કોંગ્રેસે વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યા, પ્રથમ વખત લડશે લોકસભા ચૂંટણી
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખની સાથે બે લોકસભા બેઠક અને 48 વિધાનસભા

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખની સાથે બે લોકસભા બેઠક અને 48 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ પણ આજે જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસે વાયનાડ બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે.
કોંગ્રેસે પેટાચૂંટણી માટે 3 ઉમેદવારોનું કર્યું એલાન
કોંગ્રેસે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસે આ એલાન ચૂંટણી પંચના વાયનાડ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત બાદ કરાયું છે. પાર્ટીએ વાયડનાડ સિવાય કેરળની બે વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોનું એલાન કર્યું છે. જેમાં પાલાક્કડ વિધાનસભા બેઠક પરથી રાહુલ મામકુતથિલ અને ચેલક્કારા બેઠક પરથી રામ્યા હરિદાસના નામ પર મહોર લગાવી છે.
વાયનાડમાં 13 નવેમ્બરે મતદાન
કેરળના વાયનાડમાં 13 નવેમ્બરે અને મહારાષ્ટ્રના નાંદેડમાં 20 નવેમ્બરે લોકસભા બેઠકો માટે મતદાન થશે. જ્યારે 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામો 23 નવેમ્બરે આવશે.
આ કારણે રાહુલ ગાંધીને છોડવી પડી હતી વાયનાડ બેઠક
2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. બંને બેઠકો પર રાહુલ ગાંધીનો વિજય થયો હતો. જોકે, બંધારણ હેઠળ કોઈ વ્યક્તિ એકસાથે સંસદનાં બંને ગૃહો અથવા સંસદ અને રાજ્ય વિધાનસભાનો સભ્ય ન હોઈ શકે તેમજ તે એક ગૃહમાં એક કરતાં વધુ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. પરિણામે રાહુલ ગાંધી કઈ બેઠક છોડવી તે અંગે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે, આખરે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો. રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું પસંદ કર્યું હતું.








