'જનતાને સત્ય જણાવો', પુણે જમીન સોદા વિવાદમાં પૌત્રનું નામ આવતા શરદ પવારે તોડ્યું મૌન
પુણે જમીન કૌભાંડમાં આરોપોને લઈને ઉભા થયેલા રાજકીય તોફાનના બે દિવસ પછી

પુણે જમીન કૌભાંડમાં આરોપોને લઈને ઉભા થયેલા રાજકીય તોફાનના બે દિવસ પછી NCP (શરદચંદ્ર પવાર જૂથ)ના વડા શરદ પવારે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તેનું પરિણામ લોકોની સામે રાખવું જોઈએ.
શરદ પવારે કહ્યું, "મુખ્યમંત્રીએ પોતે કહ્યું છે કે આ મામલો ગંભીર છે. તેમણે આ બાબતે સંપૂર્ણ તપાસ કરીને લોકોને સંપૂર્ણ સત્ય બતાવવું જોઈએ. જણાવી દઈએ કે, અજિત પવારના પુત્ર પાર્થ પવાર પર પુણેમાં ઓછી કિંમતે સરકારી જમીન ખરીદવાનો આરોપ લાગતા વિવાદ વધુ વકર્યો છે.
શરદ પવારે જણાવ્યું હતું કે તેમના પરિવારના વિચારો અલગ હોવા છતાં પરિવાર એક રહે છે. તેમણે યાદ અપાવી કે, તેમના પૌત્રે અજિત પવારની વિરુદ્ધ ચૂંટણી લડી હતી. અજિત પવારની પત્ની સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ બધું રાજકીય હતું જેની વ્યક્તિગત સંબંધોને અસર પડી નથી.
વિપક્ષ પ્રશ્નો ઉભા કરે છે
આ જમીન સોદાના સંદર્ભમાં બે કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ પાર્થ પવારનું નામ તેમાં સામેલ નથી. વિપક્ષે પ્રશ્નો ઉભા કર્યા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ના અંબાદાસ દાનવે, કોંગ્રેસના વિજય વાડેટ્ટીવાર અને હર્ષવર્ધન સપકલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે પાર્થનું નામ કેમ બાકાત રાખવામાં આવ્યું.
દરમિયાન, શરદ પવારના બીજા પૌત્ર રોહિત પવાર કે જે વારંવાર સરકારની ટીકા કરી છે, તેઓ આ બાબતે મૌન રહ્યા છે. મંત્રી શિરસાતે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો હતો કે, "આપણો પ્રિય પોપટ કેમ ચૂપ છે? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલાને 'જમીન ચોરી' અને 'મત ચોરી' સાથે જોડ્યો છે.
પુણેના કોરેગાંવ પાર્ક જેવા પોશ વિસ્તારમાં 1800 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત 300 કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત 500 રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાના ઘટસ્ફોટ બાદ મહાયુતિ સરકાર ભીંસમાં મૂકાઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ પ્રકરણની તપાસના આદેશો આપ્યા છે અને રાજ્યના બે મહેસૂલી અધિકારીઓને તત્કાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સરકારી માલિકીની જમીન કેવી રીતે વેચી નાખી
આક્ષેપો અનુસાર પાર્થ પવારની ભાગીદારી ધરાવતી કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને પુણેના મુંઠવા વિસ્તારમાં 300 કરોડની જમીન વેચવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીન શ્રીસરકાર એટલે કે સરકારી માલિકીની દર્શાવાઈ છે. તો આ જમીન પાર્થ પવારની કંપનીને વેચવાની પરવાનગી કોણે આપી, આ કિંમત કોણે નક્કી કરી તેવા સવાલો સર્જાયા છે. 300 કરોડના સોદા પર 21 કરોડ જેટલી સ્ટેમ્પ ડયૂટી લાગવી જોઈએ તેને બદલે ફક્ત 500 રુપિયા સ્ટેમ્પ ડયૂટી લેવાઈ છે. આ સ્ટેમ્પ ડયૂટી માફીની સૂચના પણ કોણે આપી તેવા પ્રશ્નો પણ થયા છે.
બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર મહેસૂલ વિભાગને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેરવ્યવહારોના સંકેત મળ્યા બાદ પુણે મામલતદાર સૂર્યકાંત યેવલેને તેમજ સબ રજીસ્ટારને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહિ આ પ્રકારના જમીન સોદાના વ્યવહારની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જમીન સોદા અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પ્રકરણની સંપૂર્ણ માહિતી મહેસૂલ વિભાગ, આઇ.જી.આર અને લેન્ડ રેકોર્ડ વિભાગ દ્વારા મંગાવ્યા છે. પ્રાથમિક તપાસમાં કેટલીક ગંભીર બાબત સામે આવી છે. જો આ મામલે ક્યાંય અનિયમિતતા થયેલી મળી આવશે તો તેની સામે કઠોર કાર્યવાહી થશે.








