રોહિત શર્માનું રણજીમાં પણ નિરાશાજનક પ્રદર્શન, ગિલ-જયસ્વાલે વધાર્યું કોચ ગંભીરનું ટેન્શન
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભારતીય બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભારતીય બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન બાદ BCCIએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવાનું જરૂરી કરી દીધુ હતું. BCCI દ્વારા જાહેર નવા આદેશ બાદ રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત અને શુભમન ગિલ જેવા ખેલાડીઓએ 23 જાન્યુઆરીથી શરૂ થયેલી રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો.જોકે, અહીં પણ સીનિયર ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. રોહિત શર્મા 2015 પછી પ્રથમ વખત રણજી મેચ રમવા માટે ઉતર્યો છે.
રોહિત શર્મા- યશસ્વીની જોડીએ નિરાશ કર્યા
મુંબઇ જમ્મુ કાશ્મીર સામે રણજી મેચ રમી રહ્યું છે. ઇનિંગનો પ્રારંભ કરવા ઉતરેલા યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની જોડીએ નિરાશ કર્યા હતા. જયસ્વાલ 8 બોલમાં માત્ર 4 રને LBW આઉટ થયો હતો જ્યારે રોહિત શર્માએ 19 બોલમાં 3 રન બનાવ્યા હતા.
બીજી તરફ પંજાબની મેચ કર્ણાટક વિરૂદ્ધ રમાઇ રહી છે. ગિલ આ મેચમાં પંજાબની કેપ્ટન્સી કરી રહ્યો છે. ઇનિંગનો પ્રારંભ કરવા ઉતરેલા શુભમન ગિલ 8 બોલમાં 1 ફોરની મદદથી 4 રન બનાવીને આઉટ થયો હતો.
હવે તમામની નજર રિષભ પંત પર ટકેલી છે જે દિલ્હી તરફથી રમી રહ્યો છે. દિલ્હીની મેચ સૌરાષ્ટ્ર વિરૂદ્ધ રમાઇ રહી છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ જોવા મળશે, BCCIએ કરી સ્પષ્ટતા
મહત્ત્વપૂર્ણ છે કે વિરાટ કોહલી અને કેએલ રાહુલ ઘરેલુ મેચથી દૂર છે. કોહલીની ગરદનમાં દુખાવો છે તો રાહુલની કોણીમાં તકલીફ છે. આશા છે કે 30 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી મેચમાં આ બન્ને ખેલાડી રમી શકે છે.
ભારતે 6 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે સિરીઝ રમવાની છે. એવામાં 30 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી રણજી મેચ તેમના માટે રમવાની અંતિમ તક હશે. 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થઇ રહ્યો છે.








