શિવરાજ સિંહ ચૌહાણ બની શકે છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, RSS પ્રમુખ સાથે 45 મિનિટ કરી વાતચીત
કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને RSS પ્રમુખ મોહન ભાગવ

કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને RSS પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત થઇ છે. હવે આ મુલાકાતને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. સાથે જ ભાજપ અધ્યક્ષ પદના ઉમેદવારની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણનું નામ આગળ આવ્યું છે.
મહત્ત્વપૂર્ણ છે કે ભાજપ અને RSS તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે 28 સપ્ટેમ્બર 2025 પહેલા પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થઇ શકે છે. આ પ્રક્રિયા 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થયા બાદ શરૂ થઇ શકે છે. આ કારણે શિવરાજસિંહ ચૌહાણનું નામ ફરી એક વખત અધ્યક્ષ પદની રેસમાં ચર્ચાનો વિષય બન્યું છે.
મોહન ભાગવતને મળ્યા પહેલા શિવરાજ સિંહ ચૌહાણ દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં ગાયત્રી પરિવારના કાર્યક્રમમાં સામેલ થયા હતા. તે બાદ શિવરાજ સિંહ ચૌહાણ સંઘ કાર્યાલય પહોંચ્યા અને બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા ભોપાલ માટે નીકળી ગયા હતા.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ એક વર્ષથી ખાલી
ભાજપમાં છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ ખાલી પડ્યું છે. પાર્ટી સંગઠનમાં નવા અધ્યક્ષની નિયુક્તિને લઇને સતત ચર્ચા થઇ રહી છે પરંતુ સંઘ અને ભાજપ નેતૃત્ત્વ વચ્ચે તાલમેલની કમીને મોડું થવા પાછળ કારણ માનવામાં આવી રહ્યું છે. એવામાં શિવરાજ સિંહ ચૌહાણ અને મોહન ભાગવતની મુલાકાતને સંગઠનાત્મક બદલાવ તરીકે જોડીને જોવામાં આવી રહી છે.








