મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાયું? 

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટવાના આજે 5 વર્ષ પૂર્ણ થયા છે

આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાયું? 

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટવાના આજે 5 વર્ષ પૂર્ણ થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 5 ઓગસ્ટ 2019માં સંસદમાં આર્ટિકલ 370 હટાવવાની જાહેરાત કરી હતી. સરકારે જમ્મુ કાશ્મીર પાસેથી વિશેષ દરજ્જો પરત લઇ લીધો હતો અને રાજ્યના દરજ્જાને ખતમ કરીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધુ હતુ. આ દરમિયાન ઘાટીમાં કોઇ વિવાદ ના થાય માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી અને કેટલાક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. વિપક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો પણ કોઇ રાહત મળી નહતી.  આ પાંચ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં શું બદલાવ થયા તેના વિશે આપણે જાણીયે...

5 પોઇન્ટમાં સમજો જમ્મુ કાશ્મીરમાં શું બદલાવ થયા?

આર્ટિકલ 370 ખતમ થયા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલાની તુલનામાં શાંતિ છે અને રાજ્યનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. જે ભારતને કાશ્મીરથી અલગ કરવાના પ્રયાસમાં લાગેલા હતા એવી અલગાવવાદી તાકાતોને કચડી દેવામાં આવી છે.
- જમ્મુ કાશ્મીરમાં કાયદા વ્યવસ્થામાં ઘણો સુધારો જોવા મળે છે. સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન થયા હતા. હવે પથ્થરમારાના સમાચાર આવતા નથી. નાગરિકોની હત્યા પર રોક લાગી. ઓફિશિયલ આંકડા અનુસાર, નાગરિકોના મોતમાં 81 ટકા અને જવાનોની શહીદીમાં 48 ટકાનો ઘટાડો થયો છે.

- આર્ટિકલ 370 હટ્યા બાદ સરકારે આતંકવાદીઓ પર સકંજો કસ્યો, જેનાથી આતંકી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. આંકડા અનુસાર, આ વર્ષે 21 જુલાઇ સુધી 14 સુરક્ષાકર્મી શહીદ થયા અને 14 લોકો માર્યા ગયા છે. જ્યારે ગત વર્ષે 2023માં 46 આતંકી ઘટનાઓ બની હતી જેમાં 30 જવાન અને 14 લોકોના જીવ ગયા હતા.
- કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડીડીસીની ચૂંટણી યોજાઇ હતી. આર્ટિકલ 370 હટતા રાજ્યના લોકોને રિઝર્વેશનનો લાભ મળ્યો જેમાં વાલ્મીકિ સમાજ, ઓબીસી, પહાડી, ગુજ્જર-બકરવાલ, માતા અને બહેનો સામેલ છે. પાયાની સુવિધા હેઠલ રાજ્યમાં સ્વાસ્થ્ય, પ્રવાસન, પરિવહન, ઉદ્યોગ, શિક્ષણ અને એરપોર્ટ સહિત દરેક સેક્ટરમાં વિકાસ થયો છે.
- હવે જમ્મુ કાશ્મીરમાં ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ વધી રહ્યું છે. બિઝનેસમેન ઘાટીમાં જમીન ખરીદીને તેમાં કંપનીઓ સ્થાપિત કરી રહ્યાં છે જેનાથી રાજ્યમાં રોજગાર વધે છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં વર્ષો જૂના ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જેનાથી પ્રવાસનની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

5 દાવા જે હજુ પણ અધૂરા છે

કાશ્મીરી પંડિત

આતંકી ઘટનાઓને કારણે ઘાટી છોડનારા 60 હજાર કાશ્મીરી પંડિતોમાંથી આજ સુધી એક પણ કાશ્મીરી પંડિત પરત ફર્યા નથી. પાંચ વર્ષ પહેલા જ્યાં આપણે હતા આજે પણ ત્યાં જ છીએ.

બેરોજગારી

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ બજેટ વધારીને 41 હજાર કરોડ થઇ ગયું છે પરંતુ બેરોજગારોને ફાયદો થયો નથી. 2005માં જમ્મુ કાશ્મીરમાં બેરોજગારી દર 21% હતો જે હવે વધીને 35% થઇ ગયો છે.

આતંકવાદ

આતંકી એક્ટિવિટી ઓછી થઇ છે પરંતુ ખતમ થઇ નથી. બે વર્ષથી જમ્મુ વિસ્તારમાં આતંક વધ્યો છે. 2024માં અત્યાર સુધી 15 જવાન શહીદ થઇ ચુક્યા છે. શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલાએ જમ્મુમાં નવો ડર ઉભો કર્યો છે.

વિધાનસભા ચૂંટણી

અંતિમ વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઇ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે કોઇ પણ ભોગે સપ્ટેમ્બર 2024 સુધી રાજ્યમાં ચૂંટણી કરાવે.

ઉદ્યોગ

કેન્દ્રનો તર્ક હતો કે ભારે વિદેશી રોકાણ થશે અને કહ્યું કે એક લાખ કરોડના રોકાણ પ્રસ્તાવ મળી ચુક્યા છે પરંતુ અત્યાર સુધી કોઇ મોટી કંપની આવી નથી.

આ સમાચાર શેર કરો