આ રાજ્યમાં 1000થી વધુ શાળાઓ બંધ થવાની અણીએ, જાણો શું છે કારણ
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે

તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે મીડિયામાં ચાલી રહેલા સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે, આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં કોઈ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. તેની પાછળ શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે શિક્ષણનું સ્તર નથી પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું અન્ય વિસ્તારોમાં સ્થળાંતર મુખ્ય કારણ છે. શાળાઓમાં બાળકોના અભાવે ઘણી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે, વિભાગનું કહેવું છે કે જો કોઈ બાળકો સરકારી શાળાઓમાં આવશે તો ફરીથી શાળા શરૂ કરવામાં આવશે.
રાજ્યનો ઘટતો જન્મ દર સ્કૂલ એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ
મીડિયામાં ચાલી રહેલા શાળાઓ બંધ થવાના અહેવાલોનો જવાબ આપતા વિભાગે કહ્યું કે રાજ્યનો ઘટતો જન્મ દર એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. વસ્તી આધારિત ડેટાનો હવાલો આપતા વિભાગે જણાવ્યું કે, તમિલનાડુનો કુલ પ્રજનન દર 2011 થી 2015 સુધી 1.68 ટકા હતો, જે 2021થી 2025 દરમિયાન ઘટીને 1.54 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત દર વર્ષે જન્મ લેતા બાળકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. 2011માં લગભગ 10.7 લાખ બાળકોનો જન્મ થયો હતો. જ્યારે 2023 અને 2024માં અનુક્રમે 9.02 અને 8.46 લાખ બાળકોનો જન્મ થયો છે.
ઘણા પરિવારોની પોતાના બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓની પસંદગી
શિક્ષણ વિભાગે જણાવ્યું કે, જે 1204 શાળાઓમાં કોઈ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું, તેમાંથી 208 સરકારી શાળા છે. આ સરકારી શાળાઓ મોટાભાગે દૂરના વિસ્તારોમાં આવેલી છે. કારણ કે આ વિસ્તારોમાં કોઈ શાળાએ જવા લાયક બાળક જ નથી, અને જો છે પણ, તો તેમના માતાપિતા તેને લઈને શહેર જતા રહ્યા છે. તેથી, આ શાળાઓમાં કોઈ નવું એડમિશન નથી થયું. આવું એટલા માટે પણ થાય છે કારણ કે ઘણા પરિવારો પોતાના બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓ પસંદ કરે છે.
રાજ્યમાં 37,595 સરકારી શાળાઓ
નોંધનીય છે કે તમિલનાડુ સરકારના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્તમાનમાં લગભગ 37,595 સરકારી શાળાઓ છે, જેમાં 42.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ વર્ષે લગભગ 4,07,379 વિદ્યાર્થીઓનું ધોરણ 1 માં એડમિશન થયું છે.
સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2024-25માં સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં લગભગ 1.75 લાખ વિદ્યાર્થીઓ વધુ છે. વિભાગે પણ આગામી વર્ષોમાં સરકારી શાળાઓમાં એડમિશન વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.








