PM મોદી - નેતન્યાહૂની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ, સોનિયા ગાંધીએ આ મુદ્દે સરકારને ઘેરી
કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ ગુરુવારે પેલેસ્ટાઇન મુદ્દે મોદી સરકારના વલણની ટીકા કરતા

કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ ગુરુવારે પેલેસ્ટાઇન મુદ્દે મોદી સરકારના વલણની ટીકા કરતા કહ્યું કે, ભારતે હવે નેતૃત્વનો પરિચય આપવો પડશે. આ મુદ્દા પર સરકારનો પ્રતિભાવ અને "ભેદી મૌન" માનવતા અને નૈતિકતા બંનેનો ત્યાગ દર્શાવે છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું કે, સરકારના પગલાં મુખ્યત્વે ભારતના બંધારણીય મૂલ્યો અથવા તેના વ્યૂહાત્મક હિતો કરતાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વ્યક્તિગત મિત્રતાથી પ્રેરિત હોય તેવું લાગે છે.
સોનિયા ગાંધીએ કહ્યું, વ્યક્તિગત કૂટનીતિની આ શૈલી ક્યારેય સ્વીકાર્ય નથી. આ ભારતની વિદેશ નીતિનું માર્ગદર્શક ના હોઈ શકે. વિશ્વના અન્ય ભાગોમાં - ખાસ કરીને અમેરિકામાં આવો કરવાનો પ્રયાસ તાજેતરના મહિનાઓમાં સૌથી દુ:ખદ અને અપમાનજનક રીતે નિષ્ફળ ગયા છે.
સોનિયા ગાંધીએ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ પર છેલ્લા કેટલાક મહિનામાં ત્રીજી વખત લેખ લખ્યો છે, દરેક વખતે આ મુદ્દા પર મોદી સરકારના વલણની આકરી ટીકા કરી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ફ્રાન્સ, પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપવામાં બ્રિટન, કેનેડા, પોર્ટુગલ અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયું છે. યુએનના 193 સભ્ય દેશોમાંથી 150થી વધુ દેશોએ હવે આવું કર્યું છે. ભારત આ બાબતમાં અગ્રણી રહ્યું છે, જેણે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (PLO) ને વર્ષોના સમર્થન પછી, 18 નવેમ્બર, 1988 ના રોજ ઔપચારિક રીતે પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપી હતી.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે ભારતે સ્વતંત્રતા પહેલા પણ દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અલ્જેરિયાના સ્વતંત્રતા યુદ્ધ (1954-62) દરમિયાન, ભારત સ્વતંત્ર અલ્જેરિયા માટે સૌથી મજબૂત અવાજોમાંનો એક હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે 1971 માં ભારતે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં નરસંહાર અટકાવવા માટે મજબૂત હસ્તક્ષેપ કરતા બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું કે ઇઝરાયલ-પેલેસ્ટાઇન જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દાઓમાં પણ સૈદ્ધાંતિક વલણ જાળવી રાખ્યું છે અને શાંતિ અને માનવ અધિકારોના રક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, ભારતે પેલેસ્ટાઇનના મુદ્દા પર નેતૃત્વ દેખડવાની જરૂર છે.








