મેરઠમાં બહુચર્ચિત બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં કોર્ટનો મોટો ચુકાદો, પ્રેમી પંખીડાને મૃત્યુદંડની સજા

ઉત્તર પ્રદેશના મેરઠમાં ચર્ચિત બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ સૌરભ રાજપૂતની હત્યાના કેસમાં દોષિત મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ચુકાદા સમયે બંને દોષિતોને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અદાલત સાથે જોડવામાં આવ્યા હતા. જ્યારે સૌરભની માતા રેણુ રાજપૂત અને તેનો ભાઈ કોર્ટરૂમમાં હાજર રહ્યાં હતાં.
સજા પહેલાં બંનેને પોતાની વાત રજૂ કરવાની તક
સજા અંગેની સુનાવણી દરમિયાન અદાલતે મુસ્કાન અને સાહિલને અલગ-અલગ પૂછ્યું હતું કે તેઓ સજા અંગે કંઈ કહેવા માગે છે કે નહીં. જોકે, બંનેએ પોતાની તરફથી કોઈ રજૂઆત કરી નહોતી. સરકારી પક્ષે આ ગુનાને અત્યંત ગંભીર ગણાવીને મૃત્યુદંડની માગ કરી હતી. બચાવ પક્ષે બંનેને ઓછી સજા આપવા અપીલ કરી હતી. સરકારી પક્ષે દલીલ કરી હતી કે હત્યા પૂર્વઆયોજિત હતી અને ગુનાને ધ્યાનમાં રાખીને આ કેસને ‘રેરસ્ટ ઑફ રેર’ એટલે કે અત્યંત ગંભીર ગુનાની શ્રેણીમાં ગણવો જોઈએ. બીજી તરફ, બચાવ પક્ષે ઓછામાં ઓછી સજા આપવા વિનંતી કરી હતી.
સૌરભની હત્યા બાદ વાદળી ડ્રમમાં છુપાવ્યો હતો મૃતદેહ
આ કેસ 4 માર્ચ, 2025ના રોજ થયેલી સૌરભ રાજપૂતની હત્યા સાથે જોડાયેલો છે. આરોપ મુજબ, મુસ્કાન અને સાહિલે સૌરભની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ટુકડા કર્યા હતા અને અવશેષોને સિમેન્ટ ભરેલા વાદળી ડ્રમમાં છુપાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી હતી. તપાસ દરમિયાન પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેસની સુનાવણીમાં સરકારી પક્ષે પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા.
મુસ્કાનનાં માતા-પિતાએ પણ લેખિત રજૂઆત કરી
ચુકાદા પહેલાં મુસ્કાનનાં માતા-પિતાએ અદાલતમાં લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે તેમની દીકરીને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેમને વાંધો નથી. તેમણે સૌરભને સારો યુવક ગણાવ્યો હતો. બીજી તરફ, સૌરભની માતા રેણુ રાજપૂતે ચુકાદા પહેલાં ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી અને બંને દોષિતોને ફાંસી આપવાની માગ કરી હતી. સજા જાહેર થયા બાદ કોર્ટરૂમમાં ‘ભારત માતા કી જય’ના નારા પણ લાગ્યા હતા. આ ચુકાદા સાથે દેશભરમાં ચર્ચામાં રહેલા મેરઠના બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં સજાના તબક્કાનો મહત્ત્વનો નિર્ણય આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કે 3-4 માર્ચ 2025ના રોજ સૌરભ ભારદ્વાજની હત્યા કરવામાં આવી હતી. સૌરભ મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા અને પછી વિદેશમાં કામ કરવા ગયા હતા. અહીં ભારતમાં તેમની પત્ની મુસ્કાનને સાહિલ નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ સૌરભને રસ્તામાંથી હટાવવાનું પ્લાનિંગ કરી લીધું. સૌરભ જ્યારે ભારત આવ્યા ત્યારે થોડા દિવસ પોતાના પરિવાર સાથે રહ્યા. બાદમાં સાહિલ અને મુસ્કાને ઊંઘની દવા ખવડાવીને સૌરભની હત્યા કરી દીધી અને થોડા દિવસ પછી સૌરભનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળ્યો
સૌરભ રાજપૂત હત્યાકેસની ટાઈમલાઈન
સૌરભ રાજપૂતના મર્ડરને ફેબ્રુઆરીથી માર્ચ 2025 વચ્ચે અંજામ આપવામાં આવ્યો હતો. સૌરભ અને મુસ્કાનના લવ મેરેજ થયા હતા. બંનેને એક પુત્રી હતી.
24 ફેબ્રુઆરી: સૌરભ રાજપૂત લંડનથી મેરઠ સ્થિત પોતાના ઘરે પાછા આવ્યા
25 ફેબ્રુઆરી: ઘરમાં જ પત્ની મુસ્કાનનું બર્થડે સેલિબ્રેશન થયું
28 ફેબ્રુઆરી: પુત્રી પીહૂનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો
3 માર્ચ: મુસ્કાને સૌરભને ઊંઘની દવા આપી. સાહિલને બોલાવીને સૌરભની હત્યાને અંજામ આપવામાં આવ્યો
4 માર્ચ: મુસ્કાને પોતાની પુત્રીને પોતાના પિયરે મૂકી દીધી અને પ્રેમી સાહિલ સાથે શિમલા જતી રહી
17 માર્ચ: શિમલાથી પાછા આવીને મુસ્કાન પોતાના પિયરે ગઈ અને પરિવારજનોને સૌરભ વિશે જણાવ્યું
18 માર્ચ: પોલીસ સૌરભના ઘરે પહોંચી. ત્યાંથી વાદળી ડ્રમ કબજે કર્યો જેમાં સૌરભનો મૃતદેહ હતો
18 માર્ચ: સાહિલ અને મુસ્કાનની પોલીસે ધરપકડ કરી લીધી







