'પ્રજાના કામ 30 દિવસમાં નહીં થાય તો 31મા દિવસે અધિકારી સીધા સસ્પેન્ડ!' મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી એનડીએ (NDA) સરકારે પ્

બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી એનડીએ (NDA) સરકારે પ્રજાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. રાજ્યની તમામ પંચાયતોમાં આજથી ‘સહયોગ શિબિર’ શરૂ કરવામાં આવી છે. આ શિબિરમાં આવતી અરજીઓનો નિકાલ જો અધિકારીઓ 30 દિવસમાં નહીં કરે, તો 31મા દિવસે તે અધિકારી આપોઆપ સસ્પેન્ડ થઈ જશે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતે સારણ જિલ્લાના સોનપુરના ડુમરી બુઝુર્ગ ગામથી આ કાર્યક્રમની સત્તાવાર શરૂઆત કરાવી દીધી છે.
આ યોજના અને કેવી રીતે કામ કરશે?
બિહાર સરકારની આ નવી વ્યવસ્થા હેઠળ અધિકારીઓ માટે કડક ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે. જેમાં અરજી મળ્યાના 10 દિવસમાં સંબંધિત અધિકારીને કામ પૂરું કરવા પ્રથમ નોટિસ અપાશે. જો કામ નહીં થાય તો 20મા દિવસે બીજી નોટિસ આપવામાં આવશે. 25મા દિવસે અધિકારીને ત્રીજી અને અંતિમ નોટિસ ફટકારાશે. કોઈ પણ સંજોગોમાં 30 દિવસની અંદર અરજી પર આદેશ જાહેર કરવો પડશે. જો 30 દિવસમાં નિકાલ નહીં થાય, તો 31મા દિવસે મુખ્યમંત્રી સચિવાલયથી અધિકારીને સીધા સસ્પેન્ડ કરી દેવાશે.
CM ઓફિસથી સીધું મોનિટરિંગ
કોર્ટ સંબંધિત બાબતો સિવાયની કોઈ પણ અરજીને અધિકારીઓ અટકાવી શકશે નહીં. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા આ તમામ અરજીઓનું ડિજિટલ પ્લેટફોર્મ પર રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. આ શિબિર પંચાયત સરકાર ભવન અથવા નજીકના કોઈ જાહેર સ્થળે યોજાશે. દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે આ શિબિરોનું આયોજન થશે. અહીં અંચલ (રેવન્યુ), બ્લોક અને પોલીસ સ્ટેશન સ્તરના તમામ અધિકારીઓ એકસાથે બેસીને લોકોની સમસ્યાઓ સાંભળશે.
બિહારના તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને પણ આ શિબિરોનું નિરીક્ષણ કરવા આદેશ અપાયો છે. પટના જિલ્લાના પ્રભારી મંત્રી અને ડેપ્યુટી સીએમ વિજય ચૌધરીએ પોતે દાનાપુર, નૌબતપુર અને પુનપુન બ્લોકની પંચાયતોની મુલાકાત લીધી છે.
કઈ સમસ્યાઓ માટે કેવી રીતે અરજી કરી શકાશે?
ગ્રામીણ નાગરિકો શિબિરના આયોજનના 30 દિવસ પહેલા અથવા શિબિરના દિવસે પણ પોતાની અરજી આપી શકે છે. આ તમામ ફરિયાદોને 'સહયોગ પોર્ટલ' પર ઓનલાઈન નોંધવામાં આવશે. આ ઉપરાંત સરકારના સત્તાવાર હેલ્પલાઈન નંબર 1100 પર પણ સંપર્ક કરી શકાશે.
શિબિરમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે
જમીન વિવાદ, દાખલ-ખાંરિજ (મ્યુટેશન) અને મહેસૂલને લગતી બાબતો.
જાતિ, આવક અને રહેઠાણના પ્રમાણપત્રો મેળવવામાં પડતી મુશ્કેલીઓ.
રાશન, પેન્શન, મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓની ફરિયાદો.
વીજળી, પાણી, રોડ, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ.
"દિલ્હીના નોઈડાની જેમ સોનપુરનો વિકાસ કરીશું" - સમ્રાટ ચૌધરી
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ શિબિરની શરૂઆત કરાવતા જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે વચન આપતા કહ્યું કે, મેં સોનપુર બેઠકને દત્તક લેવાની વાત કરી હતી અને આજે હું તમારું એ સપનું પૂરું કરી રહ્યો છું. અહીં એરપોર્ટ અને નવું ટાઉનશિપ બની રહ્યું છે. બાબા હરિહરનાથના નામ પર બિહાર સરકાર અહીં નવું ટાઉનશિપ બનાવશે. જો કોઈ નાગરિકની જમીન આ પ્રોજેક્ટમાં જતી હોય અને ઘરમાં દીકરીના લગ્ન કે અન્ય કોઈ આપત્તિ હોય, તો તેઓ કલેક્ટરને અરજી કરે. સરકારી નિયમ મુજબ જમીનનો ચાર ગણું વળતર સીધું તમારા બેંક ખાતામાં જમા કરાશે. સોનપુરનો વિકાસ દિલ્હીના નોઈડાની જેમ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે અહીં જ ફેક્ટરીઓ પણ નંખાશે.








