મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2030માં અફરાતફરી: જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ સઘન તપાસ શરૂ!

ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2030માં અફરાતફરી: જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ સઘન તપાસ શરૂ!

ફ્રેન્કફર્ટથી નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સુરક્ષા સંબંધિત ખતરો જણાતાં તેને તાત્કાલિક જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, વિમાન જયપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.

એર ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, 14 ઓક્ટોબરના રોજ ફ્રેન્કફર્ટથી દિલ્હી માટે સંચાલિત ફ્લાઇટ AI2030 ને સંભવિત સુરક્ષા ચિંતાના કારણે સુરક્ષા પ્રોટોકોલ હેઠળ જયપુર ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રોટોકોલ મુજબ, તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને સમગ્ર વિમાન, ક્રૂ મેમ્બર્સ તેમજ મુસાફરોનું સંપૂર્ણ સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાન અને ક્રૂને ક્લિયરન્સ મળ્યા બાદ મુસાફરોને ફરીથી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે તેમની ટીમે સંબંધિત સત્તાવાળાઓ સાથે મળીને સક્રિયપણે કામ કર્યું હતું. અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને પડેલી અસુવિધા બદલ એરલાઇન્સે ખેદ વ્યક્ત કર્યો છે અને યાત્રીઓની ધીરજ અને સહકારની પ્રશંસા કરી છે. સાથે જ પુનરોચ્ચાર કર્યો હતો કે મુસાફરો અને ક્રૂની સલામતી એ કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ સમાચાર શેર કરો