અમરોહામાં પીએમ મોદીને અચાનક આવી ગઈ શમીની યાદ, વર્લ્ડકપનો કર્યો ઉલ્લેખ
લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષો મતદાનના બાકીના તબક્કા માટે પ્રચારમાં

લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષો મતદાનના બાકીના તબક્કા માટે પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના અમરોહામાં પીએમ મોદીએ એક વિશાળ જનસભાને સંબોધી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, 'અમરોહા માત્ર ઢોલક જ નહીં, દેશમાં ડંકો વગાડે છે. ક્રિકેટ વર્લ્ડ કપમાં મોહમ્મદ શામીએ જે કમાલ કરી તેને આખી દુનિયાએ જોયું છે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેન્દ્ર સરકારે શામીને અર્જુન એવોર્ડથી નવાજ્યો છે. યોગીજીની સરકાર અહીં યુવાનો માટે સ્ટેડિયમ પણ બનાવી રહી છે. અહીંના મિત્રોને પણ ભાજપ સરકારની પીએમ વિશ્વકર્મા યોજના અને મુદ્રા યોજનાનો લાભ મળી રહ્યો છે.
અમરોહામાં પીએમ મોદીએ કહ્યું કે, 'મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં જે કંઈ થયું તે માત્ર ટ્રેલર છે. અત્યારે આપણે યુપી અને દેશને ઘણો આગળ લઈ જવાનો છે. ખેડૂતોને યુરિયાની જરૂરિયાત પડે છે. આની એક થેલી અમેરિકામાં 3,000 રૂપિયામાં મળે છે. પરંતુ ભારતમાં અમે ખેડૂતોને 300 રૂપિયાથી ઓછા ભાવે યુરિયાની થેલી આપીએ છીએ.
યોગી રાજને જોઈ લો
સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, 'જેમણે સપા, બસપા અને કોંગ્રેસની સરકારો જોઈ છે. તેઓ યોગી રાજને જોઈ લે. શેરડીની કિંમતમાં વધારો કર્યો. અમરોહાના શેરડીના ખેડૂતો ભૂલી શકતા નથી કે અગાઉ તેમને ચૂકવણી માટે હેરાન કરવામાં આવ્યા હતા. આજે શેરડીની વિક્રમી ખરીદી સાથે રાજ્યમાં રેકોર્ડ પેમેન્ટ પણ થઈ રહ્યું છે. સપા સરકાર દરમિયાન શેરડીના ખેડૂતોને માત્ર 500 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ યોગી સરકારમાં શેરડીના ખેડૂતોને દર વર્ષે 1.5 હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.
યોગી સરકારમાં બંધ સુગર મિલો ફરી શરૂ થઈ
પીએમ મોદીએ કહ્યું, 'એક સમય હતો જ્યારે યુપીમાં ખાંડની મિલો ઝડપથી બંધ થઈ રહી હતી. પરંતુ અમે માત્ર તેમને ફરી શરૂ જ નથી કરાવી પરંતુ હવે તેમનું ઉત્પાદન બમણું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેરીના પ્રોસેસિંગ માટે અહીં મેંગો પેક હાઉસ બનાવવામાં આવ્યું છે.
યુપીમાં ફરી 2 રાજકુમારોની જોડી મળી
પીએમ મોદીએ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધતા કહ્યું કે, 'યુપીમાં ફરી એકવાર બે રાજકુમારોની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ બંને રાજકુમારોની ફિલ્મ પહેલા જ રિજેક્ટ થઈ ચૂકી છે. દર વખતે આ લોકો ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનો ટોપલો લઈને યુપીના લોકો પાસેથી વોટ માંગવા નીકળ્યા છે.








