HIV રેકેટ અને 2 લોકોની આત્મહત્યા, પોલીસે ભાગેડુ IAS ઓફિસરની કરી ધરપકડ
અરુણાચલ પ્રદેશ પોલીસે બે લોકોની આત્મહત્યાના સંદર્ભમાં ઇટાનગર રાજધાની ક્ષેત્રના પૂર્વ

અરુણાચલ પ્રદેશ પોલીસે બે લોકોની આત્મહત્યાના સંદર્ભમાં ઇટાનગર રાજધાની ક્ષેત્રના પૂર્વ ડેપ્યુટી કમિશનર ટી. પોટોમની ધરપકડ કરી છે. પાપુમ પારે પોલીસ અધિક્ષક નીલમ નેગાએ જણાવ્યું હતું કે, દિલ્હી સરકારના વિશેષ સચિવ પોટોમે આજે સવારે નિર્જુલી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરતાં તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે આ કેસ મામલે ખુલાસો થયા બાદથી તેમનો કોઈ પત્તો લાગ્યો નહતો, જેના પગલે પોલીસે તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી.
પોટોમ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની અનેક જોગવાઈઓ હેઠળ નોંધાયેલા કેસમાં વોન્ટેડ છે, જેમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી અને ગુનાહિત ગેરવર્તણૂંકના આરોપોનો સમાવેશ થાય છે. આ કેસ 23 ઓક્ટોબરના રોજ નિર્જુલીના લેખી ગામમાં પોતાના ભાડાના ઘરમાં આત્મહત્યા કરનાર યુવાન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ સભ્ય (MTS) ગોમચુ યેકરના મૃત્યુ સાથે જોડાયેલ છે.
ઘટનાસ્થળેથી મળેલી એક હાથેથી લખેલી નોંધમાં ગ્રામીણ બાંધકામ વિભાગના બે વરિષ્ઠ અધિકારીઓ પોટોમ અને લિકવાંગ લોવાંગ દ્વારા ઉત્પીડન અને બળજબરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, લોવાંગે પણ તે જ દિવસે લોંગડિંગ જિલ્લામાં તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. પોલીસે શરૂઆતમાં નિર્જુલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્ટની કલમ 194 હેઠળ અકુદરતી મોતનો કેસ નોંધ્યો હતો. પરિવારે પાછળથી દાવો કર્યો હતો કે ઘણી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં યેકરે બંને અધિકારીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.
સુસાઇડ નોટમાં એચઆઇવીનો ઉલ્લેખ
સુસાઇડ નોટમાં, યેકરે આરોપ લગાવ્યો હતો કે લાંબા સમયથી તેનું જાતીય શોષણ અને ઉત્પીડન કરવામાં આવી રહ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે લાંબા સમય સુધી અપમાન, દબાણ અને ધમકીઓથી તેને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠીમાં અંતરંગ સંબંધો, હેરાફેરી સહિતના જુદા જુદા આરોપ લગાવવામાં આવ્યા હતા. તેને HIV થયા બાદ તેમને વધુ એક અધિકારીએ તેમના હાલ પર છોડી દીધો અને બ્લેકમેઈલ કર્યો. યેકરે દાવો કર્યો હતો કે તેને 1 કરોડ રૂપિયાની નાણાકીય મદદનું વચન આપ્યું હતું પરંતુ તે પૂરું થયું નહોતું. મારા મોત માટે પોટ્ટમ જવાબદાર છે. મહેરબાની કરીને મને ન્યાય આપો.






