બિહાર સાથે 7 રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર, જાણો 8 બેઠકો પર કોણે કેટલી લીડથી મેળવી જીત
આજે(14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણી સહિત કુલ 7 રાજ્યોની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના

આજે(14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણી સહિત કુલ 7 રાજ્યોની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશાના મતદારોએ વર્ષની શરુઆતમાં ખાલી પડેલી આ 8 બેઠકો માટે નવા જનપ્રતિનિધિઓની પસંદગી કરી છે. જેમાં રાજસ્થાનની અંતા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, તેલંગાણાની જ્યુબિલી હિલ્સ, મિઝોરમની ડમ્પા, ઓડિશાની નુઆપાડા અને જમ્મુ-કાશ્મીરની બડગામ તથા નગરોટા બેઠકનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરના બડગામમાં BJPની હાર
જમ્મુ-કાશ્મીરના બડગામ બેઠક પરથી આગા સયૈદ મુન્તઝિરએ જીત નોંધાવી છે. જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ઉમેદવાર મુન્તઝિરને કુલ 21,576 વોટ મળ્યા છે.
કોંગ્રેસના નવીન યાદવની જ્યુબિલી હિલ્સમાં 24,729 વોટથી જીત
તેલંગાણાની જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણીના અંતિમ પરિણામો અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર નવીન યાદવે 98,988 મત મેળવીને વિજય હાંસલ કર્યો છે. જ્યારે BRSના મગંતી સુનીથા 74,259 મતો સાથે પાછળ રહ્યાં. આ રીતે, કોંગ્રેસે આ બેઠક પર 24,729 મતોની નિર્ણાયક બહુમતી સાથે જીત નોંધાવી છે.
પંજાબની તરનતારન બેઠક પર આમ આદમી પાર્ટીની જંગી સરસાઈ
તરનતારન વિધાનસભા પેટાચૂંટણીના 15 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરમીત સિંહ સંધૂ 11,317 મતોની મજબૂત લીડ સાથે જીતી ગયા છે. 28,852 મત મેળવીને શિરોમણી અકાલી દળના ઉમેદવાર સુખવિંદર કૌર બીજા સ્થાને છે. જ્યારે, ખાલિસ્તાન સમર્થક સાંસદ અમૃતપાલ સિંહના સમર્થનવાળા ઉમેદવાર ત્રીજા ક્રમે છે અને કોંગ્રેસના ઉમેદવાર ચોથા ક્રમે છે.
રાજસ્થાનની અંતા બેઠક પર કોંગ્રેસની શાનદાર જીત
રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે દમદાર જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાને 69,462 મત મળ્યા છે. જ્યારે ભાજપના મોરપાલ સુમન બીજા ક્રમે રહ્યા, તેમને 53,868 મત મળ્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે લડેલા નરેશ મીણાને 53,740 મત મળ્યા છે.
ભાજપે અંતાની સાથે સાથે મિઝોરમમાં પણ હારનો સામનો કર્યો છે. આ ઉપરાંત, ઝારખંડની ઘાટશિલા બેઠક પર પણ પાર્ટી હજી પાછળ ચાલી રહી છે.
નગરૌટામાં ભાજપની જીત
જમ્મુ-કાશ્મીરના નગરૌટામાં ભાજપનો વિજય થયો છે. 24647 વોટથી દેવ્યાની રાણાની ભવ્ય જીત થઈ છે. મિઝોરમની દમ્પા બેઠક પર MNFના આર. લાલથાંગલિયાનાની જીત થઈ છે. ઝારખંડની ઘાટશિલા બેઠક પરથી ઝારખંડ મુક્તિ મોરચાના સોમેશ ચંદ્ર સોરેન અને ઓડિશાની નુઆપાડા બેઠક પરથી ભાજપના જય ધોળકિયાનો વિજય થયો છે.








