બંગાળમાં પણ લાગુ થશે નવો વકફ કાયદો, મમતા સરકારનો યૂ-ટર્ન
કેન્દ્રના નવા વકફ સંશોધન અધિનિયમ 2025ને મહિનાઓ સુધી ટાળ્યા બાદ પશ્ચિમ બંગાળ સરકારે અંતે આ કાયદાનો સ્વીકાર કર

કેન્દ્રના નવા વકફ સંશોધન અધિનિયમ 2025ને મહિનાઓ સુધી ટાળ્યા બાદ પશ્ચિમ બંગાળ સરકારે અંતે આ કાયદાનો સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા અધિકારીઓને આદેસ આપ્યો છે કે રાજ્યની 82000 વકફ સંપત્તિઓની માહિતી નક્કી સમય સીમા 6 ડિસેમ્બર 2025 સુધી કેન્દ્રીય પોર્ટલ (Umeedminority.gov.in) પર અપલોડ કરવામાં આવે. આ જાણકારી રાજ્યના સીનિયર અધિકારીઓએ આપી છે.
સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્રએ રાજ્યોને છ ડિસેમ્બર સુધી તમામ અવિવાદિત વકફ સંપત્તિઓની જાણકારી અપલોડ કરવા કહ્યું છે જેને કારણે રાજ્ય તંત્રએ તરત જ ડેટા એન્ટ્રી પ્રક્રિયા શરૂ કરવા માટે પગલા ભરવાના શરૂ કર્યા છે.
બંગાળની મમતા સરકારનો યૂ-ટર્ન મહત્ત્વપૂર્ણ
આ નિર્ણય રાજકીય રીતે મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સાર્વજનિક રીતે જાહેરાત કરી હતી કે આ નવા કાયદાને પશ્ચિમ બંગાળમાં લાગુ થવા નહીં દે. એપ્રિલમાં જ્યારે આ બિલ સંસદમાં પાસ થયું ત્યારે બંગાળમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા.
9 એપ્રિલે જૈન સમાજના એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ કહ્યું હતું- હું વકફ સંશોધન બિલને બંગાળમાં લાગુ થવા નહીં દઉં. આ 33 ટકા મુસ્લિમોનું રાજ્ય છે, જે વર્ષોથી અહીં રહે છે અને તેમના રક્ષણની જવાબદારી મારી છે.
જોકે, તે બાદ કાયદાકીય લડાઇમાં પણ બંગાળ સરકારને રાહત મળી નહતી. કોર્ટમાં અરજી દાખલ કરવા છતા સરકારને અનુકૂળ ચુકાદો મળ્યો નહતો. અધિનિયમની કલમ 3B હેઠલ તમામ રજિસ્ટ્રેશન વકફ સંપત્તિઓની જાણકારી છ મહિનાની અંદર કેન્દ્રીય પોર્ટલ પર નાખવી જરૂરી છે.
જિલ્લા અધિકારીઓને બંગાળ સરકારનો આદેશ
બંગાળના લઘુમતિ વિકાસ વિભાગના સચિવ પી.બી.સલીમે જિલ્લા અધિકારીઓને મોકલેલા પત્રમાં આઠ પોઇન્ટ કાર્યવાહી કાર્યક્રમ જાહેર કર્યો છે જેની હેઠળ ઉમ્મીદ પોર્ટલ પર આપવામાં આવેલી સુવિધા અને પ્રક્રિયાને સમજવા અને ઇમામ અને મદ્રસાના શિક્ષકો સાથે બેઠક કરવાનું સામેલ છે.
અધિકારીઓએ જણાવ્યુ કે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલા પત્રમાં ચાર પ્રાથમિક આદેશ આપવામાં આવ્યા છે જેમાં ઇમામ, મુઅજ્જિન (મસ્જિદમાં પાંચ સમયની નમાજ માટે અઝાન કરનાર) અને મદ્રસા શિક્ષકો સાથે બેઠક બોલાવવા અને તેને અપલોડ કરવાની પ્રક્રિયા સમજાવવા કહેવામાં આવ્યું છે.
કાયદામાં મુખ્ય બદલાવ શું છે?
વકફ સુધારા અધિનિયમ 2025 માં કેટલીક મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં વકફ બોર્ડ અને વકફ ટ્રિબ્યુનલમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક અને મિલકતને વકફ તરીકે જાહેર કરવા અંગે સરકારનો અંતિમ નિર્ણય સામેલ છે.








