મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નાગરિકતા મુદ્દે ચર્ચાસ્પદ રાજ્ય આસામને શા માટે SIR માંથી રખાયું બાકાત, CEC એ આપ્યો આ જવાબ

દેશભરમાં 21 વર્ષ પછી શરૂ થયેલી સ્પેશિયલ ઇન્ટેન

નાગરિકતા મુદ્દે ચર્ચાસ્પદ રાજ્ય આસામને શા માટે SIR માંથી રખાયું બાકાત, CEC એ આપ્યો આ જવાબ

દેશભરમાં 21 વર્ષ પછી શરૂ થયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હવે તેના બીજા તબક્કામાં પહોંચી ગઈ છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે, પરંતુ આસામ આ યાદીમાંથી બાકાત છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોનો સમાવેશ કરાયો છે. આસામમાં 2026માં વિધાનસભાની ચૂંટણી થવાની છે, તેમ છતાં અહીં SIR નહીં થાય, આ પાછળનું કારણ અમે તમને જણાવી રહ્યા છે.

આસામ માટે એક અલગ SIR ઓર્ડર જારી થશે

આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, આસામમાં નાગરિકતા નિયમો દેશના બાકીના ભાગો કરતા અલગ છે. તેથી, આસામ માટે એક અલગ SIR ઓર્ડર જારી કરવામાં આવશે અને પ્રક્રિયા અલગ તારીખે શરૂ થશે.

આસામમાં લાગુ છે આ નિયમ

આસામમાં નાગરિકતા કાયદાની કલમ 6A અમલમાં છે, જે હેઠળ 1 જાન્યુઆરી, 1966થી 25 માર્ચ, 1971 વચ્ચે બાંગ્લાદેશથી આવેલા ભારતીય મૂળના લોકોને નાગરિકતા માટે એક ખાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 1 જાન્યુઆરી, 1966 પહેલા આવેલા લોકોને સીધા નાગરિક ગણવામાં આવે છે. 1966થી 1971 વચ્ચે આવેલા લોકો નોંધણી પછી નાગરિકતા મેળવી શકે છે. 25 માર્ચ, 1971 પછી આવેલા લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગણવામાં આવે છે. આસામ ફોરેનર્સ ટ્રિબ્યુનલ આ કેસોનો નિર્ણય લે છે.

NRC વિવાદના કારણે પ્રક્રિયા છે જટિલ

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ને લઈ આસામમાં પહેલાથી જ મોટો વિવાદ ઉભો થઈ ચૂક્યો છે. 2019માં જાહેર કરેલી યાદીમાં 19 લાખથી વધુ લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા, જેના કારણે વ્યાપક વિરોધ થયો હતો. હવે, કમિશન ઇચ્છતું નથી કે SIR પ્રક્રિયાથી ફરી આવો વિવાદ ઉભો થાય.

SIRનો બીજો તબક્કો આ 12 રાજ્યોમાં શરૂ થશે

SIRનો બીજો તબક્કો આંદામાન-નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં શરૂ થશે. ઘરે ઘરે મતગણતરી 4 નવેમ્બરથી શરૂ થશે અને 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવશે. અંતિમ યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો