મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"અમિત શાહજી, સરખી રીતે જોઈ લો... કોઈ બચશે નહીં!" રાહુલ ગાંધીની દિલ્હીથી પીએમ મોદી અને ગૃહમંત્રીને સીધી ચેતવણી!

દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર અત્યંત આકરા પ્રહારો કર્યા છે. આ સાથે જ તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરનારા પોલીસકર્મીઓ અને સત્તાધીશો સામે પુરાવા એકત્ર કરી કડક કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી આપી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન એકઠા થયેલા લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "મેં મારી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું તેમ, આ સાચો ભારત દેશ છે. અમિત શાહજી, તમે આ ભીડને સરખી રીતે જોઈ લો. અહીં કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી કે કોઈ ચોક્કસ જ્ઞાતિ નથી; અહીં કોઈ માત્ર સ્ત્રી કે પુરુષ નથી. આ એક સંયુક્ત અવાજ છે, એક જ આંદોલન છે. આ સમગ્ર ભારતનો અવાજ છે અને તમે આ અવાજની વિરુદ્ધ ઊભા છો—દેશના વડાપ્રધાન પણ આ અવાજની સામે ઊભા છે. મારી તમને સલાહ છે કે આ અવાજ સામે ઊભા ન રહો, કારણ કે આ અવાજ સામે કોઈ ટકી શકશે નહીં."

પોલીસ કાર્યવાહી અને વિદ્યાર્થીઓ સામેના પગલાં અંગે બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "હું પોલીસકર્મીઓને સ્પષ્ટ કહી દઉં છું, મેં તમામ વિદ્યાર્થીઓને દરેક ઘટનાનો વીડિયો રેકોર્ડ રાખવા અને તે તમામ પુરાવા અમને મોકલવા કહ્યું છે. જ્યારે આ સમગ્ર મામલો આગળ વધશે અને પૂર્ણ થશે, ત્યારે અમે તે તમામ પુરાવાઓનો ઉપયોગ કરીશું. જે કોઈ સજાને પાત્ર હશે તેને સજા અપાવીને જ જંપીશું—પછી ભલે તે પીએમ નરેન્દ્ર મોદી હોય, જ્ઞાનેશ કુમાર હોય, અમિત શાહ હોય કે પછી અમારા બાળકો પર હાથ ઉપાડનાર સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ જ કેમ ન હોય."

રાહુલ ગાંધીના આ આક્રમક તેવર અને સીધા આક્ષેપો બાદ રાજધાની દિલ્હીમાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે રાજકીય ઘર્ષણ ચરમસીમાએ પહોંચી ગયું છે.

આ સમાચાર શેર કરો