કેજરીવાલને હાઈકોર્ટે આપ્યો ઝટકો, ધરપકડને ચેલેન્જ કરતી અરજી ફગાવી દીધી
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. મંગળવારે (9 એપ્રિલ) દિલ્હી

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. મંગળવારે (9 એપ્રિલ) દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, આ જામીનનો મામલો નથી. ધરપકડને પડકારવાનો છે. જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા ધરપકડને માન્ય ગણાવી હતી. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDના રિમાન્ડને ગેરકાયદે ન કહી શકાય.
ED દ્વારા ધરપકડ અને અટકાયતને પડકારતી કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું કે, આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી, પરંતુ ED અને તેમની વચ્ચેનો મામલો છે. એજન્સીએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. આમાં કોઈને વિશેષાધિકાર આપી શકાય નહીં. ED પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી મુક્તિ આપી શકાય નહીં. ન્યાયાધીશો કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.
દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે EDની દલીલ એ છે કે અત્યાર સુધીના પુરાવા બતાવી રહ્યા છે કે, કેજરીવાલ પાર્ટી સંયોજક છે, ગોવાની ચૂંટણીમાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. કેજરીવાલના વકીલે આનો વિરોધ કર્યો અને શરથ રેડ્ડી અને રાઘવ મુંગટાના નિવેદનોનો ઉલ્લેખ કર્યો. કોર્ટે કહ્યું કે સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે તપાસ એજન્સી દ્વારા નહીં. જો પ્રશ્ન ઊભો થાય તો સવાલ મેજિસ્ટ્રેટ પર ઉઠી રહ્યા છે.
હાઈકોર્ટે કહ્યું કે આરોપીના હિસાબે તપાસ થઈ શકે નહીં. કોર્ટને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મુખ્યમંત્રી માટે કોઈ વિશેષ વિશેષાધિકાર નથી. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અરજીમાં એજન્સી દ્વારા ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. અરજીમાં એવું પણ બતાવ્યું હતું કે, આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.








