હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ વિશેષ છૂટછાટ
વૈશ્વિક સ્તરે ઈરાન-યુદ્ધને કારણે ઈંધણ સંકટ સર્જાયું છે, જેને ધ્યાનમાં રાખી

વૈશ્વિક સ્તરે ઈરાન-યુદ્ધને કારણે ઈંધણ સંકટ સર્જાયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. આજે (રવિવારે, 29 માર્ચ 2026)ના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે, દેશમાં કેરોસીનની અછતને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સિંગના નિયમોમાં તાત્કાલિક અસરથી છૂટછાટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે દેશમાં વૈકલ્પિક ઈંધણ તરીકે 48,000 કિલોલીટર વધારાનું કેરોસીન વહેંચ્યું છે. ત્યારે કેરોસીનને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી છે.
પેટ્રોલ પંપ પર કેરોસીન વેચાણ : આગામી 60 દિવસ સુધી પેટ્રોલ પંપ પર કેરોસીન વેચાણ કરવા માટે છૂટ અપાઈ છે. દરેક જિલ્લામાં 2 પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણની છૂટ અપાઈ છે.
ઝડપી વિતરણ : આ નવા સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરો સુધી કેરોસીનનું વિતરણ ઝડપથી અને સરળતાથી પહોંચાડવાનો છે.
21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો : સરકારના સત્તાવાર નોટિફિકેશન મુજબ, આ રાહત દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે.
ઉપયોગ : આ વ્યવસ્થા અંતર્ગત ઘરોમાં રસોઈ અને લાઇટિંગ (પ્રકાશ) માટે જરૂરી કેરોસીનનો પુરવઠો તાત્કાલિક ધોરણે (ad-hoc) ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારે આવું કેમ કર્યું?
વર્તમાન સમયમાં ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જીની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર ભારત જેવા દેશોના પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર પડી રહી છે. નાગરિકોને રાંધણ ગેસ કે અન્ય ઈંધણની અછત ન વર્તાય અને સામાન્ય લોકોની દૈનિક જરૂરિયાતો જળવાઈ રહે તે માટે સરકારે લાયસન્સિંગની જટિલ પ્રક્રિયાઓને હળવી કરીને કેરોસીનના વિતરણને વેગ આપવાનો આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.
સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધી માત્ર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એસકેઓ (સુપીરિયર કેરોસિન ઓઈલ) વહેંચણીના આદેશ જાહેર કર્યા છે. ત્યારે, હિમાચલ પ્રદેશ અને લદાખે સ્પષ્ટ કહી દીધું છે કે, ત્યાં કેરોસિનની કોઈ જરૂર નથી. કોઈ બીજા રાજ્ય હજુ આદેશ જાહેર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.








