ચૂંટણી પંચનો મોટો યુ-ટર્ન! સુપ્રીમ કોર્ટની નોટિસ અને વિપક્ષના આક્રોશ બાદ CEC જ્ઞાનેશ કુમારે 24 કલાકમાં લીધા બે મોટા નિર્ણયો!

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શન અને રાજકીય દબાણ વચ્ચે ચૂંટણી પંચે (ECI) બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા મતદારોની નોંધણી માટે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હાથ ધરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, એક ઐતિહાસિક નિર્ણય લેતા ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મતદારયાદીની મશીન-રીડેબલ (વાંચી શકાય તેવી) PDF સોફ્ટ કોપી પૂરી પાડવાની પણ ખાતરી આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામે વિપક્ષી પક્ષો, ખાસ કરીને 'કોકરોચ જનતા પાર્ટી' અને કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) શું છે?
SIR પ્રક્રિયા ચાલુ હોવાના કારણે ચૂંટણી પંચે દર વર્ષે યોજાતી નિયમિત SSR પ્રક્રિયા અટકાવી દીધી હતી, જેના કારણે 18 વર્ષની વય પૂર્ણ કરનારા નવા યુવા મતદારો પોતાના નામ નોંધાવી શક્યા નહોતા. આ બાબતને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
SIR અને SSR વચ્ચેનો તફાવત
SIR એ ખૂબ જ ગહન પ્રક્રિયા છે, જેમાં નાગરિકતા સાબિત કરવાના દસ્તાવેજો અને જૂની મતદારયાદીઓ સાથેનું મેપિંગ જરૂરી હોય છે. તેની સરખામણીમાં, SSR એ દર વર્ષે યોજાતી એક સામાન્ય અને નિયમિત પ્રક્રિયા છે, જેમાં નવા મતદારો પોતાના નામ ઉમેરી શકે છે. તેમાં કોઈ દસ્તાવેજી મેપિંગ કે ઘરે-ઘરે જઈને તપાસ કરવાની જરૂર હોતી નથી.
17 રાજ્યોમાં અમલ
ચૂંટણી પંચ હવે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તેવા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SSR પ્રક્રિયા શરૂ કરશે. જોકે, SIR દરમિયાન જે 13 કરોડ લોકોના નામ યાદીમાંથી બાદ થયા છે, તેઓ આપોઆપ આ યાદીમાં ઉમેરાશે નહીં.
વિપક્ષનો ચૂંટણી પંચ પર પ્રહાર
ચૂંટણી પંચના આ નિર્ણય બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે ટ્વીટ કરીને પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટની નોટિસ અને વિરોધ પ્રદર્શનો બાદ ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમારને બુદ્ધિ આવી છે. કરોડો નામો ગેરકાયદેસર રીતે હટાવ્યા બાદ હવે બાકી રહી ગયેલા મતદારોને ઉમેરવા માટે ફરીથી કસરત કરવામાં આવી રહી છે.'
મતદારયાદીની સહેલાઈથી વાંચી શકાય તેવી સોફ્ટ કોપી અપાશે
ચૂંટણી પંચનો બીજો સૌથી મોટો નિર્ણય રાજકીય પક્ષોને વાંચી શકાય તેવી PDF સોફ્ટ કોપી આપવાનો છે. આ પહેલાં પંચ માત્ર સ્કેન કરેલી અથવા 'ઈમેજ-ઓન્લી' PDF જ આપતું હતું, જેમાં કોઈપણ નામ સર્ચ કરવું કે કોપી કરવું શક્ય નહોતું.
લાંબા સમયની માંગણી
કોંગ્રેસે સૌથી પહેલાં 2018માં આ માંગણી ઉઠાવી હતી અને કમલનાથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. 2025માં પણ રાહુલ ગાંધીએ તેમના 'વોટ ચોરી' અભિયાન દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ચૂંટણી પંચનો યુ-ટર્ન
આ અગાઉ ગોપનીયતા અને ડેટા સુરક્ષાનું કારણ આપીને આવી સોફ્ટ કોપી આપવાનો ઇનકાર કરનાર ચૂંટણી પંચે હવે પોતાનું વલણ બદલ્યું છે. હવે દરેક પોલિંગ સ્ટેશનની ડ્રાફ્ટ અને ફાઇનલ મતદારયાદીની ડિજિટલ કોપી મળવાથી રાજકીય પક્ષો માટે બોગસ કે ડુપ્લિકેટ મતદારોને ઓળખવાનું વધુ સરળ બનશે.








