અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિની ગુમ, આ વર્ષે 7 ભારતીયોનો થયા છે મોત
છેલ્લા એક અઠવાડિયાથી અમેરિકાના કેલિફોર્નિયામાં એક 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ગુમ થઇ ગઇ હોવાના ચોંકાવનારા અ

છેલ્લા એક અઠવાડિયાથી અમેરિકાના કેલિફોર્નિયામાં એક 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ગુમ થઇ ગઇ હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. તેને શોધી કાઢવા માટે હવે પોલીસે લોકોની મદદ માગી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લા ઘણાં સમયથી ભારતીયો પર હુમલા, ભારતીયોના મૃત્યુ કે મિસિંગ હોવાના કેસ સામે આવી રહ્યા છે. જોકે આ કેસ નવો છે.
પોલીસે જાહેર કરી ઓળખ
પોલીસના જણાવ્યાનુસાર આ વિદ્યાર્થિનીનું નામ નિથિશા કંડુલા છે અને તે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ભણે છે. આ યુનિવર્સિટી સેન બર્નાડીનોમાં આવેલી છે. છેલ્લે તે 28 મેના રોજ જોવા મળી હતી અને ત્યારબાદથી તેની કોઈ ભાળ મળી નથી.
ક્યારથી ગુમ હોવાની ચર્ચા?
નિથિશા કંડુલા છેલ્લે લોસ એન્જેલસમાં દેખાઈ હતી અને 30 મેથી તે ગુમ હોવાની ચર્ચા છે. આ માહિતી ખુદ સીએસયુએસબીના પોલીસ પ્રમુખ જ્હોન ગ્યુટરેસે આપી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પણ કરવામાં આવી હતી. કંડુલાની ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ જણાવાઈ હતી અને તેનું વજન 72 કિલો જેટલું હોવાનું અનુમાન છે. અગાઉ એક 25 વર્ષીય ભારતીય સ્ટુડન્ટ્સ પણ આ રીતે ગુમ થયો હતો જેનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તેની ઓળખ મોહમ્મદ અબ્દુલ અરફાત તરીકે થઇ હતી.
વર્ષ 2024માં અત્યાર સુધીમાં સાત ભારતીયોના મોત થયા છે
2024ના વર્ષમાં અમેરિકામાં સાત ભારતીયો અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા છે. ભારતીય વિદ્યાર્થીઓ પર સતત હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. જેના કારણે ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોમાં ભયનો માહોલ છે.
માર્ચ 2024 માં, વોશિંગ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને કુચુપુડી ડાન્સર અમરનાથ ઘોષને સેન્ટ લુઇસમાં ગોળી મારી દેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના રહેવાસી અમરનાથ ઘોષ વર્ષ 2023માં અમેરિકા ગયો હતો. તેને ઘણી ગોળીઓ વાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
5 ફેબ્રુઆરી, 2024ના રોજ ભારતીય મૂળના વિદ્યાર્થી સમીર કામથનો મૃતદેહ ઇન્ડિયાના વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સમીર કામથ પરડ્યુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.
2 ફેબ્રુઆરી, 2024 ના રોજ, ભારતીય મૂળના IT એક્ઝિક્યુટિવ વિવેક તનેજા પર વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું હતું.
આ વર્ષે જાન્યુઆરીમાં લિન્ડનર સ્કૂલ ઑફ બિઝનેસના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીની લાશ ઓહાયોમાં મળી આવી હતી. આ સિવાય પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્યના ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી, નીલના મૃત્યુની પુષ્ટિ થઈ.
ફેબ્રુઆરીમાં અમેરિકામાં ભારતીય મૂળના અન્ય એક વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થીનું નામ અકુલ ધવન હતું અને તે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેનનો વિદ્યાર્થી હતો.
માર્ચમાં અભિજીત પરચુરુના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. હાલમાં તેના પર કોઈ હુમલાની પુષ્ટિ થઈ નથી.








