'જે તપાસ કરે છે તેમની પણ તપાસ થવી જોઇએ', સુપ્રીમ કોર્ટે પૂર્વ CBI અધિકારી વિરૂદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના તે આદેશને માન્ય રાખ્યો હતો જેમાં વર્ષ 2000ની એક ઘટનાને લઇને CBIના પૂર્વ સંયુક્ત ડિરેક્ટર નીરજ કુમાર અને નીરિક્ષક વિનોદ કુમાર પાંડે વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમાર વિરુદ્ધ દસ્તાવેજો સાથે છેડછાડ અને ગુનાહિત ધાકધમકી આપવાના બે દાયકા જૂના કેસમાં ફરિયાદ નોંધવાનો આદેશ આપતા કહ્યું કે તપાસ કરનારાઓની પણ તપાસ થવી જોઇએ.
શું છે ઘટના?
આ કેસ 2001માં બનેલી એક ઘટના સાથે સંબંધિત છે, જ્યારે નીરજ કુમાર CBIમાં જોઇન્ટ ડિરેક્ટર હતા અને તેમના પર એક કેસમાં દસ્તાવેજ સાથે છેડછાડ કરવાનો આરોપ છે. 13 માર્ચ, 2019ના રોજ, દિલ્હી હાઇકોર્ટે નીરજ કુમાર અને તત્કાલીન CBI અધિકારી વિનોદ પાંડે સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપતા સિંગલ બેન્ચના 2006ના આદેશ સામેની અપીલને ફગાવી દીધી હતી.
જસ્ટિસ પંકજ મિથલ અને પીબી વરાલેની બેન્ચે કહ્યું,-'હવે સમય આવી ગયો છે કે તપાસ કરનારાઓની પણ ક્યારેક ક્યારેક તપાસ કરવામાં આવે, જેથી જનતાનો સિસ્ટમ પર વિશ્વાસ અકબંધ રહે.” દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતા, બેન્ચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને કેસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ તપાસ સહાયક પોલીસ કમિશનર (ACP)થી નીચેના કક્ષાના અધિકારી દ્વારા ન થવી જોઈએ. બેન્ચે કહ્યું, "આ ગુનો વર્ષ 2000માં થયો હોવાનો આરોપ છે અને આજ સુધી કેસની તપાસ કરવામાં આવી નથી. જો આવા ગુનાની તપાસ કરવામાં ન આવે તો તે ન્યાય વિરુદ્ધ હશે."સર્વોચ્ચ અદાલતે મૂળભૂત કાયદા પર ભાર મૂક્યો જે કહે છે કે ન્યાય ફક્ત કરવો જ ના જોઇએ અને તે થતો પણ દેખાવો જોઈએ.
રેકોર્ડ અનુસાર,બે વ્યક્તિ શીશ રામ સૈની અને વિજય કુમાર અગ્રવાલે 5 જુલાઇ 2001 અને 23 ફેબ્રુઆરી 2004ના રોજ પોલીસમાં અલગ અલગ ફરિયાદો નોંધાવી હતી જેમાં તપાસની માંગ કરવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહતી. સૈનીએ પોતાની ફરિયાદમાં નીરજ કુમાર અને પાંડે પર દસ્તાવેજો સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અગ્રવાલે દાવો કર્યો હતો કે નીરજ કુમારના કહેવાથી પાંડેએ તેમને ગુનાહિત ધમકી આપી હતી. તે સમયે CBI અગ્રવાલ અને તેમના ભાઇ, ભૂતપૂર્વ ED અધિકારી અશોક અગ્રવાલ સામે અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ કરી રહી હતી.જ્યારે ફરિયાદ સાંભળવામાં ના આવી ત્યારે ફરિયાદીઓએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.








