ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, ટેરિફ ઘટાડા બાદ PM મોદીનું ટ્વિટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર ખુશી વ્યક્

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે X પરના એક ટ્વિટમાં ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પ્રિય મિત્ર પણ ગણાવ્યા છે. પ્રધાનમંત્રીએ X પરના એક ટ્વિટમાં લખ્યું, "આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. મને આનંદ છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ હવે 18% સુધી ઘટાડી દેવામાં આવશે. ભારતના 1.4 અબજ લોકો વતી, આ અદ્ભુત જાહેરાત માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ખૂબ ખૂબ આભાર."
https://twitter.com/narendramodi/status/2018377090840830101
ટ્રમ્પે ટેરિફ ઘટાડી 18 ટકા કર્યો
ટેરિફ મુદ્દે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સરકારે 25 ટકા ટેરિફમાં 7 ટકાનો ઘટાડો કર્યો છે, આમ હવે અમેરિકા ભારત પર 18 ટકા ટેરિફ લાગુ કરશે. આ નિર્ણયના અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી.
બંને દેશોના વડા વચ્ચે થઈ હતી ટેલિફોનિક વાતચીત
ટેરિફ બાદ વણસેલા સંબંધો વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ ચર્ચા અંગે માહિતી આપતા ભારતમાં સ્થિત અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે કહ્યું કે, 'રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે હમણાં જ વડાપ્રધાન મોદી સાથે વાત કરી', મહત્વનું છે કે આ પહેલા બંને નેતાઓ વચ્ચે 11 ડિસેમ્બર 2025ના રોજ ટેલિફોનિક વાત થઈ હતી. ઓછા સમયગાળામાં બે વખત થયેલી વાતચીત પરથી અનુમાન લગાવી શકાય કે પેન્ડિંગ ટ્રેડ ડીલ (વેપાર કરાર) અંગે ઝડપથી કોઈ નિર્ણય આવી શકે છે.
ટ્રમ્પે ગત વર્ષ 2025માં ભારત પર વેપાર ખાધનો આરોપ લગાવીને 25% ટેરિફ લાદ્યો હતો. જે બાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવી દીધો હતો. ત્યારથી ભારત અને અમેરિકા સંબંધમાં વધુ ખટાશ આવી હતી. તેની અસર સીધી અમેરિકા અને ભારત વચ્ચે ઘણા સમય ચર્ચિત ટ્રેડ ડીલ પર પડી હતી. જે ગોકળ ગતિએ આગળ વધી રહી છે. તેવામાં ટ્રમ્પ અને PM મોદી વચ્ચે થયેલી વાતચીતથી સંબંધમાં પડેલી તિરાડને ભરી શકે તેવા સંકેત છે.
ટ્રમ્પનું વલણ ઢીલું પડ્યું
આજે 2 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રસિદ્ધ સ્મારક ઈન્ડિયા ગેટના વખાણ કર્યા હતા. કહ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીમાં દુનિયાનું સૌથી મોટું અને સૌથી મહાન ટ્રાયમ્ફલ આર્ચ (વિજય દ્વાર) બનશે. સાથે જ લખ્યું હતું કે ભારતનું સુંદર વિજયી દ્વાર, ઇન્ડિયા ગેટ, આપણું સૌથી મહાન હશે. ઉલ્લેખનીય છે કે ભારતની યુરોપિયન દેશો સાથે મધર ઓફ ઓલ ડીલ બાદ ટ્રમ્પના ઢીલા પડેલા વલણે ફરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.








