"CBI નહીં, અમારી CID જ કાફી છે!" સ્ટિંગ ઓપરેશન મામલે કુમારસ્વામીની માંગ પર પ્રિયંક ખડગેનો મોટો પલટવાર

કર્ણાટકમાં કથિત સ્ટિંગ ઓપરેશન મામલે કેન્દ્રીય મંત્રી અને જેડી(એસ) નેતા એચ.ડી. કુમારસ્વામી દ્વારા કરવામાં આવેલી સીબીઆઈ (CBI) તપાસની માંગને કર્ણાટક સરકારે સ્પષ્ટપણે ફગાવી દીધી છે. કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગેએ આ માંગ પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ કેસ CBIને સોંપવાનું કોઈ નક્કર કારણ જ નથી.
બેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીતમાં પ્રિયંક ખડગેએ જણાવ્યું કે, "આ મામલો સીબીઆઈને સોંપવા માટેનું કોઈ કારણ કે આધાર નથી. અમારી સીઆઈડી (CID) કોઈપણ સ્તરની તપાસ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. વાસ્તવમાં સીબીઆઈએ પોતે જ અમને વિનંતી કરી છે કે જો રાજ્ય સરકાર તેમને કેસ સોંપવા માંગતી હોય, તો સાથે તપાસ માટે કર્મચારીઓ પણ પૂરા પાડવા પડશે. આવી સ્થિતિમાં જ્યારે અમારી પોતાની એજન્સી તપાસ કરી રહી છે, ત્યારે સીબીઆઈની શી જરૂર છે?"
કુમારસ્વામી પર સીધો નિશાન સાધતા તેમણે વધુમાં ચેતવણીભર્યા સ્વરે કહ્યું કે, "જે વ્યક્તિ ચોક્કસ લોકો દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની બૂમો પાડીને ફરે છે, તે જ વ્યક્તિ ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાઈ જશે."
પ્રિયંક ખડગેના આ નિવેદન બાદ કર્ણાટકના રાજકારણમાં કથિત સ્ટિંગ ઓપરેશન અને તેની તપાસ એજન્સીને લઈને શાસક કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે.






