મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વધુ ગુણ મેળવનાર અનામત ઉમેદવાર 'જનરલ' ગણાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાને માન્ય રાખત

વધુ ગુણ મેળવનાર અનામત ઉમેદવાર 'જનરલ' ગણાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું છે કે, અનામત વર્ગના જે ઉમેદવારો જનરલ(ઓપન) કેટેગરીના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તેમને શોર્ટલિસ્ટિંગના તબક્કે જ જનરલ કેટેગરીમાં ગણવા જોઈએ. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. 

મેરિટ છતાં અન્યાય: વધુ માર્કસ લાવવા છતાં ટાઈપિંગ ટેસ્ટમાંથી બહાર

આ વિવાદ 2022માં રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આયોજિત જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ-IIની 2756 જગ્યાઓની ભરતી પ્રક્રિયાથી શરૂ થયો હતો. લેખિત પરીક્ષા બાદ એવું જોવા મળ્યું હતું કે SC, OBC, MBC અને EWS જેવી ઘણી અનામત કેટેગરીનું કટ-ઓફ જનરલ કેટેગરી કરતા પણ ઊંચું ગયું હતું, જેના કારણે વધુ માર્કસ લાવનારા અનામત વર્ગના ઉમેદવારોને ટાઈપિંગ ટેસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નહોતા.

વધુ ગુણ મેળવનાર અનામત ઉમેદવાર હવે 'જનરલ' ગણાશે

અદાલતે આ મામલે ભારપૂર્વક જણાવ્યું કે 'ઓપન કેટેગરી' એ કોઈ ખાસ વર્ગ માટે અનામત રાખવામાં આવેલો ક્વોટા નથી, પરંતુ તે સંપૂર્ણપણે યોગ્યતા(Merit) પર આધારિત છે. જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર કોઈપણ વધારાની છૂટછાટ લીધા વગર જનરલ કેટેગરીના ઉમેદવાર કરતા વધુ માર્કસ મેળવે છે, તો તે ઓપન પોસ્ટ માટે સ્પર્ધા કરવા પાત્ર બને છે. 

ભરતી પ્રક્રિયા માટે કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એ ચુકાદા સાથે સહમતી દર્શાવી કે ભરતી કરનાર સંસ્થાએ પહેલા મેરિટના આધારે જનરલ લિસ્ટ તૈયાર કરવું જોઈએ અને ત્યારબાદ જ અનામત વર્ગની યાદી બનાવવી જોઈએ. અદાલતે કહ્યું કે માત્ર ફોર્મમાં પોતાની કેટેગરી દર્શાવવાથી ઉમેદવાર ઓપન કેટેગરીમાં નોકરી મેળવવાનો હક ગુમાવતો નથી.

'ડોક્ટ્રિન ઓફ એસ્ટોપેલ'ના સિદ્ધાંત પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

જસ્ટિસ દીપાંકર દત્તાએ ચુકાદામાં કહ્યું કે 'ડોક્ટ્રિન ઓફ એસ્ટોપેલ' (એટલે કે પ્રક્રિયા સ્વીકાર્યા પછી તેને પડકારી ન શકાય તેવો સિદ્ધાંત) અહીં લાગુ પડતો નથી, કારણ કે ભરતી પ્રક્રિયામાં જ ગેરકાયદેસરતા હતી. ઉમેદવારો એવી અપેક્ષા ન રાખી શકે કે જનરલ કેટેગરી કરતા વધુ માર્કસ લાવવા છતાં તેમને અન્યાય થશે.'

યોગ્યતાના આધારે ઓપન કેટેગરીમાં નિમણૂક મેળવવાનો હક

કોર્ટે 'ઈન્દ્ર સાહની' અને 'આર.કે. સભરવાલ' કેસના જૂના ચુકાદાઓને ટાંકીને કહ્યું કે જે ઉમેદવાર મેરિટમાં આગળ છે, તેને તેની જ્ઞાતિ કે સમુદાયના આધારે સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'ઓપન' એટલે 'ઓપન', જેમાં કોઈપણ જાતિ, જ્ઞાતિ કે લિંગના ભેદભાવ વગર દરેક યોગ્ય ઉમેદવારને સ્થાન મળવું જોઈએ. જો કોઈ ઉમેદવાર ટાઈપિંગ ટેસ્ટ જેવા બીજા તબક્કે પણ શ્રેષ્ઠતા જાળવી રાખે, તો તેની અનામત કેટેગરીને બદલે ઓપન કેટેગરીમાં જ નિમણૂક મળવી જોઈએ.

આ સમાચાર શેર કરો