Loksabh Election 2024: દક્ષિણ ભારતની 129 બેઠક નિર્ણાયક, તમિલનાડુમાં ત્રિપાંખિયો જંગ; કર્ણાટકમાં ભાજપને પુનરાવર્તનની આશા
દક્ષિણ ભારતનું રાજકારણ કાયમ અકળ રહ્યું છે.ધાર્યા કરતા વિપરીત મિજાજ બતાવવા માટે દક્ષિણ ભારતીય નાગરિ

દક્ષિણ ભારતનું રાજકારણ કાયમ અકળ રહ્યું છે.ધાર્યા કરતા વિપરીત મિજાજ બતાવવા માટે દક્ષિણ ભારતીય નાગરિકો જાણીતા છે. દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં સ્થાનિક પક્ષો વચ્ચે પણ સંસદ માટે સીધો જંગ છે તો રાષ્ટ્રીય પક્ષો માટે ગઠબંધનનો માર્ગ વધુ મોકળો છે. તમિલનાડુમાં ત્રિપાંખિયો જંગ જોવા મળે છે તો કર્ણાટકમાં ભાજપને પુનરાવર્તનની આશા છે. કેરળમાં INDIA ગઠબંધનને ફાયદો થઇ શકે છે.
તમિલનાડુ- (39 બેઠક) 2019 જેવી સફળતા મેળવવા DMK સક્રિય)
તમિલનાડુ દક્ષિણ ભારતમાં સૌથી વધુ બેઠકો ધરાવતું રાજ્ય છે. 39 બેઠકો માટે આ રાજ્યમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. એમ.કે. સ્ટાલિનના DMK અને AIADMK વચ્ચે તમિલનાડુમાં વર્ષોથી સીધો જંગ જામે છે. સ્ટાલિને ઇન્ડિયા ગઠબંધનમાં જોડાણ કર્યું છે એટલે રાજ્યમાં DMK 39માંથી 22 બેઠકો પર ચૂંટણી લડે છે. કોંગ્રેસ 9 બેઠકો, સીપીઆઇએમ બે, સીપીઆઇ બે અને ઇન્ડિયન મુસ્લિમ લીગ એક બેઠક પર ચૂંટણી લડી રહી છે.
એમજીઆરે સ્થાપેલી પાર્ટી AIADMK 34 બેઠકો પર ચૂંટણી લડશે. AIADMKએ સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને પાંચ બેઠકો તેમને આપી છે. જયલલિતાના સમયમાં AIADMKનો સુવર્ણયુગ ચાલતો હતો પરંતુ તેમના નિધન બાદ પાર્ટી વેરવિખેર થઇ ગઇ હોવાથી તેનો સીધો લાભ DMKને મળી રહ્યો છે. ભાજપે પણ તમિલનાડુમાં સ્થાનિક નવ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. ભાજપ 22 બેઠકો પર લડે છે. પીએમકે 10 બેઠકો પર લડશે. TMC (M)ને ત્રણ બેઠકો ફાળવાઇ છે. તે સિવાયની જે તે વિસ્તારમાં પ્રભાવ હોય એવી પાર્ટીઓને એક-એક બેઠકો આપવામાં આવી છે. મતોના વિભાજન પર તમિલનાડુના પરિણામોનો મુખ્ય આધાર રહેશે.
કર્ણાટક- (28 બેઠક) ઇન્ડિયા ગઠબંધનને તમામ બેઠકો જીતવાનો ભરોસો
દક્ષિણના રાજ્યોમાંથી સત્તાધારી ભાજપને સૌથી વધુ આશા કર્ણાટકથી છે. કર્ણાટકમાં ભાજપ અને જનતાદળ (એસ)નું ગઠબંધન છે. પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાની પાર્ટી રાજ્યમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડે છે. ભાજપે 25 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસે તમામ 28 બેઠકો પર એકલા હાથે ઝંપલાવ્યું છે. ગત વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 224માંથી 135 બેઠકો મળી હતી. રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં છે અને વિધાનસભાની જેમ જ લોકસભામાં પણ ધારી સફળતા મળશે એવી આશા છે. 2019માં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. એક બેઠક JDSના ફાળે ગઇ હતી. 25 બેઠકો પર કમળ ખીલ્યું હતું. ભાજપને એવી આશા છે કે રાજ્યના મુદ્દા અલગ હોય છે, પરંતુ કેન્દ્રની યોજનાઓ અને કેન્દ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોવાથી આ વખતે પણ ભાજપ 25 બેઠકો મેળવશે. ભાજપે તો ગઠબંધન સહિત તમામ 28 બેઠકો જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
કેરળ- (20 બેઠક) કોંગ્રેસને પુનરાવર્તનની, ભાજપને પરિવર્તનની આશા
દક્ષિણ ભારતના જે રાજ્યોમાં કોંગ્રેસને ખુબ આશા છે એમાનું એક રાજ્ય કેરળ છે. 2019માં કોંગ્રેસે ત્રણ સ્થાનિક પાર્ટીઓ સાથે જોડાણ કર્યું હતું. કોંગ્રેસે 16 બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ચાર બેઠકો સાથી પક્ષોને આપી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનને 19 બેઠકો મળી હતી. કોંગ્રેસના 16માંથી 15 ઉમેદવારો વિજેતા બન્યા હતા. દેશભરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ હતા ત્યારે કેરળમાંથી રાહત મળી હતી. રાહુલ ગાંધી અમેઠીમાંથી હાર્યા હતા પણ વાયનાડથી મોટા માર્જિનથી જીત્યા હતા. NDA ગઠબંધનને એક પણ બેઠક મળી નહતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વમાં INDIA ગઠબંધનનો સામનો ડાબેરી ઉપરાંત NDA ગઠબંધન સાથે છે. રાજ્યમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. અન્ય રાજ્યોમાં CPIM,CPI સાથે કોંગ્રેસનું ગઠબંધન છે પરંતુ કેરળમાં સ્થાનિક નેતાઓ વચ્ચે ભારે સ્પર્ધા છે. કેરળ કોંગ્રેસના નેતાઓ ડાબેરી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં ન હોવાથી આખરે કોંગ્રેસે 2019ના જૂના સાથી પક્ષો સાથે જ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
આંધ્ર પ્રદેશ- (25 બેઠક)- કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે કપરાં ચઢાણ
આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી છે. આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની 175 બેઠકો છે. બહુમતી માટે 88 બેઠકોની જરૂર પડે છે. લોકસભાની 25 બેઠકો છે. ગત ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના જગનમોહન રેડ્ડીએ 135 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. એટલું જ નહીં, લોકસભામાં પણ 25માંથી 22 બેઠકો મેળવી હતી. અત્યારે સંસદમાં 22 બેઠકો સાથે વાયએસઆર કોંગ્રેસ પાંચમી મોટી પાર્ટી છે. રાજ્યમાં વાયએસઆરની સીધી ટક્કર તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે છે. TDPને 2019માં વિધાનસભાની માત્ર 23 બેઠકો મળી હતીને લોકસભાની માત્ર ત્રણ બેઠકો પર વિજય થયો હતો. આ ચૂંટણીમાં વાયએસઆર તમામ 25 બેઠકો પર એકલા ચૂંટણી લડે છે. TDPનું ભાજપ સાથે ગઠબંધન છે. 17 બેઠકો પર TDP ચૂંટણી લડે છે. 6 બેઠકો ભાજપના હિસ્સામાં આવી છે. બે બેઠકો જન સેના પાર્ટીને મલી છે. કોંગ્રેસે સીપીઆઈએમ અને સીપીઆઇ સાથે ગઠબંધન કર્યું છે.
તેલંગણા- (17 બેઠક)- ભાજપનો પ્રભાવ અટકાવવા કોંગ્રેસનું ડુ ઓર ડાઇ
આંધ્ર પ્રદેશમાંથી અલગ થયા બાદ તેલંગણામાં લોકસભાની આ બીજી ચૂંટણી છે. અગાઉ આંધ્ર પ્રદેશની કુલ 42 બેઠકો હતી. 2014માં એ બેઠકોની ચૂંટણી સાથે થયેલી. 2014થી નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ 2019માં પ્રથમ વખત રાજ્યની 17 બેઠકોની ચૂંટણી થઇ હતી. એમાં કેસીઆરની પાર્ટી તેલંગમા રાષ્ટ્રીય સમિતિને નવ બેઠકો મળી હતી. ભાજપ ચાર બેઠક જીતવામાં સફળ થઇ હતી. કોંગ્રેસને ત્રણ અને ઓવૈસીની AIMIMને એક બેઠક મળી હતી. આ ઇલેક્શનમાં ટીઆરએસમાંથી નામ બદલીને ભારતીય રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ) બનેલી કેસીઆરની પાર્ટીનો બે નેશનલ પાર્ટી ભાજપ-કોંગ્રેસ સામે જંગ છે. આ ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસને 10થી 12 બેઠકો જીતવાની આશા છે. કેસીઆરની પાર્ટી નબળી પડી હોવાથી હજુ ગત વર્ષે તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. ડિસેમ્બર-2023માં મુખ્યમંત્રી બનેલા રેવન્ત રેડ્ડી રાજ્યમાં લોકપ્રિય નેતા છે. કોંગ્રેસે રેવન્ત રેડ્ડીના ભરોસે આ ચૂંટણી પાર ઉતારવાનો વ્યુહ ઘડ્યો છે. છેલ્લા ચારેક મહિનામાં રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં જે નિર્ણયો કર્યા છે તેની અસર પણ થશે. ખાસ તો ખેડૂતો માટે કરેલી જાહેરાતોનો લાભ થશે. ભાજપે કેસીઆર અને કોંગ્રેસ બન્ને સામે પડકાર ખડો કર્યો છે. ભાજપનો પ્રભાવ અટકાવવા કોંગ્રેસ એડીચોટીનું બળ લગાવે છે.








