બીજી ઈનિંગમાં 50 ડોટ બોલ ફેંક્યા હતા.
રણજી ટ્રોફીમાં જાડેજાનો રેકોર્ડ
રવિન્દ્ર જાડેજાના રણજી ટ્રોફીના રેકોર્ડની વાત કરીએ તો તેણે 19મી વખત પાંચ વિકેટ ઝડપવાનું કારનામું કરી દેખાડ્યું છે. આ સિવાય તેણે છઠ્ઠી વખત કોઈ એક મેચમાં 10 વિકેટ લીધી છે. જાડેજાએ 46 રણજી ટ્રોફી મેચમાં 208 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 21.25 રહી હતી.








