રશિયા પાસેથી શું ઓઇલ નહીં ખરીદે ભારત? ટ્રમ્પના દાવા વચ્ચે મોદી સરકારનો ખુલાસો
ભારતે અમેરિકાની ટેરિફની કાર્યવાહીને નજરઅંદાજ કરતા પોતાના જૂના અને વિ

ભારતે અમેરિકાની ટેરિફની કાર્યવાહીને નજરઅંદાજ કરતા પોતાના જૂના અને વિશ્વાસપાત્ર સહયોગી રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ભારતની તેલ રિફાઇનરી રશિયાની કંપનીઓ પાસેથી તેલ મેળવવાનું ચાલુ રાખશે.
સૂત્રો અનુસાર રશિયાના ઓઇલ પર ક્યારેય કોઇ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. G7 અને યુરોપીય સંઘ (EU) દ્વારા રશિયાની આવકને મર્યાદિત કરતી વખતે વૈશ્વિક પુરવઠો વહેતો રાખવા માટે કિંમત મર્યાદાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓએ આ માળખા હેઠલ પ્રતિ બેરલ $60ની મહત્તમ મર્યાદાનું કડક પાલન કર્યું છે. હવે EUએ તેને ઘટાડીને $47.6 પ્રતિ બેરલ કરવાની ભલામણ કરી છે, જેનો અમલ સપ્ટેમ્બરથી થશે.
ભારતે વૈશ્વિક તેલ સંકટ ટાળ્યું
માર્ચ 2022માં, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધે આંતરરાષ્ટ્રીય બજારમાં અરાજકતા ફેલાવી હતી ત્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ $137 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. આ સમય દરમિયાન, ભારતે એક વ્યૂહાત્મક નિર્ણય લીધો અને ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સંતુલન જળવાઈ રહ્યું અને ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ભારતે રશિયન તેલ ન ખરીદ્યું હોત અને OPEC+ દેશોનો ઉત્પાદન કાપ (5.86 mb/d) ચાલુ રહ્યો હોત, તો તેલના ભાવ $137 થી ઉપર જઈ શક્યા હોત. આનાથી વૈશ્વિક સ્તરે ફુગાવો અને ઊર્જા સંકટ વધુ ઘેરું બન્યું હોત.
ભારતે માત્ર પોતાના ઉર્જા હિતોનું રક્ષણ જ કર્યું નહીં પરંતુ વૈશ્વિક ઉર્જા પુરવઠો જાળવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન, ભારતે ઈરાન અને વેનેઝુએલા જેવા દેશો પાસેથી તેલ ખરીદ્યું ન હતું, જે ખરેખર યુએસ પ્રતિબંધો હેઠળ છે.








