મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સાવધાન! આવી રહ્યો છે 'મોન્સ્ટર અલ નીનો'! તૂટી શકે છે 150 વર્ષનો ગરમીનો રેકોર્ડ

વૈશ્વિક હવામાન પરિવર્તનને લઈને વૈજ્ઞાનિકોએ અત્યંત ગંભીર અને ડરામણી આગાહી કરી છે. વર્ષ 2026માં પૃથ્વી પર સુપર અલ નીનો ત્રાટકવાન

સાવધાન! આવી રહ્યો છે 'મોન્સ્ટર અલ નીનો'! તૂટી શકે છે 150 વર્ષનો ગરમીનો રેકોર્ડ
આ સમાચાર સાંભળો

વૈશ્વિક હવામાન પરિવર્તનને લઈને વૈજ્ઞાનિકોએ અત્યંત ગંભીર અને ડરામણી આગાહી કરી છે. વર્ષ 2026માં પૃથ્વી પર સુપર અલ નીનો ત્રાટકવાની શક્યતા છે, જે છેલ્લા 150 વર્ષનો સૌથી શક્તિશાળી અને વિનાશક સાબિત થઈ શકે છે. જૂન 2026 સુધીમાં આ 'મોન્સ્ટર' અલ નીનો સક્રિય થવાની સંભાવના 70 ટકાથી વધુ છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી શકે છે.

1877ના કાળઝાળ ઇતિહાસનું પુનરાવર્તન?

હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષની સ્થિતિ વર્ષ 1877-78માં આવેલા ભયાનક અલ નીનોની યાદ અપાવશે. તે સમયે આ કુદરતી આફતને કારણે ભારત, ચીન, બ્રાઝિલ અને ઇજિપ્ત જેવા દેશોમાં ભીષણ દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળમાં લાખો લોકોએ ભૂખમરા અને રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા હતા. હવે, 2026માં ફરી એકવાર તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ભારત માટે ચિંતાજનક સંકેતો

વૈજ્ઞાનિક ડેવિડ વાલેસ-વેલ્સના અહેવાલ મુજબ, આ આફતની અસર દરેક દેશની આર્થિક સ્થિતિ પર અલગ-અલગ હશે. ચીન જેવા દેશોએ ફૂડ સિક્યોરિટી અને એનર્જી ક્ષેત્રે આગોતરું આયોજન કર્યું છે. પરંતુ ભારત માટે આ સ્થિતિ પડકારજનક બની શકે છે. ખેતી અને ગરીબ વર્ગ પર તેની સીધી અસર પડશે. હીટવેવ અને વરસાદની અનિયમિતતાને કારણે પાક નિષ્ફળ જવાની અને મોંઘવારી વધવાની શક્યતા છે.

શું છે આ સુપર અલ નીનો?

અલ નીનો એવી ભૌગોલિક ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. જ્યારે આ તાપમાન મર્યાદા કરતા ઘણું વધી જાય ત્યારે તેને 'સુપર' અથવા 'મોન્સ્ટર' અલ નીનો કહેવામાં આવે છે. તેના કારણે પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે અને વરસાદની આખી પેટર્ન ખોરવાઈ જાય છે.

સમગ્ર વિશ્વમાં કેવી અસર થશે?

હીટવેવ: ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની જુગલબંધીને કારણે 2026 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.

ક્યાંક પૂર, ક્યાંક દુષ્કાળ: દક્ષિણ અમેરિકાના દેશોમાં ભારે વરસાદ અને પૂર આવશે. જ્યારે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના કેટલાક ભાગોમાં ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

સમુદ્રી જીવન પર ખતરો: સમુદ્રના ગરમ પાણીને કારણે માછલીઓ અને દરિયાઈ જીવોના અસ્તિત્વ પર જોખમ ઊભું થશે.

નિષ્ણાતોની સલાહ

NOAA (નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ 'અલ નીનો વોચ' જાહેર કરી દીધી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 2026માં જે જોવા મળશે તે આગામી દાયકાઓમાં આવનારી આફતોનું માત્ર એક 'ટ્રેલર' હશે. જેના કારણે વિશ્વએ જળ સંચય અને ખાદ્ય સુરક્ષા માટે આક્રમક આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.

આ સમાચાર શેર કરો