મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર/ 10 લોકોના આતંકી હુમલામાં મોત બાદ તપાસ અભિયાન શરૂ, ડ્રોન-CCTVની મદદ લેવાઇ

શિવખોરીથી આવતી એક બસ પર થયેલા હુમલા બાદ ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી વિસ્

જમ્મુ કાશ્મીર/ 10 લોકોના આતંકી હુમલામાં મોત બાદ તપાસ અભિયાન શરૂ, ડ્રોન-CCTVની મદદ લેવાઇ

શિવખોરીથી આવતી એક બસ પર થયેલા હુમલા બાદ ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યું છે. સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ (SDRF) પણ રિયાસી પહોંચી ગઇ છે અને ઘટનાસ્થળની આસપાસ ગીચ જંગલોમાં તપાસ અભિયાનમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરના રિયાસી વિસ્તારમાં આતંકી હુમલામાં 10 મુસાફરોના મોત થયા હતા.

રિયાસી જિલ્લા કમિશ્નર વિશેષ મહાજને રવિવાર રાત્રે પૃષ્ટી કરી હતી કે આતંકી હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. અધિકારી અનુસાર, શિવખોરી તીર્થસ્થળથી એક બસ કટરા જતી હતી. સાંજે 6.10 વાગ્યે જ્યારે બસ રાજૌરી જિલ્લાની સરહદ સાથે જોડાયેલા રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં પહોંચી ત્યારે આતંકવાદીઓએ તેને નિશાન બનાવી હતી.

ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

અચાનક ગોળીબાર થતા ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું

રિયાસીના SSP મોહિત શર્માએ કહ્યું, "આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો, જેનાથી બસ ડ્રાઇવર નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને બસ ખીણમાં પડી હતી. બચાવ અભિયાન પૂર્ણ થઇ ગયું છે અને ઘાયલોને નારાયણા અને રિયાસી જિલ્લાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મુસાફરોની ઓળખ થઇ શકી નથી. શરૂઆતના રિપોર્ટથી તે ઉત્તર પ્રદેશના લાગે છે."

ઉપ રાજ્યપાલે કાર્યવાહીની વાત કરી

બીજી તરફ જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ આ હુમલાની નિંદા કરી હતી અને તેની પાછળ રહેલા લોકો વિરૂદ્ધ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. ઉપ રાજ્યપાલે કહ્યું, "હું રિયાસીમાં એક બસ પર કાયરતાપૂર્ણ આતંકી હુમલાની નિંદા કરૂ છું. શહીદ નાગરિકોના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના છે. આપણા સુરક્ષા દળ અને જેકેપીએ આતંકવાદીઓની તપાસ માટે એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે. પીએમ મોદીએ સ્થિતિની સમીક્ષા કરી છે અને મને સ્થિતિ પર નજર રાખવા કહ્યું છે."

આ સમાચાર શેર કરો