"જેલમાં જવું પડે તો જઈશ, પણ તિરંગો લહેરાવીને જ રહીશ!" સીજેપી સંસ્થાપક અભિજીત દીપકેનું કેન્દ્ર સરકારને મોટું એલાન!

જંતર-મંતર પર તિરંગો લહેરાવવાના વિવાદમાં સાથીઓની ધરપકડ બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેએ એક વિડીયો સંદેશ જાહેર કરીને આગામી 16 ઓક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસમાં તિરંગો લહેરાવવાનું ખુલ્લું એલાન કર્યું છે. આ સાથે જ તેમણે દેશભરના નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા અથવા પોતાના વિસ્તારોમાં તિરંગા માર્ચ યોજવા માટે આહ્વાન કર્યું છે.
અભિજીત દીપકેએ વીડિયોમાં જણાવ્યું હતું કે, "તમને સૌને ખ્યાલ છે કે માત્ર તિરંગો લહેરાવવા બદલ સૌરભ અને આશુને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હું દેશના તમામ દેશભક્તો અને તિરંગાને પ્રેમ કરતા લોકોને અપીલ કરું છું કે 16 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં તિરંગો લઈને પહોંચે. આપણે ત્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવીશું અને બતાવી આપીશું કે તિરંગો લહેરાવવો એ કોઈ ગુનો નથી." જે લોકો દિલ્હી પહોંચી શકે તેમ નથી તેમને તેમણે પોતપોતાના શહેરોમાં સાંજે તિરંગા માર્ચ કાઢીને વિરોધ નોંધાવવા જણાવ્યું છે. જેલ જવાના ડર અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, "કદાચ આ પછી મને પણ જેલમાં પૂરી દેવામાં આવે, પરંતુ મને તેની કોઈ ચિંતા નથી. તિરંગો અમારું ગૌરવ છે અને હું તેને લહેરાવીને જ રહીશ."
શું હતો સમગ્ર મામલો?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગત 13 ઓક્ટોબરના રોજ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે સહિત CJPના 14 સભ્યો જંતર-મંતર પહોંચ્યા હતા. જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે તાજેતરમાં જ ડી-નોટિફાઇ કરવામાં આવ્યું હોવા છતાં આ લોકો એક ખાનગી પરિસર મારફતે અંદર ઘૂસ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં ઝપાઝપી થઈ હતી અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ તમામ 14 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ મામલે દિલ્હી પોલીસે કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ બે અલગ-અલગ FIR નોંધી છે. ધરપકડ કરાયેલા અગ્રણી નેતાઓને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા છે, જેના વિરોધમાં હવે CJP દ્વારા 16 ઓક્ટોબરે કનોટ પ્લેસમાં મોટું શક્તિપ્રદર્શન કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.








