મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

' પ્રેમની હાટડીઓવાળા 'મોદીની કબર ખોદીશું'ના નારા લગાવી રહ્યા છે', કોંગ્રેસ પર પીએમ મોદીનો વાર

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું

' પ્રેમની હાટડીઓવાળા 'મોદીની કબર ખોદીશું'ના નારા લગાવી રહ્યા છે', કોંગ્રેસ પર પીએમ મોદીનો વાર

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ 'વિપક્ષ નેતાને બોલવા દો...'ના નારા લગાવ્યા હતા. 

પ્રેમની હાટડીઓ ખોલનારાઓ 'મોદી તમારી કબર ખોદીશું', જેવા નારા લગાવી રહ્યા છે.  

પીએમ મોદીએ કહ્યું કે, અમે વિકસિત ભારત માટે જમીન તૈયાર કરી રહ્યા છીએ. કોંગ્રેસ મોદીની કબર ખોદવા માટે કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જેમણે પ્રેમની દુકાન ખોલી છે તેઓ "મોદી, તમારી કબર ખોદવામાં આવશે" જેવા નારા લગાવી રહ્યા છે. આ કેવા પ્રકારની પ્રેમની દુકાન છે જે દેશના કોઈપણ નાગરિકની કબર ખોદવાની વાત કરે છે? શું આ બંધારણનું અપમાન નથી?

તેમની અંદર નફરતનું પ્રતિબિંબ છેઃ મોદી

કાલે તેઓ એવા નિવેદનો આપશે કે, જુઓ વડાપ્રધાન રાજ્યસભામાં રડતા હતા. 2002થી 2014 સુધી, અરે છેલ્લા 25 વર્ષોમાં સંસદનું એક પણ સત્ર એવું પસાર થયું નથી જેમાં આ લોકોએ આ સંસદમાં મોદીને ગાળો ન આપી હોય. કોઈએ મને મારા સ્વાસ્થ્યનું રહસ્ય પૂછ્યું તેને મેં કહ્યું કે હું દરરોજ બે ગાળો ખાઉં છું. તેઓ મોદીની કબર કેમ ખોદવા માંગે છે? આ કોઈ નારો નથી પરંતુ તેમની અંદરના નફરતનું પ્રતિબિંબ છે. અમે કલમ 370 તોડી પાડી, પૂર્વોત્તરમાં બોમ્બ અને દારૂગોળાના પડછાયાનો અંત લાવ્યો અને વિકાસનો માર્ગ અપનાવ્યો, પાકિસ્તાની આતંકવાદીઓને તેમના ઘરોમાં જડબાતોડ જવાબ આપ્યો, ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને દેશને માઓવાદી આતંકથી મુક્ત કરવા માટે સખ્તાઈભર્યા પગલાં લીધાં. એટલા માટે તેઓ મોદીની કબર ખોદવા માંગે છે. નેહરુએ દેશ સાથે ઘોર અન્યાય કર્યો, અમે તેને હટાવી દીધો. શું એટલા માટે તેઓ મોદીની બર ખોદવાની વાત કરી રહ્યા છે?

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ઘણા જિલ્લાઓ એવા હતા જે પછાત અને ત્યજી દેવાયેલા ગણાતા હતા. લોકોની પાયાની મૂળભૂત જરૂરિયાતોની પણ અવગણના કરવામાં આવતી હતી. આ વિસ્તારો વધુને વધુ પછાત બનતા ગયા. આવા જિલ્લાઓમાં સજાની પોસ્ટિંગ આપવામાં આવી. અમે પરિસ્થિતિ બદલી. હોંશિયાર અધિકારીઓની નિમણૂંક કરી ત્રણ વર્ષનો કાર્યકાળ આપ્યો. બસ્તરને જુઓ. આજે વિકાસનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે. જ્યારે પહેલી બસ આવી ત્યારે આખા ગામમાં ઉજવણી થઈ. આ મહત્વાકાંક્ષી જિલ્લો અમલીકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ લોકો આ જીપ- ખચ્ચરના મોડેલને ઓળખે છે. 

સરદારે કલ્પના કરી તેવો ડેમ પૂર્ણ કર્યો

સરદાર સરોવર ડેમનું ઉદાહરણ આપતા કહ્યું કે સરદાર પટેલે મારા જન્મ પહેલાં જેની કલ્પના કરી હતી તેને હું મુખ્યમંત્રી હતો ત્યારે સતત ત્રણ દિવસ સુધી વિરોધ કર્યો, જીવ જોખમમાં મૂક્યો અને પછી ડેમ તૈયાર કર્યો. મારે આવા ઘણાં મુદ્દાઓનો  અને અટકેલા પ્રોજેક્ટ્સનો પણ સામનો કરવો પડ્યો. તેને પાર પાડવામાં સફળ રહ્યો.  પ્રધાનમંત્રીની દેખરેખને કારણે ₹85 લાખ કરોડનું કામ પૂર્ણ થયું છે. રેલ, રોડ, સિંચાઈ... અમે બધું જ સમાવી લીધું છે. 

આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જમ્મુ-ઉધમપુર-બારામુલ્લા રેલ્વે લાઇન બરફમાંથી પસાર થતી બતાવવામાં આવી રહી છે. આ ભારત છે. અમારી સરકારે તેને પૂર્ણ કર્યું. હું તમને આસામ વિશે કહીશ હું ચૂંટણીને કારણે તેના વિશે વાત નથી કરી રહ્યો. કોંગ્રેસ ફક્ત કલ્પના કરે છે. બોગી બ્રિજ આસામ અને અરુણાચલ પ્રદેશને જોડતો એક મહત્વપૂર્ણ પુલ છે. અમે આ પેન્ડિંગ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. અમે આખી દુનિયાને કહ્યું કે 2030 માં અહીં સૌર ઉર્જા ઉપલબ્ધ થશે, પરંતુ અમે તેને 2025 માં જ પૂર્ણ કરી લીધું.

અમારા અભિગમ અને કોંગ્રેસના અભિગમમાં ઘણો તફાવત

અમારી વિચારસરણી એ છે કે 1.4 અબજ નાગરિકો પડકારોનો સામનો કરવા માટે પૂરતા સક્ષમ છે. કોંગ્રેસ નાગરિકોને જ સમસ્યા માને છે. આ લોકો દેશ વિશે કેવી રીતે વિચારતા હતા? નેહરુ અને ઇન્દિરા ગાંધીના દ્રષ્ટિકોણ શું હતા? ઇન્દિરા ગાંધી એક વખત ઇરાનની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે પોતે કહ્યું, "જ્યારે કોઈએ મારા પિતા નહેરુજીને પૂછ્યું કે તેમણે કેટલી સમસ્યાઓનો સામનો કર્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો, 35 કરોડ." તે સમયે દેશની વસ્તી 35 કરોડ હતી. આ ઉદાહરણ આપતાં ઇન્દિરા ગાંધીએ આગળ કહ્યું કે આજે દેશની વસ્તી 57 કરોડ છે. એટલે મારી સમસ્યાઓ પણ એટલી જ મોટી છે. આ તેમના અને અમારા વિચારમાં તફાવત છે. નેહરુ હોય, ઇન્દિરા હોય કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી હોય. તેઓ ભારતના લોકોને જ સમસ્યા માને છે. તમને મારા ઘણાં વાક્યો સાંભળવા મળશે. જેમાં કહેવાયું છે કે પડકારો ગમે તેટલા હોય 1.4 અબજ ઉપાયો મળશે. આવી વિચારસરણી ધરાવતા લોકો ફક્ત તેમના પોતાના પરિવારોને જ લાભ કરાવશે.

વિપક્ષે તક ગુમાવી દીધીઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, આ ગૃહમાં ચર્ચાનું સ્તર થોડું ઊંચું હોવું જોઈતું હતું. વિપક્ષે તક ગુમાવી દીધી. દેશ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરી શકે? એક સભ્ય આર્થિક અસમાનતા વિશે વાત કરી રહ્યો હતો, જે પોતાને રાજા કહેવામાં ગર્વ અનુભવે છે. ટીએમસી સભ્યો અહીં ઉપદેશ આપી રહ્યા હતા. જે એક નિર્દય સરકારના તમામ માપદંડોને પૂર્ણ કરી રહ્યા છે. ઘુસણખોરોને બચાવવા માટે કોર્ટમાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરી રહ્યા છે. ઘુસણખોરો યુવાનોની આજીવિકા અને આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે. તેઓ અહીં આવીને આપણને ઉપદેશ આપી રહ્યા છે. 

AAP પર નામ લીધા વિના કર્યો હુમલો

અમારા એક સભ્ય ઘણું બધું બોલી રહ્યા હતા. જેની આખી સરકાર દારૂમાં ડૂબી ગઈ હતી તે વ્યક્તિ ઘણું બધું બોલી રહ્યા હતા. આવા બધા સાથીઓને, મારે કહેવું જ જોઇએ, તમે ક્યાં સુધી દુનિયાને છેતરશો? એકવાર તમે અરીસામાં જોઈ લો, પછી તમે તમારું સત્ય ક્યાં છુપાવશો? કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, ડાબેરીઓ... તેઓ દાયકાઓથી કેન્દ્રમાં સત્તામાં છે, સત્તામાં ભાગીદાર છે. રાજ્યોમાં સરકાર ચલાવવાની તક પણ મળી. હવે ડીલની ચર્ચા થાય છે. લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. એમનીપ્રાથમિકતા તેમના ખીસ્સા ભરવાની હતી.

યુપીએ શાસનકાળ દરમિયાન બેંકિંગ વ્યવસ્થા પતનની આરે: રાજ્યસભામાં પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2014 પહેલા ફોન બેંકિંગની એક પ્રચલિત સંસ્કૃતિ હતી. જેમાં રાજકારણીઓ લોન વિતરણને પ્રભાવિત કરવા માટે ફોન કરતા હતા. પરિણામે યોગ્ય મૂલ્યાંકન કરવાને બદલે આ કોલના આધારે લોન આપી દેવાતી. ગરીબોને ઘણીવાર લોનથી વંચિત રખાતા હતા. લગભગ 50% વસ્તી પાસે બેંક ખાતા પણ નહોતા. કોંગ્રેસના રાજકારણીઓની ભલામણ પર લાખો રૂપિયા એવા વ્યક્તિઓને ઉછીના આપવામાં આવ્યા હતા જેમણે ક્યારેય પૈસા ચૂકવ્યા નહીં. આનાથી યુપીએ શાસનકાળ દરમિયાન બેંકિંગ વ્યવસ્થા પતનની આરે પહોંચી ગઈ.

ભારત હવે વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે: રાજ્યસભામાં પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આપણે વિશ્વની છઠ્ઠા ક્રમની અર્થવ્યવસ્થા હતા. પરંતુ આ લોકોએ આપણી સ્થિતિને એટલી હદે બગાડી નાખી કે આપણે 11મા ક્રમે આવી ગયા. આજે આપણે ઝડપથી ત્રીજા ક્રમે આવવા તરફ આગળ વધી રહ્યા છીએ. આજે ભારત દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસુ ભારત છે. ભારત મુખ્ય અર્થતંત્રોમાં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે. ઉચ્ચ અર્થતંત્ર અને નીચો ફુગાવો એક અનોખું સંયોજન છે. આ આપણા અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે. આપણે "સુધારા, કામગીરી અને પરિવર્તન" ના માર્ગદર્શક સિદ્ધાંત સાથે પ્રગતિ કરી છે. પરિણામે દેશ હવે સુધારાના માર્ગ પર છે. અમે માળખાકીય, પ્રક્રિયાગત અને નીતિગત સુધારાઓ અમલમાં મૂક્યા છે. અમારા પ્રયાસો ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવા અને આપણા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા પર કેન્દ્રિત છે. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ભારત હવે વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે.

ખડગે પર PM મોદીનો કટાક્ષ

PM મોદીએ ભાષણ શરૂ થતાં જ કોંગ્રેસ નેતા ખડગે પર કટાક્ષ કરતાં કહ્યું કે, આદરણીય સભાપતિ ખડગેજીની ઉંમરને જોતાં તેમને બેઠા બેઠા નારા લગાવવાની છૂટ આપો....'

ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે; PM મોદી

PM મોદીએ કહ્યું કે, ભારત પ્રત્યે વિશ્વનું આકર્ષણ વધી રહ્યું છે અને ભારતના ટેલેન્ટનું મહત્ત્વ વિશ્વ સમજી રહ્યું છે. વિશ્વમાં અનેક પડકારો વચ્ચે ભારત આશાનું કિરણ બન્યું છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે. આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતાઈને દર્શાવે છે. દેશ સ્વતંત્ર થયો ત્યારે આપણે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, પણ આ લોકોએ ( વિપક્ષ ) દેશને 11માં ક્રમે પહોંચાડી દીધો. આજે અમે ત્રીજા સ્થાને જવાની દિશામાં આગળ વધી રહ્યા છે. 

હવે નવા વર્લ્ડઓર્ડર તરફ આગળ વધી રહ્યું છે વિશ્વ, પલડું ભારત તરફ: PM મોદી

PM મોદીએ કહ્યું કે, વિજ્ઞાન, સ્પેસ, સ્પોર્ટ્સ સહિતના દરેક સેક્ટરમાં ભારતમાં એક અનોખો આત્મવિશ્વાસ છે. કોવિડ મહામારી બાદ જે સ્થિતિ પેદા થઈ તેના કારણે આજે દુનિયા ડામાડોળ છે. એવામાં વિશ્વ હવે નવા વર્લ્ડઓર્ડર તરફ આગળ વધી રહ્યું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ એક નવું વર્લ્ડઓર્ડર બન્યું હતું, તે પછી હવે ફરી નવું વર્લ્ડઓર્ડર રચાઈ રહ્યું છે. સૌથી મોટી ખુશીની વાત છે કે તમામ ઘટનાઓમાં પલડું ભારત તરફ નમેલું છે. ભારત 'વિશ્વબંધુ' રૂપે અનેક દેશોનો પાર્ટનર બન્યો છે. વિશ્વ કલ્યાણ માટે આપણે ઉચિત ભૂમિકા ભજવી રહ્યા છે અને સહાય પણ કરી રહ્યા છીએ. 

મેં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ કરી ત્યારે જાપાન પાર્ટનર હતું: PM મોદી

આજે આખું વિશ્વ ગ્લોબલ સાઉથની ચર્ચા કરે છે પણ ભારત જ તેનું સૂત્રધાર રહ્યું છે. પાછલા થોડા દિવસોમાં દુનિયાના 9 દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ થઈ જેમાં મધર ઓફ ડીલ્સ થઈ. જેમાં 27 દેશો સાથે એકસાથે ડીલ થઈ. વિપક્ષે દેશના હાલ એવા કરી નાંખ્યા હતા કે કોઈ પણ દેશ ભારત સાથે ડીલ કરવા આગળ નહોતો આવતો. હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે 'વાઈબ્રન્ટ ગુજરાત' સમિટ કરતો હતો. ત્યારે એક ગુજરાત રાજ્યમાં પાર્ટનર દેશ જાપાન હતો. મેં તે સમયે જે સામર્થ્ય બતાવ્યું તે આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે આ દેશ એવો બરબાદ કરી નાંખ્યો હતો અમારી શક્તિ તેમની ભૂલો સુધારવામાં જઈ રહી છે. દુનિયાના દેશો સામે ભારતની છબી સુધારવી પડે છે. મારા પર વિશ્વાસ ન હોય તો લાલ કિલ્લાથી કોંગ્રેસના તમામ વડાપ્રધાનના ભાષણ વાંચી લો. તેમની પાસે કોઈ વિઝન હતું જ નહીં. 

ટ્રેડ ડીલ પર PM મોદીનું મોટું નિવેદન

આજે મોટા મોટા દેશ ભારત સાથે સંબંધ બનાવવા માટે આતુર છે. સમગ્ર વિશ્વ ખૂલીને ભારતની ટ્રેડ ડીલના વખાણ કરી રહ્યું છે. યુરોપ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાદ ભારતના યુવાનોને સૌથી મોટો લાભ થશે. તેમના માટે આખા વિશ્વનું બજાર ખૂલી ગયું છે. દુનિયામાં ભારતના યુવા પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. 

TMC પર PM મોદીનો પ્રહાર

PM મોદીએ TMC પર પ્રહાર કરતાં કહ્યું કે, દુનિયાના સમૃદ્ધ દેશો ગેરકાયદે લોકોને કાઢી રહ્યા છે. પણ આપણે ત્યાં ઘૂસણખોરોને બચાવવા માટે અદાલતો પર દબાણ કરાય છે. આ ઘૂસણખોરો મારા દેશના જવાનોની રોજી રોટી છીનવી રહ્યા છે અને આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે. અને આ લોકો અહીં આવીને અમને ઉપદેશ આપે છે! 

PM મોદીના ભાષણના અન્ય મુખ્ય મુદ્દા 

- અમે મુદ્રા યોજનાના માધ્યમથી 30 લાખ કરોડ રૂપિયા આપ્યા. બેન્કોમાં NPA ઘટાડીને 1 ટકાથી નીચે લાવ્યા. કોંગ્રેસના સમયમાં નેતાઓના ફોનથી કરોડોની લોન આપી દેવામાં આવતી હતી. 
- આજે LIC ઉત્તમ પરફોર્મન્સ કરી રહી છે, ભારતના અન્ય PSU રેકોર્ડબ્રેક નફો કરી રહ્યા છે 
- અમે નાના ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા આપ્યા 

લોકસભામાં ભાષણ ન આપી શક્યા વડાપ્રધાન, 22 વર્ષ બાદ પરંપરા તૂટી

બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર થઈ ગયો છે. આવું 22 વર્ષ બાદ પહેલીવાર થયું છે જે જ્યાં વડાપ્રધાનના ભાષણ વિના જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો હોય. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિવેદન આપ્યું છે કે તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. ઓમ બિરલાએ કહ્યું કે, હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત. 

મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ

ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે કોંગ્રેસે મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો. ભાજપ સાંસદ મનોજ તિવારી અને કંગના રણૌતે પણ આવા જ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદો વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. 

આ સમાચાર શેર કરો