મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાના ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ઉમેરાઈ શકે છે વધુ એક મેચ, ટેસ્ટ સિરીઝ પહેલા મેદાન પર ઉતરશે ભારતીય ખેલાડીઓ

ટીમ ઈન્ડિયાના ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ઉમેરાઈ શકે છે વધુ એક મેચ, ટેસ્ટ સિરીઝ પહેલા મેદાન પર ઉતરશે ભારતીય ખેલાડીઓ
તસવીર: GSTV

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ મેચ રમશે. વધુમાં BCCIએ ઈન્ડિયા A ટીમની જાહેરાત કરી છે, જે ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ત્રણ મલ્ટી-ડે મેચ રમશે. આ પ્રવાસ માટે કુલ 15 મેચોની પુષ્ટિ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિરીઝ દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વધુ એક મેચ રમાઈ શકે છે.

ન્યુઝીલેન્ડ પ્રવાસમાં વધુ એક મેચ ઉમેરી શકાય છે

એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ પહેલા એક વોર્મ-અપ મેચ રમી શકે છે. ઈન્ડિયા A અને ન્યુઝીલેન્ડ A વચ્ચેની ત્રીજી મલ્ટી-ડે ટેસ્ટ 10 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 19 નવેમ્બરના રોજ વેલિંગ્ટનમાં શરૂ થશે. ભારતીય ટેસ્ટ ટીમ આઠ દિવસના અંતરાલમાં એક વોર્મ-અપ મેચ રમશે.

ભારતે ફેબ્રુઆરી 2020માં ન્યુઝીલેન્ડમાં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે છ વર્ષ પછી ભારત ફરીથી ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓનો સામનો કરશે. વર્તમાન ટીમમાં ફક્ત થોડા ખેલાડીઓને ન્યુઝીલેન્ડમાં રમવાનો અનુભવ છે. તેથી, BCCI ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝ પહેલા શક્ય તેટલી શ્રેષ્ઠ તૈયારી કરવાની તક આપવા માંગે છે.

ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે કરવામાં આવશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, ODI અને ટેસ્ટ મેચો માટે ટીમોની જાહેરાત હજુ બાકી છે. અહેવાલ છે કે BCCI હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા અને રિષભ પંતના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. આ પછી સિલેક્શન કમિટી મીટીંગ કરશે અને ODI અને ટેસ્ટ ટીમોની પસંદગી કરશે. ODI અને ટેસ્ટ ટીમો 28 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ માટે રવાના થશે. તેના એક અઠવાડિયા પહેલા જાહેરાત થવાની અપેક્ષા છે.

ટેસ્ટ સિરીઝ માટે શેડ્યૂલ

ઈન્ડિયા A ટેસ્ટ સિરીઝ

  • 24થી 27 ઓક્ટોબર, 2026: પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ (લિંકન)
  • 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર, 2026: બીજી અનઓફિશિયલ ટેસ્ટ (ક્રાઇસ્ટચર્ચ)
  • 7થી 10 નવેમ્બર, 2026: ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટ (લિંકન)

ભારત vs ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ

  • 19થી 23 નવેમ્બર, 2026 - પ્રથમ ટેસ્ટ (બેસિન રિઝર્વ, વેલિંગ્ટન)
  • 27 નવેમ્બર થી 1 ડિસેમ્બર, 2026 - બીજી ટેસ્ટ (હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ)

આ સમાચાર શેર કરો