મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીના 'દાદા'નું નિધન, 2 તસવીર શેર કરતા લખી ભાવુક પોસ્ટ

વારાણસી દક્ષિણના સાત વખત ધારાસભ્ય રહી ચુકેલા ભાજપના નેતા શ્યામદેવ રાય ચૌધરી (85)નું નિધન થયું છે.

PM મોદીના 'દાદા'નું નિધન, 2 તસવીર શેર કરતા લખી ભાવુક પોસ્ટ

વારાણસી દક્ષિણના સાત વખત ધારાસભ્ય રહી ચુકેલા ભાજપના નેતા શ્યામદેવ રાય ચૌધરી (85)નું નિધન થયું છે.  દાદાના નામથી જાણીતા ચૌધરી કેટલાક દિવસથી ઉંમર સંબંધી સમસ્યાથી પીડિત હતા. વડાપ્રધાન મોદીએ પણ એક ભાવુક પોસ્ટ લખીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

PM મોદી-યોગી સતત હેલ્થ અંગે લેતા હતા અપડેટ

ગત મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ખબર અંતર પૂછ્યા હતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પોતાના વારાણસી પ્રવાસ દરમિયાન ચૌધરીને જોવા માટે હોસ્પિટલ ગયા હતા. ભાજપ મહાનગર અધ્યક્ષ વિદ્યાસાગર રાયે જણાવ્યું કે શ્યામદેવ રાય ચૌધરીને બ્રેન હેમરેજને કારણે સારવાર માટે મહમૂરગંજ સ્થિત એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

ભાજપ મહાનગરના અધ્યક્ષે કહ્યું કે, દાદાના નિધનથી થયેલા નુકસાનની ભરપાઇ થઇ શકે તેમ નથી. દાદા જનતામાં પોતાના સરળ સ્વભાવને કારણે લોકપ્રિય હતા અને તેમના નિધનથી કાશીએ એક લોકપ્રિય નેતાને ગુમાવી દીધો છે. શ્યામદેવ રાય ચૌધરી 1989થી 2017 સુધી સતત વારાણસી દક્ષિણથી સાત વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. ભાજપ સરકારમાં મંત્રી રહી ચુકેલા શ્યામદેવ રાય 2007 અને 2012માં પ્રોટેમ સ્પીકર પણ રહ્યાં હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું નામ ફાઇનલ! આ નેતા ડેપ્યુટી CMનું પદ સ્વીકારવા નથી તૈયાર

'અમે તેમને દાદા કહેતા હતા'-PM મોદી

પૂર્વ ધારાસભ્યના નિધન પર PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, 'જનસેવામાં જીવનભર સમર્પિત રહેલા ભાજપના સીનિયર નેતા શ્યામદેવ રાય ચૌધરીજીના નિધનથી અત્યંત દુ:ખ થયું છે. સ્નેહભાવથી અમે તેમને 'દાદા' કહેતા હતા, તેમને માત્ર સંગઠનને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન જ નથી આપ્યું  પણ કાશીના વિકાસ માટે પણ તેમણે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું છે.'

PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર તેમની સાથે તસવીરો શેર કરતા લખ્યું, 'તેમનું નિધન કાશીની સાથે સાથે સમગ્ર રાજનૈતિક જગત માટે અપુરતી ખોટ છે. શોકના આ સમયમાં ભગવાન તેમના પરિવાર અને સમર્થકોને શક્તિ આપે.ઓમ શાંતિ!'

આ સમાચાર શેર કરો