RSSને કચડવાના અનેક પ્રયાસો થયા, આજે 100 વર્ષે દેશ સેવામાં અડિખમઃ PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરે વિજયાદશમી - RSSની સ્થાપના દિવસ સમારોહ ઉત્સવમાં હાજર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરે વિજયાદશમી - RSSની સ્થાપના દિવસ સમારોહ ઉત્સવમાં હાજરી આપી હતી. નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે RSSના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતા PM મોદીએ ખાસ ડિઝાઇન કરાયેલ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો હતો.ડો. હેડગેવારની સ્વતંત્રતા ચળવળની સક્રિય ભાગીદારી વિશે પણ વાત કરી હતી. સંઘની 100 વર્ષની સેવાકિય પ્રવૃત્તિઓને યાદ કરી સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો.
હું સંઘના સ્થાપક હેડગેવારજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું
પીએમ મોદીએ કહ્યું કે, સો વર્ષ પહેલાં આવા ભવ્ય પ્રસંગે સંઘ (RSS)ની સ્થાપના કોઈ સંયોગ નહોતો. તે હજારો વર્ષ જૂની પરંપરાનું પુનરુત્થાન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે તે યુગના પડકારોનો સામનો કરવા માટે નવા અવતારોમાં પ્રગટ થાય છે. તેમણે કહ્યું કે સંઘ તેનો પુણ્ય અવતાર છે. આપણી પેઢીના સ્વયંસેવકોનું સૌભાગ્ય છે કે, આપણે સંઘના શતાબ્દી વર્ષ જેવા મહાન પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું, "આજે આ પ્રસંગે હું સંઘના સ્વયંસેવકોને મારી શુભકામનાઓ પાઠવું છું. હું સંઘના સ્થાપક હેડગેવારજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
RSSને મુખ્ય પ્રવાહમાં પ્રવેશતા અટકાવવા માટે અસંખ્ય કાવતરાઓ રચાયા
પીએમ મોદીએ કહ્યું કે, સ્વતંત્રતા ચળવળમાં ડૉ. હેડગેવારની સક્રિય ભાગીદારીથી લઈને હૈદરાબાદના નિઝામ અને દાદરા નગર હવેલી સુધી RSSનું મોટું યોગદાન રહ્યું છે. આટલા યોગદાન બાદ પણ RSSને કચડવાના પ્રયાસો થયા. RSSને મુખ્ય પ્રવાહમાં પ્રવેશતા અટકાવવા માટે અસંખ્ય કાવતરાઓ રચવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગુરુજી જેલમાંથી બહાર આવ્યા, ત્યારે તેમણે ખૂબ જ સહજતાથી કહ્યું, "ક્યારેક જીભ દાંત વચ્ચે ફસાઈ જાય છે, પરંતુ આપણે દાંત તોડતા નથી. જીભ આપણી છે, અને દાંત પણ આપણા છે.
RSS સ્વયંસેવક વિજય કુમાર મલ્હોત્રાને શ્રદ્ધાંજલિ આપી
PM મોદીએ પ્રવચનમાં ભૂતપૂર્વ RSS સ્વયંસેવક વિજય કુમાર મલ્હોત્રાને શ્રદ્ધાંજલિ આપવા સાથે રાષ્ટ્રને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી. RSSની શતાબ્દીને ગર્વની ક્ષણ ગણાવતા જણાવ્યું કે, આજે બહાર પાડવામાં આવેલા સિક્કામાં પહેલી વાર ભારત માતાની છબી છે. RSSનું સૂત્ર પણ તેના પર લખાયેલ છે. RSS સ્વયંસેવકોએ 1963માં 26 જાન્યુઆરીની પરેડમાં ભાગ લીધો હતો. દેશભક્તિની ધૂન પર ગર્વથી કૂચ કરી હતી. જે આ સ્ટેમ્પમાં પ્રતિબિંબિત થાય છે. PM મોદીએ કહ્યું કે, આ સ્ટેમ્પ રાષ્ટ્રનિર્માણ માટે RSS સ્વયંસેવકોના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ માટે દેશવાસીઓને અભિનંદન પણ આપ્યા.
RSS ની સ્થાપના સમયે પડકારો અલગ હતા
PM મોદીએ અસ્પૃશ્યતા અને ઉંચ-નીચની ભાવનાને સમાજ માટે એક મુખ્ય રોગ ગણાવ્યો અને RSS દ્વારા સમરસતા માટે ઉઠાવેલા કદમો વિશે જણાવ્યું. RSS સો વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણે સદીઓથી ચાલી આવતી રાજકીય ગુલામીમાંથી મુક્ત થવાનું હતું. આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે. PM મોદીએ કહ્યું કે આજે સો વર્ષ પછી જ્યારે ભારત ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે, ત્યારે દેશનો એક મોટો વર્ગ ગરીબી પર કાબુ મેળવીને આગળ આવી રહ્યો છે.
ગુજરાતના ભૂકંપ વખતે પણ સંઘે સેના સાથે ખભેખભા મિલાવ્યા
સમાજના અનેક વિરોધોને સહન કરીને પણ સંઘ વિરાટ વૃક્ષની જેમ અડિખમ ઉભો છે. આપણે દેશને જ દેવ માન્યો છે. અને દેહને દીપક બનાવી જલતા શીખવ્યું છે. શરૂઆતથી જ સંઘ રાષ્ટ્રભક્તિનો પર્યાય રહ્યો છે. જ્યારે દેશ વિભાજન થયું ત્યારે પણ સંઘ લાખો બેઘર લોકો માટે સેવામાં સમર્પિત રહ્યો. ગુજરાતના ભૂકંપ વખતે પણ સંઘે સેના સાથે ખભેખભા મિલાવી સેવામાં જોડાઈ પુનરુત્થાનમાં મદદરૂપ બન્યો.
RSS એ આદિવાસી પરંપરાઓને સાચવવામાં મોટું યોગદાન આપ્યું
PM મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડ આપત્તિ હોય કે અન્ય કોઈ પડકારો, RSS સ્વયંસેવકો દરેક મુશ્કેલ સમયમાં આજે પણ મોખરે હોય છે. RSS એ અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમની સંસ્કૃતિ, ભાષા અને કલાને સાચવવાનું કામ કર્યું છે. RSS એ દાયકાઓથી આદિવાસી પરંપરાઓ અને રિવાજોને સાચવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. લાખો RSS સ્વયંસેવકોને અભિનંદન પાઠવું છું જેઓ આજે પણ આદિવાસીઓના જીવનને સુધારવામાં રોકાયેલા છે.
સંઘે સમાજના દરેક પાસાને સ્પર્શ કર્યો
પીએમ મોદીએ કહ્યું કે, સંઘે સમાજના દરેક પાસાને સ્પર્શ કર્યો છે. RSSના સ્વયંસેવકો સમાજને સમૃદ્ધ બનાવવામાં રોકાયેલા છે. સંઘે રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિગત વિકાસનો માર્ગ પસંદ કર્યો. આ માટે શાખાઓ શરૂ કરવામાં આવી. સંઘના સ્વયંસેવકો સમાજને સમૃદ્ધ બનાવવામાં રોકાયેલા છે. આ સતત તપસ્યાનું પરિણામ છે, આ રાષ્ટ્રીય પ્રવાહ મજબૂત છે. સંઘના સ્વયંસેવકો આદિવાસી કલ્યાણથી લઈને અન્ય ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. પ્રવાહો વિકસ્યા છે, પરંતુ કોઈ વિરોધાભાસ નથી. વિચાર એક જ છે: રાષ્ટ્ર નિર્માણ.
RSSની શાખાઓ વ્યક્તિગત વિકાસની વેદી
પીએમ મોદીએ કહ્યું કે, RSSની શાખાઓ વ્યક્તિગત વિકાસની વેદી છે. આ શાખાઓમાં બલિદાન ખીલતું રહે છે. અહંકારથી સ્વ સુધીની યાત્રા શાખાઓમાં પૂર્ણ થાય છે. શાખાની જેમ સરળ જીવનશૈલી પણ સંઘની સો વર્ષની યાત્રાનો પાયો રહી છે. સમર્પણ, સેવા અને રાષ્ટ્રનિર્માણના પ્રયાસ દ્વારા, સંઘે પોતાના માર્ગમાં આવેલા દરેક પડકારનો સામનો કર્યો છે.








