PM MODI મણિપુર, મિઝોરમ સહિત 5 રાજ્યોની લેશે મુલાકાત, 3 દિવસીય પ્રવાસની સત્તાવાર પુષ્ટિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે. છેલ્લા ઘણા દિવસથી તેમના પ્રવાસને લઈને અટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે. છેલ્લા ઘણા દિવસથી તેમના પ્રવાસને લઈને અટકળો ચાલી રહી હતી. જે બાદ હવે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મણિપુરના મુખ્ય સચિવે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની મણિપુર મુલાકાતથી શાંતિ અને વિકાસનો માર્ગ મોકળો બનશે.
હિંસા બાદ વડાપ્રધાનનો પ્રથમ મણિપુર પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગ્યે મિઝોરમના પાટનગર આઇઝોલથી મણિપુરના ચુરાચાંદપુર પહોંચશે. અહીં તેઓ વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે અને ઈન્ફ્રા પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરશે. નોંધનીય છે કે માર્ચ 2023થી મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભયાનક હિંસા ભડકી, જેમાં અનેક લોકોના મોત પણ થયા હતા. આ હિંસા બાદથી આ વડાપ્રધાન મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ હશે.
મણિપુરમાં વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડથી 7300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાની આધારશિલા મૂકશે, જ્યાં કુકી બહુસંખ્યક રહે છે. વડાપ્રધાન મોદી મેઇતૈ વસ્તી ધરાવતા ઇમ્ફાલથી 1200 કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
મણિપુરમાં મોદીના આ કાર્યક્રમના હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ ઇમ્ફાલથી એક પ્રમુખ સ્થાન, કેશમપટ જંક્શન પર લગાવવામાં આવ્યું છે, જે ભાજપ મુખ્યાલયની નજીક છે. રાજ્યમાં આવા બીજા પણ હોર્ડિંગ લગાવવામાં આવે તેવી આશંકા છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના રાજીનામા બાદ ફેબ્રુઆરીથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.








