મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

37મી અખિલ ગુજરાત એકાંકી નાટ્યસ્પર્ધાના સેમિફાઈનલ રાઉન્ડનો આરંભ, પ્રથમ દિવસે આ 6 નાટકો ભજવાયા

કલાસ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા 37મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી ના

37મી અખિલ ગુજરાત એકાંકી નાટ્યસ્પર્ધાના સેમિફાઈનલ રાઉન્ડનો આરંભ, પ્રથમ દિવસે આ 6 નાટકો ભજવાયા

કલાસ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા 37મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટક સ્પર્ધાની સેમિફાઇનલનું 21થી 26 જાન્યુઆરી સુધી ભવન્સ કોલેજનાં ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ નિર્ણાયકો રૂપા મહેતા, દીપક અંતાણી અને સુનીલ વિશ્રાણીએ દીપ પ્રાગટય કરી કાર્યકમની શરૂઆત કરાવી હતી. આ એકાંકી નાટ્ય સ્પર્ધામાં ગુજરાતની વિવિધ કોલેજ, યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટની કોલેજ કેટેગરી અને નોન-કોલેજ કેટેગરી રાખવામાં આવી છે, જેમાં કોલેજ કેટેગરીમાં 20 અને નોન-કોલેજ કેટેગરીમાં 27 આમ 47 નાટકોની પ્રસ્તુતિ કરવામાં આવશે.

આ નાટ્ય સ્પર્ધાનાં પ્રથમ દિવસે છ વિવિધ કોલેજનાં વિદ્યાર્થીઓએ સત્ય ઘટના પર આધારિત, શિક્ષણ સંબંધિત, પોલિટિકલ સિસ્ટમ અને અંધશ્રદ્ધા જેવાં વિષયોને આવરી લેતાં નાટકોની પ્રસ્તુતિ કરી હતી. 

નાટક: ટ્રાફિક, કોલેજ: ફેકલ્ટી ઓફ લૉ, જીએલએસ, અમદાવાદ 

  • કલાકારો : જૈમિન પરમાર, મીત દવે, ક્રિશ પરમાર, સેજલ જોશી, ક્રિષ્ના મકવાણા, નિયતિ ઓડેદરા, હિરણ્યા ત્રિવેદી 
  • લેખક : ડૉ.આશુતોષ મહશ્કર 
  • ડિરેક્ટર, મ્યૂઝિક, લાઇટ્સ: ડૉ. બિમલ પાટીલ 
  • આસિસ્ટન્ટ ડિરેક્ટર : જૈમિન પરમાર 

ટ્રાફિક નાટક એક સત્ય ઘટના પર આધારિત અને સિસ્ટમ સટાયર છે. આ વાર્તા વેપારીના દિકરાથી થયેલ એક યુવતીના અકસ્માતથી બચવા માટેના પ્રયાસ પર છે, જેમાં તે પોતાનાં સ્ટેટસનો ડર બતાવી અકસ્માતને સામાન્ય ઘટના બતાવવા પર મજબૂર કરે છે. તે નાટકનાં મુખ્ય પાત્રો હેડ કોન્સ્ટેબલ, એમબીબીએસ કરતી છોકરી, બે ભિખારી અને એક પત્રકારને ડરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. તેની સામે અવાજ ઉઠાવતા વ્યક્તિને તે તેમના કરેલ દુષ્કર્મો સામે લાવી ચૂપ કરાવવાનો પ્રયત્ન કરે છે.

અંતે આ સૌ લોકો માનવતાને બદલે પોતાના સ્વાર્થને વધુ માન્ય આપે છે. સમાજનાં લોકોમાં હવે સંવેદનશીલતા શૂન્ય થઇ ગઇ છે જે આ વાર્તારૂપે વિદ્યાર્થીઓ સમજાવે છે. જે રીતે વાર્તા શરૂ થઇ હતી તે જ રીતે કશું બન્યું જ નથી તેમ વાર્તાનો અંત આવે છે.

નાટક: ધ વિન્ડો સીટ, કોલેજ : આર.કે.કોલેજ, રાજકોટ

  • કલાકારો : દેવાંશી જોશી, વિશાલ કુમાર સિંહ, અપેક્ષા પંડિત, ચિરાગ ફોફંડી, અતુલ દુબે, કેવલ ગોસ્વામી, ક્રિશા પટેલ, પ્રાંજલ રાય, ક્રિશા ભીંગરાડીયા, ક્રિશા નોંધણવારા
  • ડિરેક્ટર અને લેખક દેવાંશી જોશી 

આ નાટક યુવાનો દ્વારા જોવામાં આવતાં સપનાનો શું અર્થ છે તેના પર રચાયેલ છે. આ વાર્તામાં 12મું ધોરણ પાસ કરેલ બે છોકરી માલા અને કલ્પનાની વાત છે. ‘સપના જોવા જ શા માટે?’ આ વિષય પર આખી વાર્તા છે. પરિવારની ઇચ્છા મુજબ કલ્પના એમબીબીએસના ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન લઇ લે છે અને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે તે ભયથી આત્મહત્યા કરી લે છે અને માલા પરિવારની અપેક્ષાઓને પૂરી કરવા માટે ડોક્ટર બની જાય છે. મરણ પથારી સુધી આવ્યા પછી પણ માલા પોતે શું બનવા માંગતી હતી તેની મૂંઝવણમાં રહે છે. 

આ નાટક, અંતે વ્યકિત સપના પાછળ ભાગીને શું મેળવે છે તેની વાત લોકોને સમજાવે છે. વાર્તામાં સમાજમાં ચાલતી માતાપિતા અને બાળકો વચ્ચેનાં અસમજણની વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. 

નાટક: લખમી, કોલેજ: સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ભાવનગર

  • કલાકારો : જીલ મોજીદ્રા, રાહુલ ગોહિલ, કેરવ પરમાર, માનવ ભટ્ટ, સાહિલ ડાભી, કાવેરી પંડયા, રાજવી ઠાકર, કુમકુમ સોલંકી, કુશલ ડોડીયા, જીયા ભટ્ટ, ઉત્સવ પારેખ, ભૂમી મકવાણા, જીશાન અન્સારી
  • ડિરેક્ટર અને લેખક : કપિલ સોલંકી

આ નાટક વુમન સેન્ટ્રીક નાટક છે, જેમાં સ્ત્રી જન્મ લેવા માટે સંઘર્ષ કરે છે. સ્ત્રીજન્મનું પિતાને ભારે દુઃખ હોય છે પરંતુ સ્ત્રીબાળ ચાર હાથવાળું જન્મે છે તેથી લોકો તેને જોગણીનું સ્વરૂપ માને છે. આ તકનો લાભ લઇ પિતા અમીર બને છે અને દિકરી લખમીનું મંદિર બનાવી લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવે છે.

લખમીને તેનાથી નીચા કુળના માધા સાથે પ્રેમ થાય છે તેની જાણ પિતાને થતાં ભુવાના ગાંડા પુત્ર સાથે લગ્ન કરાવે છે અને સસરા તેના પર બળાત્કાર ગુજારે છે લખમી ઘરેથી ભાગે છે રસ્તામાં તેનો પ્રેમી મળે છે. બંને એક સાથે પોતાનું જીવન ટુંકાવે છે. આ નાટક પ્રવર્તમાન ધાર્મિક ગુરુ અને ભુવાઓનું વાસ્તવિક ચિત્રણ રજૂ કરે છે. 

નાટક: મુક્તિધામ, કોલેજ: અમદાવાદ કેળવણી ટ્રસ્ટ

  • કલાકારો : મોક્ષા શુક્લ, સીમા કલાલ, પ્રગ્નેશ રાણા, શ્રૃષ્ટિ પટેલ, ખેતારામ પ્રજાપતિ, રાહુલ ગર્ગ, પ્રિયંકા નાટક, હાર્દિક ચાવડા, ફૈઝાન શેખ, ચિરાગ પટેલ, અરહાન પઠાણ, ધ્રૂવરાજ મંડોરા
  • ડિરેક્ટર : રવિરાજ ઠક્કર
  • લેખક : અંબર હડપ 

મુક્તિધામ નાટકમાં આત્માની મુક્તિ માટે કાર્ય કરતું એક ધામ છે, જ્યાં યુવાનો નોકરીના લીધે માતા-પિતાનું ધ્યાન રાખી શકતા નથી અને સાચવવા માંગતા નથી તેમને અહીં મુકવા આવે છે. આ નાટકમાં માતા પુત્રને “અત્યારે લોકો સંબંધને કામની જેમ અને કામને સંબંધની જેમ સાચવે છે” આ વાક્ય કહીને સંબંધોનું મહત્ત્વ સમજાવવા પ્રયત્ન કરે છે. 

પુત્ર માતાને મુક્તિધામમાં મુકવા આવે છે અને તેની માતાના  મૃત્યુની રાહ જોતો હોય છે. ત્યાં રહીને પુત્રને માતાની મમતા અને સંબંધોનો મર્મ સમજાય છે પરંતુ માતાનું નિધન થાય છે. હાલ યુવાનો પૈસા કમાવાની, નોકરી અને વિદેશ જવાની લ્હાયમાં સંબંધોનું મૂલ્યો સમજવાનું ચૂકી જતા હોય છે.

નાટક: જેલ, કોલેજ : ઉપાસના કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટ્સ

  • કલાકારો : હર્ષ વિરમગામા, કૃણાલ ચાવડા, સની સાવંછા, ધ્રુવિન બગથરિયા
  • ડિરેક્ટર : સુઝાન પઢિયાર

હિન્દી નાટક આધારિત આ નાટકમાં કોમેડી રીતે દેશની સ્થિતિને રજૂ કરવામાં આવી છે, જેમાં દેશની દારુણ સ્થિતિમાં ભ્રષ્ટાચાર, નેતાઓની માત્ર ભાષણબાજી, સરકારી અધિકારીઓના અત્યાચાર અને સામાન્ય લોકોની અવદશા પર વાત કરવામાં આવી હતી. આ નાટકમાં માત્ર ચાર પાત્રો- ત્રણ ચોર અને એક પોલીસ એમ ખૂબ જ ઓછા પાત્રો સાથેના મજબૂત પોલિટીકલ સટાયર દ્વારા લોકોને હસાવવાની સાથે ઓડિયન્સને દેશના ગંભીર મુદ્દાઓ પર મનોમંથન કરવા માટે પ્રેરણા આપી હતી. આ નાટકનો એક ડાયલૉગ ‘બકબકથી રસ્તો કપાઇ છે, આખો દેશ કાપી રહ્યો છે તેના નાયકો કાપી રહ્યા છે’ નેતાઓના ખોટા વાયદાઓ અને વચનો દર્શાવે છે. 

નાટક: પનુ-દે-જેઠી, કોલેજ: જે.ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.કોમર્સ કોલેજ

  • કલાકાર: મેહુલ કાતરીયા, રૂબી મહતો, પ્રિયાંશી ગલાણી, જયકુમાર સોલંકી, આરતી રાવ, અક્ષર બ્રહ્મભટ્ટ, દિપ્તેશ ખસકીયા, ભક્તિ ગોડલીયા, ઈશા મુનશી, હર્ષ રાઠોડ, જયદિપ ડાભી, રોહન ભીરાડે, માનસી વેકરીયા, નિરાલી વસાવા, મહેક નાકરાણી
  • ડિરેક્ટર : વત્સલ શેઠ
  • લેખક: મિહિર પાઠક

આ નાટક કચ્છની સત્યઘટના પર આધારીત છે, જેમાં જેઠી નામની સ્ત્રી અને તેનો પતિ કચ્છથી દીવ રંગાટીકામ માટે જાય છે. તે સમયે દિવમાં પોર્ટુગીઝોનું શાસન હોય છે. તેઓ કચ્છના લોકો પર ત્રાસ ગુજારી, દમનકારી કાયદા અને બળજબરીપૂર્વક ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવે છે. પોર્ટુગીઝોની નીતિઓ સામે પડવાનું જેઠી નક્કી કરે છે અને પોર્ટુગીઝ અધિકારોના અત્યાચારોને ચુંદડીમાં સુંદર રીતે રંગાટીકામ કરી પોર્ટુગલની મહારાણીને ભેટ આપે છે. તેની બહાદુરીથી પ્રસન્ન થઈને રાણી તેને ‘પનુ-દે-જેઠી’ની ઉપાધિ આપે છે. આ નાટકમાં કચ્છના લોકો, તેમની કારીગરી, રંગાટીકામ અને મીઠી બોલીનું સચોટ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો