જ્યારે જ્યારે બિહારમાં 5% વધ્યુ વોટિંગ, સરકાર બદલાઇ ગઇ? પ્રથમ તબક્કામાં વધારે મતદાન કોનું ટેન્શન વધારશે?
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વખતે બિહારના મતદારોએ વોટિંગના તમામ રેકોર્

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વખતે બિહારના મતદારોએ વોટિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રથમ વખત 64.69 ટકા મતદાન થયું છે, જે ગત ચૂંટણી કરતા સાડા આઠ ટકા વધારે છે. બિહારમાં જ્યારે જ્યારે પાંચ ટકા કરતા વધારે મતદાન થયું છે ત્યારે ત્યારે સરકાર બદલાઇ ગઇ છે.
બિહારમાં મતદારોનો ઉત્સાહ વધ્યો
બિહારના રાજકારણમાં આ વખતના મતદાનના અભૂતપૂર્વ માનવામાં આવી રહ્યું છે કારણ કે રાજ્યના ઇતિહાસમાં આ સૌથી વધુ વોટિંગ છે. વર્ષ 2020માં પ્રથમ તબક્કામાં 56.1 ટકા મતદાન થયું પરંતુ તે સમયે પ્રથમ તબક્કામાં 71 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી જ્યારે આ વખતે 121 બેઠક પર ચૂંટણી યોજાઇ છે.
ચૂંટણી પંચ અનુસાર પ્રથમ તબક્કાની 121 બેઠક પર 64.69 ટકા મતદાન થયું છે જ્યારે 2020ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકો પર 56 ટકા મતદાન થયું હતું. આ હિસાબથી જોઇએ તો વોટિંગ પેટર્ન કહે છે કે ગત ચૂંટણી કરતા સાડા આઠ ટકા વધારે મતદાન થયું છે. આ વખતે ચૂંટણીમાં જે રીતે મતદાન વધ્યુ છે, તેનાથી રાજકીય દળોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે.
બિહારમાં મુજફ્ફરપુર-સમસ્તીપુર જિલ્લામાં સૌથી વધુ મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠકો પર મતદાન થયું છે જેમાં મુજફ્ફરપુર અને સમસ્તીપુર જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે તો પટણામાં સૌથી ઓછુ મતદાન થયું છે. મુજફ્ફરપુરમાં 70.96 ટકા, સમસ્તીપુરમાં 70.63 ટકા, મધેપુરામાં 67.21 ટકા, વૈશાલીમાં 67.37 ટકા મતદાન થયું છે.
સહરસામાં 66.84 ટકા, ખગડિયામાં 66.36 ટકા, લખીસરાયમાં 65.05 ટકા,મુંગેરમાં 60.40 ટકા, સીવાનમાં 60.31 ટકા, નાલંદામાં 58.91 ટકા અને પટણા જિલ્લામાં 57.93 ટકા મતદાન થયું છે. આ રીતે બિહારમાં પ્રથમ તબક્કામાં 64.69 ટકા મતદાન થયું છે.
બિહારની વોટિંગ પેટર્નના શું છે સંકેત?
વોટિંગ ટકાવારી ઘટવા-વધવાની સીધે સીધી અસર ચૂંટણીના પરિણામો પર પણ પડે છે. ભારતના ચૂંટણી ઇતિહાસમાં માનવામાં આવે છે કે જ્યારે વોટિંગ વધારે થાય છે તો જનતા બદલાવ ઇચ્છે છે પરંતુ આવું દર વખતે જોવા મળતું નથી.
ચૂંટણીમાં જોવામાં આવે છે કે કેટલીક વખત વધારે મતદાનનો અર્થ સરકાર પ્રત્યે સમર્થન પણ રહે છે. વોટર્સની આ સક્રિયતા કઇ દિશામાં જશે એમ કહેવું ઉતાવળ ભર્યું હશે.
SIR બાદ પ્રથમ વખત બિહારમાં ચૂંટણી યોજાઇ છે. SIRમાં કેટલાક વોટ કાપવામાં આવ્યા છે તો કેટલાક નવા વોટ જોડવામાં આવ્યા છે. આ રીતે ફેક વોટર્સને હટાવવાને કારણે પણ વોટિંગ વધવાનું કારણ માનવામાં આવી રહ્યું છે પરંતુ બિહારમાં જ્યારે જ્યારે વોટિંગ વધ્યુ છે તો સત્તા બદલાઇ જાય છે.
બિહારમાં મતદાન વધતા બદલાઇ ગઇ સરકાર
બિહાર વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 1951-52થી 2020 સુધી માત્ર ત્રણ વખત જ 60 ટકા કરતા વધારે મતદાન થયું છે. 1990માં 62.04,1995માં 61.79 અને હવે પહેલા કરતા વધારે રેકોર્ડ 2020માં 62.57 ટકા મત પડ્યા હતા પરંતુ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં 64.69 ટકા મતદાન થયું છે. આવું જ આગામી તબક્કામાં વોટિંગ થયું તો બિહારના ઇતિહાસમાં એક રેકોર્ડ બનશે. બિહારમાં સૌથી ઓછુ 42.60 ટકા મતદાન પણ 1951-52માં થયું હતું.
આઝાદી બાદથી લઇને અત્યાર સુધી બિહારમાં જેટલી પણ ચૂંટણી યોજાઇ છે તેની વોટિંગ પેટર્ન જોઇએ તો સ્પષ્ટ છે કે બિહારમાં જ્યારે જ્યારે મતદાનમાં 5 ટકા કરતા વધુનો વધારો થયો છે, તેની અસર ચૂંટણી પર પડી છે અને બિહારમાં સરકાર બદલાઇ ગઇ છે.ત્રણ વખત જોવા મળ્યું છે કે વોટિંગ વધતા કેવી રીતે સત્તા પર રાજકીય અસર પડી છે.
બિહારમાં 5%થી કેવી રીતે બદલાઇ જાય છે સરકાર
બિહારમાં સૌથી પહેલા 1967ની ચૂંટણીમાં વોટિંગમાં વધારો થયો તો સરકાર બદલાઇ ગઇ. 1962માં 44.5 ટકા વોટિંગના મુકાબલે 1967માં 51.5 ટકા મતદાન થયું. આ રીતે 7 ટકા વોટિંગ વધતા કોંગ્રેસના હાથમાં સરકાર જતી રહી હતી અને બિહારમાં પ્રથમ વખત ગેર-કોંગ્રેસી પક્ષોએ મળીને સરકાર બનાવી હતી.
1967 બાદ 1980માં પણ આ પેટર્ન જોવા મળી હતી. વર્ષ 1980માં 57.3 ટકા મતદાન થયું હતું જ્યારે 1977ની ચૂંટણીમાં 50.5 ટકા વોટિંગ થયું હતું. આ રીતે 6.8 ટકા વધારે મતદાન થયું હતું જેના પરિણામે સરકાર બદલાઇ ગઇ હતી. જનતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસ ફરી સત્તામાં આવી હતી.
1980 બાદ 1990ની વિધાનસભા ચૂંટણીમાં મતદાનમાં જોરદાર વધારો થયો હતો. 1990માં 62 ટકા મતદાન થયું હતું જ્યારે તે પહેલા 1985માં 56.3 ટકા મતદાન થયું હતું. આ રીતે 5.8 ટકા વધારે મતદાને બિહારમાં સત્તા પરિવર્તન કરી દીધુ હતું અને કોંગ્રેસે સત્તાની બહાર થવું પડ્યું હતું અને જનતા દળે સરકાર બનાવી હતી. તે બાદ બિહારમાં સત્તા પરિવર્તન નવેમ્બર 2005માં થયું જ્યારે 16 ટકા વોટિંગ ઓછુ થયું હતું. આ વખતે બિહારના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સાડા આઠ ટકા મતદાન વધારે થયું છે જેનાથી નફા-નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.
બિહારનું મતદાન કોનુ ટેન્શન વધારશે
બિહારના પ્રથમ તબક્કામાં મિથિલાંચલ,કોસી,મુંગેર ડિવિજન, સારણ,ભોજપુર બેલ્ટની 121 બેઠક પર ચૂંટણી યોજાઇ છે. બિહારમાં આ વખતે બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. પ્રથમ તબક્કાની 121 બેઠક પર 1314 ઉમેદવારોનું નસીબ EVMમાં કેદ થયું છે જ્યારે બાકી 122 બેઠક પર 11 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કામાં જે રીતે મતદાનમાં વધારો થયો છે, તેનાથી ગત વોટિંગ પેટર્નના હિસાબથી જોઇએ તો નીતિશ કુમારની આગેવાની ધરાવતી સરકાર માટે રાજકીય ટેન્શન વધારી શકે છે.
બિહારમાં છેલ્લી ચાર ચૂંટણી વોટિંગ પેટર્ન જોઇએ તો 2010ની ચૂંટણીમાં ટર્નઆઉટ 52.1 ટકા હતું જે 2015માં 55.9 ટકા અને 2020માં વધીને 56.1 ટકા પર પહોંચી ગયું હતું. આ વખતે પ્રથમ તબક્કાની વોટિંગ પેટર્ન જોઇએ તો 64.69 ટકા મતદાન છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં વોટિંગ વધવાનો લાભ જોઇએ તો નીતિશ કુમારને મળ્યો છે પરંતુ તેમાં વધારો બેથી ત્રણ ટકાનો જ હતો. આ વખતે સાડા 8 ટકાનું અંતર છે.
પ્રથમ તબક્કાથી નક્કી થઇ જશે સત્તા
પ્રથમ તબક્કામાં જે 121 બેઠક પર ગુરૂવારે મતદાન યોજાયું તે વિસ્તારમાં ગત વખતે મહાગઠબંધન અને NDA વચ્ચે કાંટાની ટક્કર રહી હતી. આ 121 બેઠકમાં મહાગઠબંધને 61 બેઠક જીતી હતી તો NDAને 59 બેઠક મળી હતી. RJDએ 42 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે 32 બેઠક ભાજપે જીતી હતી.
JDUને 23 બેઠક મળી હતી તો કોંગ્રેસે 8 બેઠક જીતી હતી. આ સિવાય માલેના 7, વીઆઇપીના ચાર, સીપીઆઇ અને સીપીએમના 2-2 બેઠક જીતી હતી. આ સિવાય એલજેપી એક બેઠક જીત્યું હતું. આ હિસાબથી જોઇએ તો મહાગઠબંધન અને NDA બન્ને માટે પ્રથમ તબક્કો ઘણો મહત્ત્વનો છે.
બિહારમાં આ વખતે સમીકરણ બદલાઇ ગયા
જોકે, આ વખતે સમીકરણ બદલાઇ ગયા છે. 2020માં NDAથી અલગ ચૂંટણી લડનારા ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા આ વખતે NDA સાથે છે તો મુકેશ સહની આ વખતે મહાગઠબંધનની સાથે છે. આ વખતે 104 બેઠક પર સીધો મુકાબલો છે જ્યારે 17 બેઠક પર ત્રિકોણીય લડાઇ જોવા મળી રહી છે.
પ્રથમ તબક્કામાં RJD 72 બેઠક પર ચૂંટણી લડી રહી છે તો સહયોગી કોંગ્રેસ 24 અને સીપીઆઇ માલે 14 બેઠક પર નસીબ અજમાવી રહ્યા છે. VIP અને CPI છ-છ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે સીપીએમ 3 અને આઇપી ગુપ્તાની ઇન્ડિયન ઇન્ક્લૂસિવ પાર્ટીએ બે બેઠક પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આ રીતે છ બેઠક પર મહાગઠબંધનની ફ્રેન્ડલી ફાઇટ છે.
બીજી તરફ NDA તરફથી JDU પ્રથમ તબક્કામાં 57 બેઠક પર મેદાનમાં છે તો ભાજપ 48 બેઠક પર ઉતર્યું હતું. ચિરાગ પાસવાનની LJP (રામવિલાસ) 13 બેઠક પર ચૂંટણી લડી રહ્યુ છે. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLMના બે ઉમેદવાર મેદાનમાં છે અને જીતનરામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોર્ચા (હમ) એક બેઠક પર ચૂંટણી લડી રહી છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ પ્રથમ તબક્કાની 8 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જન સુરાજ પાર્ટીએ પ્રથમ તબક્કાની 114 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. એવામાં જોવાનું રહ્યું કે પ્રથમ તબક્કાની રાજકીય બાજી કોના નામે થાય છે.








