ખજૂરાહો - ભગવાન વિષ્ણુની ટિપ્પણી મુદ્દે ઘેરાયેલા CJIએ આપી સ્પષ્ટતા
ખજુરાહોના પ્રખ્યાત જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિની મરામતની માંગ કરતી અરજીની સ

ખજુરાહોના પ્રખ્યાત જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિની મરામતની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ એક ટિપ્પણી કરી હતી. જે વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) જેવા સંગઠનોએ પણ ચીફ જસ્ટિસને તેમના ભાષણમાં સંયમ રાખવાની સલાહ આપી હતી. આ બાબતે હવે ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ પોતે સ્પષ્ટતા કરી છે.
ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. મને બીજા દિવસે કોઈએ જાણ કરી હતી કે તમારી આ ટિપ્પણી વાયરલ કરવામાં આવી છે. સીજેઆઈએ કહ્યું કે, તેઓ બધા ધર્મોનું સન્માન કરે છે.
જણાવી દઈએ કે, ખજૂરાહોમાં વિષ્ણુની મૂર્તિ મુદ્દે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી ચીફ જસ્ટિસ બીઆર ગવઈને ઓળખે છે. તેઓ દરેક ધાર્મિક સ્થળની મુલાકાત લે છે અને દરેકનું સન્માન કરે છે. આ એક ગંભીર મુદ્દો છે. તેમણે ઉમેર્યું હતું કે તેમણે ન્યૂટનના કાયદાનો અભ્યાસ કર્યો છે કે, દરેક એક્શનનું રિએક્શન હોય છે. પરંતુ આજે દરેક એક્શન પાછળ સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રતિક્રિયાઓ મળે છે. ચીફ જસ્ટિસ ઘણીવાર બધા ધર્મોના પૂજા સ્થળોએ જાય છે. તે દરેક ધર્મનું સન્માન કરે છે.
જણાવી દઈએ કે, ખજૂરાહોમાં વિષ્ણુ પ્રતિમાની મરમ્મતની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે અરજદારને ઠપકો આપતા કહ્યું કે તેમની અરજી જાહેર હિતની અરજી નથી પરંતુ પ્રચારમાં રહેવા માટેની અરજી છે. જો તેઓ ભગવાન વિષ્ણુના આટલા ચુસ્ત ભક્ત હોય, તો ભગવાનને પ્રાર્થના કરો. સીજેઆઈની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
વિશ્વ હિન્દુ પરિષદે પત્ર લખી આપી સલાહ
વિશ્વ હિન્દુ પરિષદે આ વિવાદમાં ઝંપલાવતાં ચીફ જસ્ટિસને પત્ર લખી સલાહ આપી હતી. સંગઠનના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે લખ્યું હતું કે, ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં સ્થિત ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે અરજી પર સુનાવણી થઈ રહી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે મૌખિક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, મૂર્તિના સમારકામ માટે ભગવાનને જ પ્રાર્થના કરો. તમે કહો છો કે, તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો, તો હવે તેમને જ પ્રાર્થના કરો. કોર્ટ ન્યાયનું મંદિર છે. ભારતીય સમાજની કોર્ટમાં લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપણા સૌનું કર્તવ્ય છે કે, આ વિશ્વાસ જળવાઈ જ નહીં, પરંતુ વધુ મજબૂત બને.
જસ્ટિસે પણ વાણી પર સંયમ રાખવો જોઈએ
આગળ સલાહ આપી કે, આપણા સૌનું કર્તવ્ય છે કે, આપણી વાણીમાં સંયમ રાખીએ. ખાસ કરીને કોર્ટની અંદર. આ જવાબદારી કેસ લડનારાઓની પણ છે. વકીલોની પણ છે, અને ન્યાયાધીશોની પણ છે. અમને લાગે છે કે, ચીફ જસ્ટિસની મૌખિક ટિપ્પણી હિન્દુ ધર્મની આસ્થાની હાંસી ઉડાવે છે. સારૂ રહેશે કે, આ પ્રકારની ટિપ્પણી કરવાથી બચો.








