'હવે Instagram પર સૈનિકો પોસ્ટ નહીં કરી શકે', ભારતીય સેનાની સોશિયલ મીડિયા નીતિમાં મોટા બદલાવ
ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની તેની નીતિમાં મોટા સુધારાઓ કર્યા છે. સૈનિકો અને અધિકારીઓ

ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની તેની નીતિમાં મોટા સુધારાઓ કર્યા છે. સૈનિકો અને અધિકારીઓ હવે Instagramનો ઉપયોગ ફક્ત જોવા અને દેખરેખ રાખવા માટે કરી શકશે. તેઓ કોઈપણ પોસ્ટ ઉપર રિએક્શન, લાઈક કે કોમેન્ટ નહીં કરી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડિજિટલ પ્રવૃત્તિઓ અંગે સેના માટે અગાઉના અન્ય તમામ નિયમો યથાવત્ રહેશે. નવા નિર્દેશો તમામ આર્મી યુનિટ્સ અને વિભાગોને જારી કરવામાં આવ્યા છે. આનો હેતુ સૈનિકોને સોશિયલ મીડિયા સામગ્રી જોવા, માહિતગાર રહેવા અને માહિતી એકત્રિત કરવાની મર્યાદિત મંજૂરી આપે છે. જેથી તેઓ નકલી અથવા ભ્રામક કંન્ટેન્ટને ઓળખી શકે.
નવી નિયમો મુજબ જવાનો સોશિયલ મીડિયા પર જોયેલી કોઈપણ નકલી, ભ્રામક અથવા શંકાસ્પદ પોસ્ટની જાણ તેમના ઉપરી અધિકારીઓને કરી શકશે. આ માહિતી સેનાની આંતરિક તકેદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે. ભારતીય સેનાએ સમયાંતરે Facebook, X (અગાઉ ટ્વિટર) અને Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે અગાઉ સુરક્ષા ચિંતાઓને કારણે સખત પ્રતિબંધિત હતા.
હની ટ્રેપ અને માહિતી લીક થવાને લીધે સખ્તાઈ
આ કડક નિયમો ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓ બાદ લાગુ કરવામાં આવ્યા હતા. કેટલાક સૈનિકો,વિદેશી એજન્સીઓ દ્વારા ગોઠવાયેલા હની ટ્રેપમાં ફસાઈ જઈને અજાણતાં સંવેદનશીલ માહિતી લીક કરી ચૂક્યા હતા. જેને પગલે સોશિયલ મીડિયા નિયંત્રણની જરૂરિયાત ઉભી થઈ.
ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચાણક્ય સંરક્ષણ સંવાદ દરમિયાન લશ્કરી કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોતાના મંતવ્યો શેર કર્યા. આ કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે જનરેશન Z યુવાનો લશ્કરમાં જોડાવાની ઈચ્છે છે પરંતુ સેના અને સોશિયલ મીડિયા વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જેનો જવાબ આપતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે, આ એક પડકારજનક છે. જ્યારે યુવા કેડેટ્સ NDAમાં આવે ત્યારે સૌથી પહેલા તેમના રૂમમાં છુપાયેલા ફોન શોધે છે. તેમને ખાતરી આપવામાં ત્રણથી છ મહિના લાગે છે કે ફોન વિના જીવન શક્ય છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આજના સમયમાં સ્માર્ટફોન એક જરૂરિયાત બની ગયો છે.
સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, "હું ક્યારેય સૈનિકોને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની મનાઈ કરતો નથી. સૈનિકો હંમેશા ફિલ્ડમાં રહેતા હોય છે. એવામાં બાળકની શાળાની ફી ભરવાની હોય, માતાપિતાના સ્વાસ્થ્યની માહિતી લેવી કે પછી પત્ની સાથે વાત કરવાની હોય, આ બધું સ્માર્ટ ફોન દ્વારા શક્ય છે. સેના પ્રમુખે કહ્યું કે, રિએક્ટ કરવું અને રિસ્પોન્ડ કરવો આ બંને અલગ વસ્તુ છે. રિએક્ટ કરવું અર્થાત તુરંત જવાબ આપવો. જ્યારે રિસ્પોન્ડ કરવાનો અર્થ સમજી વિચારીને જવાબ આપવો. અમે નથી ઈચ્છતા કે સૈનિકો આવી કોઈ ચર્ચામાં જોડાય. એટલા માટે તેમને એક્સ પ્લેટફોર્મ માત્ર જોવાની મંજૂરી છે. જવાબ આપવા માટે નહીં.








