VIDEO: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાં બચ્યા, હોટએર બલૂનમાં લાગી આગ
મધ્યપ્રદેશના મંદસૌરમાં શનિવારે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ એક મોટી દુર્ઘટનામાં બચી ગયા. મંદસૌરમાં
મધ્યપ્રદેશના મંદસૌરમાં શનિવારે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ એક મોટી દુર્ઘટનામાં બચી ગયા. મંદસૌરમાં મુખ્યમંત્રીનું હોટ એર બલૂન ઉડાન ભરે તે પહેલાં જ તેમાં અચાનક આગ લાગી હતી. જોકે, સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.
શનિવારે સવારે મુખ્યમંત્રી મોહન યાદવ હોટ એરબલૂનમાં બેઠા હતા. પરંતુ અચાનક આગ લાગતા ત્યાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી મોહન યાદવ શનિવારે સવારે ગાંધીસાગર ફોરેસ્ટ રિટ્રીટ પહોંચ્યા હતા અને અહીં બોટિંગનો આનંદ માણ્યો હતો. આ પછી તેઓ મંદસૌરના સાંસદ સુધીર ગુપ્તા સાથે હોટએર બલૂનની રોમાંચક યાત્રા પર જઈ રહ્યા હતા. પરંતુ પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક હોવાથી બલૂન ઉડી શક્યો નહીં.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે મુખ્યમંત્રી બલૂનની નીચે ઊભા હતા અને બલૂનમાં હવા ભરતી વખતે નીચેના ભાગે ઓચિંતાની આગ લાગી હતી. ત્યાં હાજર સુરક્ષા ગાર્ડ્સે તાત્કાલિક ટ્રોલીને દૂર કરી આગ ઓલાવી નાંખી હતી. જેને લીધે મુખ્યમંત્રી ડૉ. યાદવ સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા છે. આ ઘટના પછી મુખ્યમંત્રીની હોટ એર બલૂન યાત્રા રદ કરાઈ હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધી સાગર મહાસાગર જેવું છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વન્ય સંપત્તિ વચ્ચે રાત્રે રોકાયો હતો. સાથે જ અહીની વોટર એક્ટિવિટીમાં જોડાયો હતો. પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન કુદરતી વારસો આપણી પાસે હોય તો વિદેશમાં કેમ ફરવા જવું?
હોટ એર બલૂન નિષ્ણાતે કહ્યું કે સવારે 6 થી 7:30 વાગ્યાની વચ્ચે પવનની ગતિ નહિવત્ હોય છે. હોટ એર બલૂનમાંથી પવનની ગતિ શૂન્ય હોવી જોઈએ, પરંતુ જ્યારે મુખ્યમંત્રી તેમાં ચઢ્યા એ સમયે પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક હતી. જેને લીધે બલૂન ઉપર ના જઈ શક્યો. જ્યારે તેમાં હવા ભરવામાં આવી રહી હતી, ત્યારે તે પવનના લીધે નીચે વળતા નીચેના ભાગે આગ લાગી ગઈ હતી. મુખ્યમંત્રી ત્યાં નીચે જ ઊભા હતા. પરંતુ સુરક્ષા ગાર્ડની સતર્કતાથી ટ્રોલીને પકડી લીધી અને નિષ્ણાતો અને કર્મચારીઓએ આગ ઓલવી દીધી.








